Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

રાજકોટના રતનપરમાં કૈલાસબા ઝાલાનો ફાંસો ખાઇ આપઘાતઃ પતિ-સાસરિયાના ત્રાસનો આક્ષેપ

મોડી રાત્રે બનાવઃ રાજકોટ હોસ્‍પિટલમાં દમ તોડયોઃ બે સંતાન મા વિહોણા

રાજકોટ તા. ૬: મોરબી રોડ પર આવેલા રતનપરમાં રહેતાં કૈલાસબા અનિરૂધ્‍ધસિંહ ઝાલા (ઉ.વ.૪૦) નામના મહિલાએ રાતે પંખામાં સાડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. પતિ, સાસુ, સસરાના ત્રાસને કારણે તેઓ મરી જવા મજબૂર થયાનો આક્ષેપ તેમના ભાઇ ગાંધીગ્રામમાં રહેતાં મહાવીરસિંહ રણવીરસિંહ પરમારે કર્યો છે.

કૈલાસબા ઝાલાએ મોડી રાતે બારેક વાગ્‍યે ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ટૂંકી સારવારને અંતે મોત નિપજ્‍યું હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં કુવાડવા રોડ પોલીસ મથકના પીએઅસાઇ જે. કે. પાંડાવદરા અને સંજયભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. 

આપઘાત કરનાર કૈલાસબાના પતિ અનિરૂધ્‍ધસિંહ ડ્રાઇવીંગ કરે છે. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેણીના માવતર રાજકોટ ગાંધીગ્રામમાં રહે છે. પિતાનું નામ રણજીતસિંહ પરમાર અને ભાઇનું નામ મહાવીરસિંહ પરમાર છે. કૈલાસબાને પતિ-સાસુ-સસરાનો ત્રાસ હોવાનો આક્ષેપ માવતર પક્ષે કર્યો હોઇ પોલીસે આગળ કાર્યવાહી હાથ ધરી છે. મૃતક કૈલાસબેનના ભાઇએ ટાઇપ કરેલો એક મસેજ સોશિયલ મિડીયા મારફત મોકલ્‍યો હતો. જેમાં આક્ષેપો કરવામાં આવ્‍યા છે.

 

આપઘાત કરનારના ભાઇ મહાવીરસિંહ સરવૈયાએ મિડીયા સમક્ષ પોતાની વ્‍યથા ઠાલવી હતી અને ટાઇપ કરેલો મેસેજ ફોરવર્ડ કર્યો હતો, જે આ મુજબ છે.

દુઃખદ અને શરમજનક કિસ્‍સો

રતનપર ઝાલાના પુત્રવધૂ અને પરમારના દિકરીબા કૈલાશબાએ ગત રાત્રિના સાસરિયાં પક્ષ ના ત્રાસને કારણ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્‍યું

કૈલાશબાના પતિ અનિરૂદ્ધસિંહ ભીમભા ઝાલા, કૈલાશબા પર શારીરિક અને માનસિક ત્રાસ ગુજારતા ,ઘર ચલાવવા પૈસા પણ ના પુરા પાડતા અને જે પણ કમાઈ એ પોતાની પ્રેમિકાને આપી દેતા.પોતાના પુત્રના આ કાંડની માતા જશુબા અને પિતા ભીમભા બંનેને જાણ હોવા છતાં દિકરો છે કરે એ તો બધું...આવું બોલીને એ દિકરા ને કઈ ના કહેતા અને વહુ પર ત્રાસ ગુજારતા હતા. ગરાસણી કયારેય હાર ના માને એવા પરિવારના સંસ્‍કારોને ઉજાગર કરતા કૈલાસબા મુંગે મોઢે સહન કરી લેતાં. પોતાના સંતાન માટે હજુ ૩ મહિના અગાઉ જ પોતાના પુત્રના લગ્ન કરાવ્‍યા હતા અને પોતે સાસુ બન્‍યા હતા, પણ છતાં હાલત તો એવી જ દયનીય રહી એમની. લગ્નના ૨૨ વર્ષે આવા દિવસો જોવા પડશે એ કોને ખબર હતી? પોતાના પિયર પક્ષના લોકો સામે હસતા મોઢે રહેતા, એક વાતની જાણ ના કરી કે હાલત ખરાબ થતી જાય છે. અંતે આ ત્રાસ સહન ન થતાં એક ગરાસણીએ પોતાનું જીવન ટૂંકાવ્‍યું. પિયર પક્ષના લોકો પોલીસની મદદ તો લેશે, કેસ કરશે, પણ સવાલ એ છે કે આવા ઘણા બધાસ્ત્રીઓ આજ લગ્ન સબંધને કમને નિભાવી રહ્યા છે, કારણ કે સમાજ શું કહેશે?? છૂટાછેડા લેશું તો આપણા સંતાનનું ભવિષ્‍ય શું?? આવા સામાજિક પ્રશ્નોનો સામનો નથી કરી શકતા.

અમે આવા નાજુક સમયમાં પણ હિંમત દાખવી અને પોતાના દિકરી સાથે થયું એવું બીજાની દિકરી સાથે ના થાય એ માટે પોલીસ કેસ કર્યો છે. પરંતુ દિકરા વાળા જાણે માનવતા ભૂલી ગયા હોઈ એમ લાગે છે, તેઓ બસ પોતે કયાંય ફસાવા ન જોઈ એવી વળત્તિથી સમાજ ના મોભીઓ, લાગતા વળગતા ઓળખીતા રાજકારણીઓ દ્વારા કેસ પાછો લેવા  દબાણ કરે છે. ન્‍યાય માટે અને અન્‍યાયને ઊઘાડો પાડવા આ પરિવારને હિંમત આપીએ જેથી બીજા કોઈ પરિવાર પોતાની દિકરી ના ગુમાવે.

(12:23 pm IST)