Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

બોગસ શૈક્ષણિક બોર્ડ બનાવી સ્‍કૂલો ચલાવતા આરોપીઓની જામીન અરજી રદ્દ

કુલ ૫૮ હજાર વિદ્યાર્થીઓને માર્કશીટ આપી બોગસ શૈક્ષણિક બોર્ડના નામે ૫૪ સ્‍કૂલો ચલાવતા મહિલા સહિત આરોપીઓની રીમાન્‍ડ દરમિયાન બહાર આવેલ મોટું કૌભાંડ : માત્ર ૧૫ હજારમાં જોઇતી ડીગ્રીઓના સર્ટીફીકેટો વેચાતા હતા

રાજકોટ તા. ૬ : રાજકોટના અધિક સેશન્‍સ જજ શ્રી પી. કે. લોટીયાએ માઘ્‍યમિક શૈક્ષણિક બોર્ડ, દિલ્‍હીના નામનું બોગસ બોર્ડ બનાવી સમગ્ર ભારતમાં ટ્રસ્‍ટના ટ્રસ્‍ટીઓ બની પ૪ સ્‍કુલો ચલાવતા ૪ આરોપીઓની ધરપકડ બાદ મહિલા સહીતના બે આરોપીઓની જામીન અરજી રદ કરતા સેશન્‍સ અદાલતે વિદ્યાર્થીઓના ભવિષ્‍ય સાથે થતા ચેડાની ગંભીર નોંધ લીધેલ છે.
આ કેસની હકીકત એવા પ્રકારની છે કે વીસ દિવસ પહેલા જયંતિ સુદાણી નામનો વ્‍યકિત સૌરાષ્‍ટ્ર ઈન્‍ટીટયુટ ઓફ ઈલેકટ્રોનીક ટેકનોલોજી ( એસ.આઈ.ઈ.ટી.) નામની બોગસ સંસ્‍થાના લેટર પેડ ઉપર રૂા. ૧પ,૦૦૦માં અર્ધશિક્ષીત વ્‍યકિતઓને જોઈતી ડીગ્રીઓના સર્ટીફીકેટો વેચાતા આપતા હોવાની માહિતી મળતા ડી.સી.બી. રાજકોટે જયંતિ સુદાણીની ઓફીસે રેઈડ કરેલ. આ રેઈડ દરમ્‍યાન એસ.આઈ.ઈ.ટી.ની અનેક માર્કશીટો મળી આવેલ અને આવી કોઈ સંસ્‍થા અસ્‍તિત્‍વમાં હોવાનું જણાયેલ નહીં. ડી.સી.બી. પોલીસે આથી જયંતિ સુદાણીની ધરપકડ કરી રીમાન્‍ડ માંગતા પોલીસ રીમાન્‍ડ દરમ્‍યાન આ જયંતિ સુદાણી દિલ્‍હીથી માઘ્‍યમિક શિક્ષણ બોર્ડ નામની બોગસ સંસ્‍થા ચલાવતી તનુજા સીંગ નામની મહિલા સાથે સાંઠગાઠ હોવાનું જણાય આવેલ. આ કારણે ડી.સી.બી. રાજકોટે જયંતિ સુદાણી અને તનુજા સીંગ વિરુઘ્‍ધ બીજો ગુન્‍હો નોંધતા આ ગુન્‍હામાં પારસ અશોકભાઈ લાખાણી નામનો વ્‍યકિત પણ ટ્રસ્‍ટના નેજા હેઠળ સ્‍કુલો ચલાવી દિલ્‍હી બોર્ડ નામની બોગસ સંસ્‍થાના લેટર પેડ ઉપર માર્કશીટો આપવામાં સંડોવાયેલ હોવાનું જણાયેલ.
આ મુજબ પોલીસે જયંતિ સુદાણી, પારસ લાખાણી, તનુજા સીંગની ધરપકડ કરી તપાસ હાથ ધરેલ. આ તપાસ દરમ્‍યાન બોગસ એજયુકેશન બોર્ડના નેજા હેઠળ અનેક વિદ્યાર્થીઓને ખોટી માર્કશીટ આપી લાખો રૂપીયાનું કૌભાંડ બહાર આવેલ. જે નામથી ટ્રસ્‍ટ બનાવવામાં આવેલ હતું તેવુ કોઈ ટ્રસ્‍ટ રજીસ્‍ટર્ડ થયેલ ન હતું. આવા બોગસ ટ્રસ્‍ટમાં પારસ લાખાણીએ લાખો રૂપીયા મેળવી કેતન જોષી નામની વ્‍યકિતને ટ્રસ્‍ટી તરીકે દાખલ કરી બોગસ સ્‍કુલો અને બોગસ શૈક્ષણિક બોર્ડની પ્રવૃતિઓ ચાલુ રાખેલ હતી.
શ્રી સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ શ્રી એસ. કે. વોરાએ રજુઆત કરેલ હતી કે આરોપીઓની આ ગેંગ જે રીતે શૈક્ષણિક ક્ષેત્રમાં ગુન્‍હાહીત પ્રવૃતિઓ આચરી રહયા છે તે મુજબ તેઓને પોલીસ કાયદો તેમજ ન્‍યાય તંત્રનું કોઈ જ અસ્‍તિત્‍વ જ ન હોય તે પ્રમાણેની નિર્ભયતા આરોપીઓની ભયંકર ગુન્‍હાહીત માનસીકતા દર્શાવે છે. આ ઉપરાંત આવા બોગસ બોર્ડ અને બોગસ સ્‍કુલોના નેજા હેઠળ બોગસ માર્કશીટના આધારે ગેરલાયક વિદ્યાર્થીઓ સંપૂર્ણ લાયક વિદ્યાર્થીઓના હકકોનું હનન કરે છે. આવી પ્રવૃતિઓના કારણે સમાજની, અર્થતંત્રની તેમજ દેશની વ્‍યવસ્‍થાતંત્રમાં ગેરલાયક વ્‍યકિતઓ હોદૃાઓ ભોગવે ત્‍યારે સમાજને જે સ્‍તરનું નુકશાન થાય છે તે નાણામાં ન આંકી શકાય તે પ્રકારનું હોય છે. આ તમામ કારણોસર આરોપીઓની જામીન અરજીઓ રદ થવી જોઈએ. શ્રી સરકાર તરફેની આ રજુઆતોને ઘ્‍યાને લઈ અધિક સેશન્‍સ જજે આરોપી પારસ અશોકકુમાર લાખાણી અને તનુજા સીંગ ચૌધરીની રેગ્‍યુલર જામીન અરજીઓ રદ કરેલ છે.
આ કેસમાં શ્રી સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ શ્રી સંજયભાઈ કે. વોરા અને અધિક સરકારી વકીલ શ્રી પરાગભાઈ શાહ રોકાયેલ હતા.

 

(11:34 am IST)