Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

કોટેચા ચોકના ઇન્‍દોરી સમોસા-કચોરીવાળા હરિભાઇ પટેલનું વાહન અકસ્‍માતમાં મોત

૧૭મીએ દૂકાનેથી આલાપ ગ્રીનસીટીમાં ઘરે જતી વખતે દૂકાન નજીક જ નજીક જ એક્‍ટીવા સહિત કારની ઠોકરે ચડયા હતાં: સારવારમાં ગત સાંજે દમ તોડયો

રાજકોટ તા. ૬: નિર્મલા રોડ ફાયર બ્રિગેડ નજીક કારની ઠોકરે એક્‍ટીવા ચડી જતાં કોટેચા ચોકમાં આવેલા પ્રખ્‍યાત ઇન્‍દોરી સમોસા-કચોરીવાળા હરિભાઇ વિઠ્ઠલભાઇ પટેલ (ઉ.વ.૭૪)નું ગંભીર ઇજા થતાં મૃત્‍યુ નિપજતાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો છે.
આલાપ ગ્રીન સીટી ડી-૪૯માં રહેતાં હરિભાઇ પટેલ તા. ૧૭/૫ના રોજ સાંજે આઠેક વાગ્‍યે એક્‍ટીવા હંકારી દૂકાનેથી ઘર તરફ જવા નીકળ્‍યા ત્‍યારે દૂકાનથી થોડે દૂર ફાયર બ્રિગેડ પાસે કારની ઠોકર લાગતાં તેઓ એકટીવા સહિત ફંગોળાઇ જતાં ઇજા થતાં ખાનગી હોસ્‍પિટલમાં દાખલ કરાયા હતાં. ત્‍યાંથી સિવિલમાં લાવવામાં આવ્‍યા બાદ રજા લેવાઇ હતી. ગકાઇલે ફરી બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ નિપજ્‍યું હતું.
હરિભાઇ પરિવારના એકના એક મોભી હતાં. સંતાનમાં એક પુત્ર છે. કોટેચા ચોકમાં શ્રી હરિ નમકીન નામે તેઓ ઇન્‍દોરી સમોસા-કચોરીની દૂકાન ધરાવતાં હતાં. આ સમોસા-કચોરી-ઇન્‍દોરી પોૈવાના રાજકોટવાસીઓ ખુબ મોટા ચાહક છે. ગાંધીગ્રામ પોલીસે અકસ્‍માત સર્જનાર કાર ચાલક અંગે તપાસ હાથ ધરી છે.

 

(11:06 am IST)