Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

ભેગા જ હરતા ફરતા વૃદ્ધ સત્સંગની વાતો કરતાં એ મને ગમતું નહિ...એટલે હુમલો કર્યો: આરોપીનું રટણ: જામનગર રોડ નાગેશ્વરમાં વણિક વૃદ્ધ કિરીટભાઈ શાહ પર અભય ઉર્ફ મોંટૂ વ્યાસનો હિચકારો હુમલો: હત્યાનો પ્રયાસ: ગાંધીગ્રામ પોલીસે મોંટૂને રાતોરાત પકડ્યો

અગાઉ પણ હત્યામાં સંડોવણી: વૃદ્ધ ગંભીર હાલતમાં સારવાર હેઠળ

રાજકોટઃ શહેરના જામનગર રોડ પર નાગેશ્વરમાં રહેતા વણિક વૃદ્ધ પર આ વિસ્તારના બ્રાહ્મણ શખ્સે હીંચકારો હુમલો કરી બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કર્યો છે. ગાંધીગ્રામ પોલીસે રાતોરાત આરોપીને પકડી લીધો છે.

આ બનાવમાં પોલીસે હુમલામાં ઘાયલ થયેલા કિરીટભાઇ શાહ-વૈષ્ણવ વાણીયા (ઉ.વ.૭૦)ના પુત્ર વિશાલભાઈ શાહ (ઉ.વ.૩૮ ધંધો.પ્રા.જોબ રહે.૨૦૩-એજિંગ સાનિધ્ય એપાર્ટમેન્ટ જૈન ભોજનાલય પાસે, પટેલ ચોકની પાસે, નાગેશ્વર જામનગર રોડ)ની ફરિયાદ પરથી અભય ઉર્ફે મોન્ટુ હર્ષદભાઇ વ્યાસ રહે.નાગેશ્વર રાજકોટ વિરૂદ્ધ ૩૦૭ તથા જી.પી.એક્ટ કલમ.૧૩૫ (૧) મુજબ ગુનો નોંધી આરોપીને સકંજામાં લીધો છે.

 વૃદ્ધ કિરીટભાઈ શાહ અને અભય ઉર્ફ મોંટૂ એક બીજાને ઓળખે છે. બને જામનગર રોડ, નાગેશ્વર અરીહંત એપાર્ટમેન્ટની બાજુમાં સાંજે હતા ત્યારે અભય ઉર્ફ મોંટૂએ કોઈ કારણસર ઝઘડો કરી માથામાં ઉપરના ભાગે કોઇ બોથડ પદાર્થ વડે માર મારી ગંભીર પ્રકારની ઇજા કરી તથા જીવલેણ હુમલો કરી તથા ડાબા પગે નળાના ભાગે ઇજા કરી હતી.

પીઆઇ જી.એમ.હડિયા, પીએસઆઇ જે.જી.રાણા, હીરાભાઈ રબારી, ખોડુભા જાડેજા સહિતે આરોપીને સકંજામાં લીધો છે. તે બાર વર્ષ પહેલાં માલવીયા નગર વિસ્તારમાં મર્ડરમાં સંડોવાયો હતો. તેણે એવું રટણ કર્યું છે કે કિરીટભાઈ મારી સામે સત્સંગની વાતો કરતા હોઇ ન ગમતા હુમલો કર્યો હતો. ડીસીપી સુધીરકુમાર દેસાઈ, એસીપી પી.કે. દિયોરાની રાહબરીમાં ગાંધીગ્રામ પોલીસે વિશેષ તપાસ યથાવત રાખી છે.

(11:19 am IST)