Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

નવા મતદારો ડિજિટલ વોટર કાર્ડ- ઈ એપીક કાર્ડ ડાઉનલોડ કરી લેજો

રાજકોટ જિલ્લાના ૩૫૭૦૫ મતદારોને ઈ એપિક ડાઉનલોડમાં મદદરૂપ થવા માટે તા.૭ તથા તા.૧૩ના પ્રત્યેક વિધાનસભા મતદાર વિભાગમાં બીએલઓ મતદાન મથક ખાતે હાજર રહેશે : મોબાઈલ એપ્લિકેશન nvsp.in વેબસાઈડ અને VOTERHELPLINE એપીકડાર્ડ ડાઉનલોડ કરી શકાશે

રાજકોટ, તા.૬: ભારતના ચૂંટણી પંચ દ્વારા રાષ્ટ્રીય મતદાર દિવસે ડિજિટલ વોટર કાર્ડ ઇ એપિકની સુવિધા લોન્ચ કરવામાં આવી છે.  જેમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ તા. ૯/૧૧/૨૦૨૦ થી તા. ૧૫/૧૨/૨૦૨૦  દરમ્યાન નોંધાયેલા ફકત નવા મતદારો કે જેમણે પોતાનો યુનિક મોબાઈલ નંબર આપેલ છે, તેઓ સંબંધિત મોબાઇલ એપ્લિકેશન  nvsp.in   વેબસાઇટ તથા VOTER HELPLINE મોબાઇલનો ઉપયોગ કરીને એપીક કાર્ડ ડાઉનલોડ કરી શકશે. રાજકોટ જિલ્લામાં આવા યુનિક મોબાઇલ નંબર ધરાવતા ૩૫૭૦૫ મતદારો છે.

રાજકોટ જિલ્લા ખાતેના આ ૩૫૭૦૫ મતદારોને ઇ એપિક ડાઉનલોડમાં મદદરૂપ થવા માટે તા.૭/૩/૨૧ના રવિવારે તથા તા.૧૩/૩/૨૧ના શનિવારે  પ્રત્યેક વિધાનસભા મતદાર વિભાગમાં બીએલઓ સવારના ૧૦ થી સાંજના ૫ વાગ્યા સુધી મતદાન મથક ખાતે ઉપસ્થિત રહેશે. જેથી આ ૩૫૭૦૫ મતદારે પૈકી જે મતદારોએ ઇ એપિક ડાઉનલોડ કરી નથી તેઓ પોતાના મોબાઇલ સાથે સબંધિત મતદાન મથકની મુલાકાત લઇ પોતાના ઇ એપિક ડાઉનલોડ કરાવી શકે છે. ૩૫૭૦૫ સિવાયના મતદારો ઇ એપિક ડાઉનલોડ કરી શકશે નહી. તેઓ માટે હવે પછી આ સુવિધા કાર્યરત કરાશે. 

નવા મતદારોએ ઇએપિક ડાઉનલોડ કરવા માટે  nvsp.in ઉપર જઈ રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ યુઝર આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરીને વેબસાઈટમાં દાખલ થવાનું રહેશે. ત્યાર બાદ એપિક ઓપ્શન પર કિલક કરી ચૂંટણી કાર્ડ નંબર અથવા ફોર્મનો રેફરન્સ નંબર દાખલ કરવાથી મોબાઈલ નંબર પર એક ઓ.ટી.પી. નંબર આવશે, જે દાખલ કર્યા બાદ કેપ્ચા કોડ દાખલ કરીને ઇ એપીક કાર્ડ ડાઉનલોડ કરી શકાશે. નવા મતદારોને ઇ એપિક કાર્ડ ડાઉનલોડ કરવા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી, રાજકોટની યાદીમાં જણાવાયું છે.

(11:47 am IST)