Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

સિવિલમાં ઇએનટી વિભાગમાં વૃધ્ધાને મળ્યું નવું જીવન

૬૨ વર્ષના લાભુબેન વાછાણીને આંખ, નાક, મગજમાં ફેલાયેલુ જીવલેણ ફંગસ દૂર કરાયું

ઓછી રોગપ્રતિકારક શકિત ધરાવતાં, ડાયાબિટીસના દર્દીઓ માટે ફંગસ કે અન્ય ઇન્ફેકશન જીવલેણ નિવડી શકેઃ ડો. સેજલ મિસ્ત્રી

રાજકોટ : અમરાપુરના ૬૨ વર્ષના માડી લાભુબેન વાંછાણીને આંખે દેખાતું બંધ થઈ જતા ખાનગી દવાખાનામાં દેખાડતા ઓપરેશન કરી એક આંખ કાઢવી પડશે તેમ જણાવાયું હતું. માજીની તકલીફ જોતા એકવાર સિવિલમાં દેખાડવાનું નક્કી કર્યું તેમ તેમ આખી વાત કરતા તેમના પુત્ર રસિકભાઈ વાંછાણી સિવિલની સારવાર બાદ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી નવજીવન મળ્યાનો સુખદ અનુભવ જણાવતા કહે છે.

અહીંના તજજ્ઞ ડોકટર્સ સેજલ મિસ્ત્રી, ડો. મોનીલ પરસાણા, ડો. પરેશ, ડો. ઉર્વશી ગોહિલ અને ટીમ દ્વારા લાભુબેનની તબિયત જોઈ આંખ, દુરબીનથી નાકની તપાસ કરી. તેમનુ સીટી સ્કેન અને એમ આર આઈ કર્યું,   જેમાં ફંગસ ઇન્ફેકશન જોવા મળ્યું.  જેનો ફેલાવો વધી ગયો હોઈ એન્ટી ફંગલ ટ્રીટમેન્ટ શરુ કરી.

ડો. પરસાણા જણાવે છે કે, ઇન્ફેકશનના કારણે તેમની આંખના ડોળાની મુવમેન્ટ ચાલી ગયેલી ને વિઝન પણ. તેમના મગજમાં ફેલાયેલી ફંગસને ઓપરેશન દ્વારા સેકશન કરી એન્ટી ફંગલ ટ્રીટમેન્ટ પંદર દિવસ સુધી કરી, લાભુબેનની હિંમત અને શારીરિક તંદુરસ્તીને કારણે તેમને કોઈ સાઈડ ઈફેકટ નો થઈ જે ખુબ સારી વાત કહેવાય. આંખની રોશની હજુ પાછી આવી નથી પણ પ્રકાશ અનુભવી શકે છે, તેમજ પેરાલીસીસ ની અસરમાંથી મુકત થયા છે. ડો. સેજલ મિસ્ત્રી જણાવે છે કે, ઓછી રોગપ્રતિકારક શકિત ધરાવતા, આંખ, નાક કે કાનમાં નાખવામાં આવતા સ્ટીરોઈડના ડ્રોપ્સ વધારે પડતા લેવાથી તેમજ ખાસ કરીને ડાયાબિટીસ કંટ્રોલ બહાર જતું રહે ત્યારે ફંગસ કે વાઇરસ થકી આંખ, નાક, કાન તેમજ શરીરના અન્ય ભાગમાં ઇન્ફેકશન થવાની સંભાવના રહે છે. જે અંગોને મોટુ નુકસાન પહોંચાડે છે. સમય જતા લોહીમાં કલોટિંગ થયે લોહોની નળી બ્લોક થઈ જાય તેમજ હદય અને મગજને નુકસાન કરે છે.  લાભુબેનને યોગ્ય સમયે સારવાર મળી જતા તેમને અન્ય ગંભીર બીમારી થતા રોકી શકવામાં અમે સફળ રહ્યા છે.રાજકોટ સિવિલના ઈ.એન.ટી વિભાગમાં ફંગસ કે વાઇરસ સંક્રમિત દર્દીઓ મહિને એક થી બે જેટલા આવતા હોઈ છે. જો સમયસર તેમની સારવાર કરવામાં આવે તો શરીરના અન્ય અંગોને નુકશાનથી બચાવી શકાય છે, અન્યથા તે અંગો સર્જરી કરી દૂર કરવા પડે છે. કેટલાક કેસમાં દર્દીને પેરેલિસિસ પણ થઈ જતું હોવાની સંભાવના રહેલી છે ત્યારે સમયસર નિદાન કરાવતા રહેવા ડો. સેજલ ખાસ સંદેશ પાઠવે છે. રાજકોટ સિવિલ ખાતે જરૂરિયાતમંદ લોકોની નિઃશુલ્ક સારવાર થકી અનેક દર્દીઓને નવજીવન મળ્યું છે.

(1:02 pm IST)