Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

INIFD દ્વારા યોજાયો ખાદી ફેશન અને ઇન્ટીરિયર શો

વિદ્યાર્થીઓએ૮૦૦ મીટર કાપડનો ઉપયોગ કરી કપડાં અને વસ્તુઓ તૈયાર કરી : જુલા, લેમ્પ, ખુરશી, ઘડિયાળ વગેરે વસ્તુઓએ આકર્ષણ જમાવ્યુ

રાજકોટ : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મ દિવસ ૨ ઓકટોબરના  ફેશન અને ઇન્ટીરીયર ડિઝાઇન ક્ષેત્રે દેશના ભાવિને તૈયાર કરી શિક્ષણ આપતી અગ્રીમ સંસ્થા INIFD (ઈન્ટરનેશન ઇન્સ્ટીટયુટ ઓફ ફેશન ડિઝાઇન) અને દુનિયાભરમાં વ્યવસાયનો વ્યાપ ધરાવતી સંસ્થા BNI (બિઝનેશ નેટવર્ક ઇન્ટરનેશનલ) ના સંયુકત ઉપક્રમે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનું સ્વપ્ન 'વોકલ ફોર લોકલ' અને 'આત્મનિર્ભર ભારત' તેમજ 'ખાદી ફોર ફેશન, ખાદી ફોર નેશન' ને સાકાર કરવાના ભાગરૂપે 'ખાદી ફેશન શો' અને સૌ પ્રથમવાર 'વિશિષ્ટ ખાદી પ્રદર્શન' રાજકોટ ખાતે યોજાયુ હતુ. INIFD રાજકોટના સેન્ટર ડિરેકટર નૌશિકભાઇ પટેલે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ માટે ૨૫૦ થી વધુ વિદ્યાર્થીઓ છેલ્લા દોઢ, બે મહિનાથી તૈયારીમાં લાગી ગયા હતા. ખાદીના કપડાં ડિઝાઇન કરી તૈયાર કર્યા અને ખાદીમાંથી જ ઇન્ટીરિયર વસ્તુઓ બનાવી. જેમાં વિવિધ ખાદીના અંદાજે ૮૦૦ મીટર થી કાપડનો ઉપયોગ કરાયો છે. ફેશનના વિદ્યાર્થીઓએ પોલી ખાદી, ડેનીમ ખાદી, સિલ્ક ખાદી, લીનન ખાદી, જયુટ ખાદીનો ઉપયોગ કરી કચ્છના હેન્ડલુમ્સ, જામનગરી બાંધણી, રાજકોટના પટોળા ઉપરાંત ગાંધીજીના જીવન પ્રસંગો જેવાકે દાંડી કૂચ, સત્યાગ્રહ તેમજ તેમના આદર્શોમાંથી ખાદીના કપડાં જેવા કે જેકેટ, સ્કર્ટ, પેન્ટ, કૂર્તાની સાથે ખાદીના જ બ્રેસલેટ, ઇયરીંગ્સ, નેકલેસ વગેરે ડિઝાઇન તૈયાર કર્યા હતા. જે મોડલોએ રેમ્પ વોક કરી લોકો સમક્ષ રજુ કર્યા હતા. વધુમાં કમળ, ભારતીય બાંધકામ શૈલી, સીદી સૈયદની જાળી વગેરેને ધ્યાનમાં રાખી ડિઝાઇન તૈયાર કરી હતી. જયારે ઇન્ટીરિયરના વિદ્યાર્થીઓએં ખાદીની ઘડિયાળ, ખાદીના કાપડમાંથી ચિત્રો, ખાદીની દોરી માંથી જુલા, ખુરશી, સોફા-ટેબલ લેમ્પ, વોલ હેંગીંગ, ગાદીના તકિયા-કવર વગેરે ખાદીનો ઉપયોગ કરી બનાવ્યા હતા. વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. INIFD અને BNI ના સંયુકત ઉપક્રમે આયોજીત આ ખાદી ફેશન શો અને ખાદી ઇન્ટીરિયર ડિઝાઇન પ્રદર્શનમાં BNI ના ૨૫૦ થી વધુ લઘુ તેમજ મધ્યમ ઉદ્યોગ સાહસિકોએ આત્મનિર્ભર બનવાના સંદેશ સાથે જોડાયા હતા.

(4:10 pm IST)