Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

સિવિલ અને સમરસની સારવાર સામે ખાનગી હોસ્પિટલ ઝાંખી લાગેઃ જીતેન્દ્રભાઇ લાવડીયા

રાજય સરકાર દ્વારા નાગરિકોને કોરોનાની મહામારીમાંથી ઉગારવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. સિવિલ હોસ્પિટલ અને કોવિડ કેર સેન્ટર ખાતે કાર્યરત આરોગ્યકર્મીઓ કોરોનાગ્રસ્ત દર્દીઓને ઝડપથી સાજા કરવા માટે દિવસ-રાત કાર્યરત છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં સારવાર મેળવ્યાં બાદ કોરોનાને હરાવી ઘરે પરત ફરનારા જીતેન્દ્રભાઈ લાવડીયા હોસ્પિટલના સ્ટાફ તેમજ રાજય સરકારનો આભાર માનતા જણાવે છે કે, ' મને સરકારી હોસ્પિટલમાં જે પ્રકારની સંતોષકારક સારવાર મળી છે, ત્યારબાદ મને પ્રાઈવેટ હોસ્પિટલની મોંઘીદાટ સુવિધાઓ પણ ફિક્કી લાગવા લાગી છે. રાજય સરકાર દ્વારા કોરોનાના સંકટમાં લોકો માટે જેટલી કામગીરી કરવામાં આવી છે એ પ્રસંશનીય છે.'

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 'હું ગોંડલ રહું છું, થોડાં દિવસો પૂર્વે મને શ્વાસ અને ઉધરસની સમસ્યા જણાતાં અહીંયા જ એક દવાખાનામાં મેં સિટીસ્કેન કરાવ્યું જેમાં છાતીમાં કફ જામી ગયાનું જાણવાં મળ્યું એટલે હું રાજકોટ સિવિલ ખાતે આવ્યો. અહીં સૌપ્રથમ મારો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો જે પોઝિટિવ આવતાં ૩ દિવસ સુધી સિવિલ હોસ્પિટલમાં દવા - ઇન્જેકશન દ્વારા સારવાર મેળવ્યાં બાદ તબિયત સ્વસ્થ જણાતાં મને સમરસ કોવિડ કેર સેન્ટર ખાતે દાખલ કર્યો. સમરસ ખાતે પણ નિયમિત દવા-ઉકાળા-કસરતની સાથે યોગ્ય સારવાર બાદ હવે હું એકદમ સ્વસ્થ છું અને ઘરે પરત ફરી ચુકયો છું.'સિવિલ હોસ્પિટલમાં શ્રેષ્ઠ સારવાર બાદ સ્વસ્થ બનેલા જીતેન્દ્રભાઈ જેવાં અનેક લોકો સરકાર તેમજ આરોગ્યકર્મી પ્રત્યે આભારની લાગણી પ્રકટ કરી પોતાનો અહોભાવ દર્શાવી રહ્યાં છે.

(12:58 pm IST)