Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

જુનાગઢના ચોકી પાસે કાર ડિવાઇડર પર ચડી જતાં રાજકોટના કવિ-લેખક 'રાજ' અબ્દુલરઝઝાકભાઇ ખત્રીનું મોતઃ ત્રણને ઇજા

કોઠારીયા રોડ ગોકુલનગરના પરિવારજનો અર્ટીગા કારમાં વેરાવળથી રાજકોટ આવી રહ્યા હતાં ત્યારે બનાવ

રાજકોટ તા. ૩: જુનાગઢના ચોકી નજીક અર્ટીગા કાર રોડ ડિવાઇડર પર ચડી જતાં અકસ્માત સર્જાતા અંદર બેઠેલા રાજકોટના ખત્રી પરિવારના મોભી અને ઉપનામ 'સજ'થી કવિતાઓ તથા લેખો લખતાં ખત્રી સમાજના સંનિષ્ઠ સેવક સહિત ચારને ઇજાઓ થઇ હતી. જેમાં કવિ-લેખકનું સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

જાણવા મળ્યા મુજબ ચોકી નજીક ગઇકાલે અર્ટીગા કાર ડિવાઇડર પર ચડી જતાં અંદર બેઠેલા રાજકોટ કોઠારીયા રોડ ગોકુલનગર-૩માં રહેતાં અબ્દુલરઝઝાકભાઇ મોહમ્મદ હુશેનભાઇ ઘુમરા (ખત્રી) (ઉ.વ.૬૫), તેમના પુત્ર અનીશભાઇ અબ્દુલરજાકભાઇ ઘુમરા (ઉ.વ.૩૭), અનીશભાઇના પત્નિ તથા નાના બાળક સહિત ચારને ઇજાઓ થઇ હતી. અબ્દુલરજાકભાઇને ગંભીર ઇજા પહોંચી હોઇ જેતપુર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જુનાગઢ પોલીસને જાણ કરી હતી.

મૃત્યુ પામનાર અબ્દુલરજાકભાઇ નિવૃત જીવન ગાળતાં હતાં. સંતાનમાં એક પુત્રી અને ત્રણ પુત્રો સમીરભાઇ, ઇમરાનભાઇ અને અનિષભાઇ છે. વેરાવળ સગાને ત્યાં કામ સબબ પરિવારજનો ગયા હતાં. ત્યાંથી પરત આવતી વખતે રસ્તામાં બપોરના ત્રણ વાગ્યા આસપાસ આ બનાવ બન્યો હતો. નોંધનીય છે કે અબ્દુલરજાકભાઇ ઘુમરા ખત્રી સમાજના એક સંનિષ્ઠ સમાજ સેવક હતાં. એટલુ જ નહિ દરેક સમાજ સાથે પોતાના ખુશમિજાજ સ્વભાવને કારણે સારો નાતો ધરાવતાં હતાં. કયારેય પણ પોતાની કોઇ ફરિયાદ કરતાંનહિ. સોૈના કામ હોય કે સમાજના કોઇપણ પ્રસંગોપાત કામ હોય તેઓ હમેંશા ભાગ લેતાં રહ્યા હતાં.

ખત્રી સમાજના તેઓ એક અદના ઇન્સાન હતાં અને આજીવન સેવક તરીકે તેઓની રાજકોટ હાલાઇ મુસ્લિમ ખત્રી સમાજ પ્રત્યેની લાગણી અને કામગીરી અવિસ્મરણીય બની રહેશે. પોતે 'રાજ' ઉપનામથી લેખ અને કાવ્ય પણ લખતા હતાં. ગત રાત્રીના ૨:૩૦ કલાકે તેમની દફનવિધી થઇ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં.

(11:49 am IST)