Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

રાજકોટમાં RK ગ્રુપના સીલ કરાયેલા 25 બેંક લોકર ખોલવાનું શરૂ : સહકારી બેંક લોકરમાંથી 3 કરોડ મળ્યાં : આખું લોકર રોકડથી જ ભર્યું

રોકડ નાણાં બિનહિસાબી છે કે કેમ તેની ચકાસણી માટે આવકવેરા વિભાગે તે જપ્ત કર્યા: અન્ય લોકરોની તપાસમાં વધુ રકમ નીકળે તેવી આશંકા

રાજકોટ :  શહેરનાં મોટા ગજાના રિયલ એસ્ટેટ ગ્રુપ RK બિલ્ડર ગ્રુપ પર આવકવેરા વિભાગનાં મેગા દરોડા ઓપરેશન કરવામાં આવ્યું હતું. દરોડા દરમિયાન RK ગ્રુપના 25 બેંક લોકર સીલ કર્યા હતા. આજે 150 ફૂટ રિંગ રોડ પર સહકારી બેંકની બ્રાંન્ચનું એક જ લોકર ખોલતા 3 કરોડ રૂપિયા મળી આવ્યા છે. આખુ લોકર રોકડ રૂપિયાથી ભર્યું હતું

સુત્રોએ જણાવ્યું હતું કે, શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલી જાણિતી સહકારી બેંકમાં RK ગ્રુપના સોનવાણી પરિવારનું એક બેંક લોકર સીલ કરવામાં આવ્યુ હતું. આવકવેરા ખાતાએ તપાસના ભાગરૂપે તે ખોલતા અંદાજીત ત્રણેક કરોડની રોકડ મળી આવી હતી. જોકે રોકડ સિવાય અન્ય કંઈ મળ્યુ ન હતું. લોકર રોકડ નાણાંથી જ છલોછલ હોવાનું જાણવા મળ્યું છે. આ રોકડ નાણાં બિનહિસાબી છે કે કેમ તેની ચકાસણી માટે આવકવેરા વિભાગે તે જપ્ત કર્યા છે.

40 સ્થળોએ હાથ ધરાયેલા દરોડા ઓપરેશન દરમિયાન ઈન્કમ ટેક્સે 6.40 કરોડની રકમ જપ્ત કરી જ હતી. તેમાં વધુ 3 કરોડનો ઉમેરો થયો છે. આવકવેરા દ્વારા 25 જેટલા બેંક લોકરો સીલ કરવામાં આવ્યા હતા અને તેમાંથી રોકડ, ઝવેરાત તથા બિન હિસાબી વ્યવહારો દર્શાવતા દસ્તાવેજો મળી આવવાની આવકવેરા વિભાગને આશંકા હતી. ત્યાં એક જ લોકરમાંથી ત્રણેક કરોડની રોકડ મળતા ઈન્કમ ટેક્સ અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. આવકવેરા વિભાગનાં સુત્રોએ અગાઉ જ એવો નિર્દેશ આપ્યો હતો કે, દરોડા ઓપરેશન દરમિયાન સીલ કરવામાં આવેલા 25 બેંક લોકરો વારાફરતી ખોલવામાં આવશે અને તેમાં શંકાસ્પદ દસ્તાવેજોમાંથી માંડીને બિન હિસાબી નાણાં કે ઝવેરાત હોય શકે છે.

 ચાર દિવસ કરતા વધુ સમય સુધી ચાલેલી દરોડાની કાર્યવાહી દરમિયાન કુલ 6.40 કરોડની રોકડ, 1.80 કરોડના દાગીના ઉપરાંત થોકબંધ દસ્તાવેજો કબ્જે કરવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં 300 કરોડથી વધુની કરચોરીની આશંકા જાહેર કરવામાં આવી હતી. 350 કરોડના રોકડ વ્યવહારોનો ખુલાસો કરવામાં આવ્યો હતો. એક કિસ્સામાં તો 154 કરોડની જમીન ખરીદીમાં 144 કરોડના રોકડ વ્યવહારો થયા હતા. તેનાથી અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા અને તેમાં ઝીણવટભરી ઊંડી તપાસ થવાના નિર્દેશ છે. ઈન્કમ ટેક્સ દ્વારા સમગ્ર દરોડા ઓપરેશન વખતથી જ તપાસમાં અત્યંત ચુપકીદી રાખવામાં આવી રહી છે

(11:24 pm IST)