Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

રાજકોટના રાજવી શ્રી પ્રદ્યુમનસિંહજીને ૬૮પ એકર તેમના પૂર્વજો તરફથી મળી'તી

શ્રી પ્રદ્યુમનસિંહજીએ આ જમીન ખરીદી નથીઃ તેમણે શ્રી મનોહરસિંહજી જાડેજાની તરફેણમાં વીલ કરી આપ્યું હતું... : આ વીલનું પ્રોબેટ અથવા લેટર્સ ઓફ એડમીનીસ્ટ્રેશન શ્રી મનોહરસિંહજી જાડેજાએ કોર્ટમાં નહિં મેળવ્યાનો પણ ઘટસ્ફોટ...

રાજકોટ તા. ૩: આજે પત્રકાર પરીષદ સમયે રાજકોટના રાજવી શ્રી મનોહરસિંહજી જાડેજાના પૌત્ર શ્રી રણસૂરવિરસિંહ જાડેજા મહત્વની પ્રેસનોટ પણ ડીકલેર કરી હતી. તેમણે જણાવેલ કે, સ્વ. મહારાજા ઓફ રાજકોટ સ્ટેટ શ્રી પ્રધ્યુમનસિંહજી લાખાજીરાજ જાડેજાએ તેમના પૂર્વજો મહારાજાઓ પાસેથી એકરઃ- ૬૮પ-૧પ ગુંઠા ખેડવાણ અને વીડીની જમીન મળેલી. સ્વ. મહારાજા શ્રી પ્રદ્યુમનસિંહજી લાખાજીરાજ જાડેજા એ પોતાની અંગત કમાણીમાંથી આ એકરઃ ૬૮પ-૧પ ગુંઠા ખેડવાણ અને વીડી ની જમીન ખરીદેલી ન હતી. આ એકરઃ ૬૮પ-૧પ ગુંઠા ખેડવાણ અને વીડીની જમીનો વડીલોપાર્જીત અને સંયુકત કુટુંબની આવકમાંથી ખરીદાયેલી હતી, એટલે કે, એનસેસ્ટલ અને કો-પાર્સનરી મિલ્કતો હતી અને છે અને આ મિલ્કતોમાં સ્વ. નામદાર મહારાજા શ્રી પ્રદ્યુમનસિંહજી લાખાજીરાજ જાડેજા સાહેબના વારસદારોનો વણવહેચાયેલો હિસ્સો છે. આ મિલ્કતોનું મીટસ એન્ડ બાઉન્ડસનાં આધારે કાયદેસરના વારસદારોમાં પાર્ટીશન થયેલું નથી.

ઇન્ડીયન સકસેશન એકટની કલમઃ- પ૯ હેઠળ નામદાર સ્વ. મહારાજા ઓફ રાજકોટ સ્ટેટ શ્રી પ્રદ્યુમનસિંહજી લાખાજીરાજ જાડેજા સાહેબની આ મિલ્કતો સ્વ. કમાણીમાંથી ખરીદાયેલી ન હતી. પરંતુ નામદાર મહારાજા સાહેબે તેમના પૂર્વજો મહારાજા સાહેબો પાસેથી આ મિલ્કતો મેળવેલી હતી અને છે અને તેથી કલમઃ- પ૯ હેઠળ આ મિલ્કતો સ્વ. પાર્જીત મિલ્કતો ન હોવાથી તેનું વીલ થઇ શકે જ નહીં અને જો એનસેસ્ટ્રલ અને કો-પાર્સનરી પ્રોપર્ટીનું વીલ કરવામાં આવેલું હોય તો પણ તે ગેરકાયદેસરનું છે.

વિશેષમાં ધી ઇન્ડીયન એવીડન્સ એકટની કલમઃ- ર૧ર અને કલમઃ- ર૧૩ હેઠળ જો વીલનું પ્રોબેટ અગર લેટર્સ ઓફ એડમીનીસ્ટ્રેશન મેળવવામાં આવેલું ન હોય તો આ વીલની કિંમત કાયદેસર ઝીરો થઇ જાય છે અને વીલના આધારે બીકવેસ્ટ મિલ્કતોમાં જેની તરફેણમાં વીલ કરવામાં આવેલું હોય તેને કોઇ લાભ, અધિકારો મળતાં નથી. સ્વ. મહારાજા ઓફ રાજકોટ સ્ટેટ શ્રી મનોહરસિંહજી પ્રદ્યુમનસિંહજી જાડેજાની તરફેણમાં સ્વ. મહારાજા પ્રદ્યુમનસિંહજી જાડેજા એ વીલ કરી આપેલ છે અને સબંધીત મિલ્કતો જે વીલમાં જણાવેલી છે તે સ્વ. મહારાજા મનોહરસિંહજી જાડેજા સાહેબ ને વીલથી આપવામાં આવેલી છે. પરંતુ સ્વ. મહારાજા ઓફ રાજકોટ સ્ટેટ શ્રી મનોહરસિંહજી જાડેજા એ આ વીલનું પ્રોબેટ અથવા લેટર્સ ઓફ એડમીનીસ્ટ્રેશન નામદાર કોર્ટમાંથી મેળવેલું નથી અને તેથી સ્વ. મહારાજા નામદાર મનોહરસિંહજી જાડેજા સાહેબનો કોઇ હક્ક કે અધિકાર આ કો-પાર્સનરી અને એનસેસ્ટલ પ્રોપર્ટી ઉપર સ્થાપીત થતો નથી.

નામદાર સ્વ. મહારાજા ઓફ રાજકોટ સ્ટેટ શ્રી મનોહરસિંહજી પ્રદ્યુમનસિંહજી જાડેજા એ વીલથી એનસેસ્ટલ અને કો-પાર્સનરી મિલ્કતો હાલના બિરાજમાન મહારાજ શ્રી માંધાતાસિંહજી મનોહરસિંહજી જાડેજા વીલ થી બીકવેસ્ટ કરેલી છે. પરંતુ શ્રી માંધાતાસિંહજી એ પણ સિવીલ કોર્ટમાંથી વીલનું પ્રોબેટ અગર લેટર્સ ઓફ એડમીનીસ્ટ્રેશન મેળવેલું નથી. જેથી શ્રી માંધાતાસિંહજીનો પણ કોઇ અબાધિત લાગભાગ, કે ઇનરેસ્ટ એનેસ્સટલ અને કો-પાર્સનરી મિલ્કતોમાંથી પ્રસ્થાપિત થતો નથી.

જો એમ કહેવામાં આવતું હોય કે, નામદાર અનિરૂધ્ધસિંહજી પ્રહલાદસિંહજી જાડેજા સાહેબ કે જેમનો આ એનસેસ્ટલ અને કો-પાર્સનરી મિલ્કતોમાં અવિભાજીત હકક, અને હિસ્સો હતો અને છે તેઓએ નોટરી પાસે સોગંદનામું કરી અને તેમનો હકક, હીસ્સો જતો કરેલો છે તો તે વ્યકિતગત માન્યતા ગણાશે. પરંતુ તેવી વ્યકિતગત માન્યતા ભારતીય કાયદાનો હીસ્સો બનશે નહીં અને છે પણ નહીં. નોટરી એકટ હેઠળ એવી કોઇ જોગવાઇ કરવામાં આવી નથી કે, રૂપિયા ૧૦૦ ઉપરથી વધારે કિંમતની સ્થાવર મિલ્કતમાં કોઇપણ વ્યકિતનો હકક, હીસ્સો હોય તો તે વ્યકિત જો સોગંદનામું કરી નોટરી સમક્ષ નોટરાઇજ કરે તો તેનો હકક, હીત, હીસ્સો જતો રહે અગર તો ઉત્પન્ન થાય.

સ્વ. પ્રધ્યુમનસિંહજી જાડેજા કાયદેસરના વારસદાર અમારા પિતાશ્રી અનિરૂધ્ધસિંહજી પ્રહલાદસિંહજી જાડેજા હતા અને છે અને હાલના બિરાજમાન રાજવી રાજકોટ સ્ટેટ શ્રી માંધાતાસિંહજી મનોહરસિંહજી જાડેજા એ જ તેમના જવાબમાં કબુલ કરે છે કે, અનિરૂધ્ધસિંહજી પ્રહલાદસિંહજી જાડેજાનો આ એનસેસ્ટલ અને કો-પાર્સનરી મિલ્કતોમાં વણવહેચાયેલો, અવિભાજીત હકક, હીત, હીસ્સો હતો તો આ હકક, હીત, હિસ્સો નોટરી સમક્ષના કહેવાતા સોગંદનામાથી ભારતના પ્રવર્તમાન કાયદા પ્રમાણે જતો રહેતો નથી અને તેથી એકરઃ ૬૮પ-૧પ ગુંઠા જમીનમાં અનિરૂધ્ધસિંહજી પ્રહલાદસિંહજી જાડેજાના પુત્ર તરીકે અમારો વણવહેચાયેલો હકક, હીત, હીસ્સો છે અને હતો અને રહેશે અને આ હકીકત તો નામદાર મહારાજા માંધાતાસિંહજી જાડેજા એ અમોએ આપેલી નોટીસના જવાબમાં જણાવેલું છે જ અને આ હકક, હીસ્સો મેળવવા માટે અમે સિવીલ કોર્ટમાં સિવીલ દાવો દાખલ કરેલો છે. અમારા વતી એડવોકેટસ સર્વશ્રી પરેશ ઠાકર, દિપક પટેલ, પિયુષ ઠાકર, રવિરાજ ગોહિલ, મોહિત ઠાકર, કશ્યપ ઠાકુર રોકાયેલ છે.

(4:02 pm IST)