Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

૨૦૧૬ થી ર૦ર૧ સુધીના ડે.કલેકટરોએ કહેવાતો ભ્રષ્ટાચાર આચરી સંપત્તિથી વંચીત રાખ્યાની કલેકટરને લેખીત ફરીયાદ

રાજવી પરીવાર મીલ્કત વિવાદઃ ૧ર૦ એકર જમીન માટે રાજકોટ મહેસુલના ચોક્કસ : અધિકારીએ ૧૦ કરોડની માંગણી કરેલઃ પત્રકાર પરીષદમાં સણસણતો આક્ષેપ : રણસુરવીરસિંહની પત્રકાર પરીષદઃ કુલ ર૦ હજાર કરોડની સંપત્તિ-મીલ્કત છેઃ ૮ વારસદારો છે : મારી લડાઇ શ્રી માંધાતાસિંહજી સામે નથી : પરંતુ વારસાઇ પ્રોપર્ટીમાં મારા અને મારા પરિવારનું હિત સમાયેલ છે તે માટેની લડત છે...

રણસુરવીરસિંહ જાડેજા મીલ્કત મળવાપાત્ર જમીન યુનીટ અંગે પત્રકાર પરીષદ સંબોધી તે નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા) 

રાજકોટ, તા., ૩: રાજકોટના રાજવી સ્વ. શ્રી મનોહરસિંહજી જાડેજા, તેમના પુત્ર અને ઠાકોર સાહેબ શ્રી માધાંતાસિંહજી જાડેજા, બેન અંબાલીકાદેવી અને રાજવી પરીવારમાં હાલ ૧પ થી ર૦ હજાર કરોડની માલ મિલ્કત મુદે જબરો વિવાદ ચાલી રહયો છે. આ બાબતે કલેકટર તંત્ર પાસે તો સિવિલ કોર્ટમાં બે કેસ પણ ચાલી રહયા છે. ર૦૧૬ની સાલમાં રાજવી પરીવારને એએલસી એકટ હેઠળ પ યુનીટ ફાળવવાના તત્કાલીન મામલતદારના હુકમ અંગે તથા ત્યાર બાદ આ હુકમ સામે સરકાર એટલે કે કલેકટર તંત્ર અપીલમાં જતા સીટી પ્રાંત -૧ સમક્ષ કેસ ચાલી રહયા છે. તત્કાલીન મામલતદારના હુકમથી નારાજ થયેલા રાજવી પરીવારના પૌત્ર અને અનિરૂધ્ધસિંહ જાડેજાના પુત્ર રણસુરવીરસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજાએ પણ થોડા દિવસ પહેલા રાજકોટની સિવિલ કોર્ટમાં મીલ્કત-વારસદાર અંગે કેસ કર્યો છે. આજે તેમણે પત્રકાર પરીષદમાં અનેક આક્ષેપો કર્યા હતા.

પત્રકાર પરીષદમાં શ્રી રણસુરવીરસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે મે અને મારા પરીવારે વહીવટી તંત્રની ઘોર ઉપેક્ષાને કારણે જે માનસીક યાતનાઓ ભોગવી છે તેનું પ્રતીબીંબ છે. મારી આ લડાઇ રાજકોટ પેલેસ કે રાજકોટના હાલના રાજવી પરીવારના મોભી એવા માંધાતાસિંહજી કે સ્વર્ગસ્થ આદરણીય અને સૌના દાદા એવા મનોહરસિંહજી જાડેજા સામેની લડાઇ નથી પરંતુ મને અને મારા પરીવારને અને મારા સ્વર્ગસ્થ પિતાશ્રીને રાજવી પરીવાર હોવા છતા અને કાયદાકીય રીતે કાયદાનું રક્ષણ મળવું જોઇએ તે ન મળીને મને અને મારા પરીવારને વહીવટી તંત્રમાં બુઠેલા અમુક જવાબદારોએ સુપેરે નહિ નિભાવતા ભ્રષ્ટ અને ખરીદાઇ ગયેલા અમલદારો સામે છે.

તેમણે ઉમેર્યુ હતું કે એએલસી કાયદા તળે અમોને કાયદેસર રીતે અને સુપ્રિમ કોર્ટના ચુકાદાથી નિર્ણય થઇને અને ગુજરાત સરકારના મહેસુલ વિભાગના ઉતરોતર પત્ર દ્વારા નિર્ણય થયેલ ખેત જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ મને અને મારા પરીવારને એ. ૧ર૦-૦૦ ગું. જગ્યા મળવા પાત્ર હતી. જે તે સમયે ચોક્કસ અધિકારીએ ઓપન કોર્ટમાં મુદત પુર્ણ થયા પછી ૧૦ કરોડ જેવી મોટી રકમ માંગેલ હતી. જે રકમ તેઓને ન આપતા મારા પરીવાર વિરૂધ્ધ ચુકાદો આપેલ હતો. આ વાત પ્રેસ મીડીયાના માધ્યમથી ચમકવા માટે નથી જણાવી રહયો. પરંતુ આ ભ્રષ્ટ અધિકારીનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે તો સત્ય બહાર આવશે. સાથોસાથ હું પણ મારો નાર્કો ટેસ્ટ કરાવવા માટે તૈયાર છું. આ ચુકાદા સામે પ્રાંત અધિકારીશ્રીને અપીલ દાખલ કરવામાં આવેલ હતી. જે આજની તારીખે પેન્ડીંગ છે. ર૦૧૪ થી ર૦ર૧ સુધીના તમામ ડે. કલેકટરશ્રીઓ દ્વારા કહેવાતો ભ્રષ્ટાચાર કરીને મને મારી સંપતીથી વંચીત રાખવામાં આવેલ છે. આના અનુસંધાને મે તા.ર૭-પ-ર૦ર૧ના રોજ કલેકટરશ્રીને લેખીત રજુઆત કરેલ છે. સાથોસાથ આ તમામ ભ્રષ્ટ અધિકારીશ્રીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી અને ચોટીલા અને સુરેન્દ્રનગરના અધિકારીઓને જેલના સળીયા પાછળ ધકેલી દીધા છે તે પ્રકારની કડક કાર્યવાહી કરવા તેમજ સમગ્ર રાજ પરીવારને સ્થાવર અને જંગમ મિલ્કતના અનુસંધાને સીટની રચના કરવા રાજકોટના ધારાસભ્ય અને ગુજરાતના પ્રજાવત્સલ મુખ્યમંત્રીને પત્ર દ્વારા જણાવેલ છે. સાથોસાથ આ તમામ ભ્રષ્ટ અધિકારી સામે કામ ચલાવવા એસીબીને તપાસ સોંપવી જોઇએ તેવી મારી મહેસુલ સચિવ અને કલેકટરશ્રી રાજકોટને આગ્રહભરી વિનંતી છે.

વધુમાં અમો ગીરાસદાર કુટુંબએ સરદાર વલ્લભભાઇ પટેલની દેશભકિતવાળી અપીલને માન આપી સર્વસ્વનો ત્યાગ કરી અમારી તમામ માલ-મિલ્કતો ભારતમાંના ચરણે ધરી દીધેલ છે. પરંતુ કાયદાની જોગવાઇ મુજબ અમોને મળવાપાત્ર જમીનનો ઉપયોગ, ભોગવટો અને માલીકી હક્ક મેળવવા દરબદર ભટકવું પડે છે અને ભ્રષ્ટ્ર અધિકારીઓ આનો લાભ લઇ પોતાના ઘર ભરી રહયા છે. આગામી દિવસોમાં આ અધિકારીઓ સામે કાયદાકીય માર્ગદર્શન મેળવી ર્વિસ્તૃત આધાર પુરાવાઓ સાથે કેસ દાખલ કરવામાં આવશે.

ફરી વખત  આપ સૌના માધ્યમથી મારી આ લડાઇ માંધાતાસિંંહ કે તેમના પરીવાર સામે નથી. મારા અને મારા પરીવારને કાયદાકીય રીતે  જ મળવાપાત્ર છે અને જે મારી વારસાઇ પ્રોપર્ટી છે. જૈમા મારા અને મારા પરીવારનું હિત સમાયેલું છે. જે મુજબ કાયદેસરનું બંધારણીય અધિકારી છે તે માટેની મારી આ લડત છે.

મૂળ ગીરાસદાર કુટુંબના રાજવી પરીવારના અમે વંશજો છીએ. અમારી તમામ પ્રોપર્ટીઓમાં જાણે અજાણે કાયદાકીય છટકબારીનો લાભ લઇ કાયદેસરના મારા અધિકારો ઉપર જયાં જયાં  તરાપ લાગેલી છે ત્યાં હું લડાઇ કરીશ.

તેમણે ઉમેર્યુ હતું કે અમોને અમારા પરીવારને અમારી વડીલોપાર્જીત જમીનમાં તેમજ જર ઝવેરાત, દાગીના, એન્ટીક વસ્તુઓ, મુલ્યવાન ભેટ સોગાદો સહીતની વસ્તુઓમાં પણ મને અને મારા પરીવારને વ્યાપક અન્યાય થયેલો છે. મારા કુટુંબના વડા તરીકે મારા પરીવારને ન્યાય અપાવવા મારા પરીવારને વ્યાપક અન્યાય થયેલો છે. મારા કુટુંબના વડા તરીકે મારા પરીવારને ન્યાય અપાવવા મારી પ્રાથમીક ફરજ છે. જે હું બખુબી નિભાવી રહયો છું.

અંદાજે ર૦ (વીસ) હજાર કરોડની કુલ સંપતી ગણી શકાય અને મારા આદર્શ અને સમગ્ર રાજકોટ અને સૌરાષ્ટ્રના મોભી તેમજ ક્ષાત્ર સંસ્કાર માટે જાણીતા માનનીય સ્વ.મનોહરસિંહ જાડેજાએ પણ એએલસીના કેસ માં કુલ ૮ (આઠ) વારસદારો છે. તેવું તેમના સ્વહસ્તક સહીથી કબુલ કરેલ છે. તે પૈકી એક વારસદારના સંતાન તરીકે હું પણ છું અને સમગ્ર રાજવી પરીવારની મીલ્કતમાં મારો અને મારા પરીવારનો હક્ક, હિત, હિસ્સો સમાયેલ છે. જે પરત મેળવવા રાજકોટની અદાલતમાં દિવાની દાવા નં. પ૩/૨૦૨૦-ર૧ થી મારા એડવોકેટશ્રી પરેશ ઠાકર, શ્રી દિપક પટેલ, શ્રી પિયુષ ઠાકર અને શ્રી રવિરાજ કે.ગોહીલ, તેમજ શ્રી મોહીત ઠાકર, શ્રી કશ્યપ ઠાકર દ્વારા કાયદાકીય માર્ગદર્શન મેળવી દાવો દાખલ કરેલ છે.

રાજકોટની પ્રજાએ હંમેશા અમને અને અમારા પરીવારને ખુબ જ માન સન્માન આપેલ છે. તેના અમો સૌ કાયમી ઋણી રહેશું. સાથોસાથ આગામી દિવસોમાં રાજવી પરીવારની જે મિલ્કતો છે જે જેમણે ખરીદ કરેલ છે તેવા શુધ્ધબુધ્ધિના ખરીદનારાઓની હું માફી માંગુ છું. કારણ કે આવનારા દિવસોમાં તમામ પ્રોપર્ટીઓની વેચાણ વ્યવહારોની નોંધો રદબાતલ કરાવવા તેમજ વેચાણ દસ્તાવેજો રદબાતલ કરાવવા જુદી જુદી ઓથોરીટીઓ સામે દાવાઓ, અપીલો, અરજ અહેવાલો દાખલ કરાવવામાં આવનાર છે. તેના આધારે હાલના ખરીદનારાઓને કાયદાકીય રીતે કદાચ મુશ્કેલી ઉભી થાય તો દરગુજર કરવા નમ્ર વિનંતી છે. કારણ કે સમગ્ર રાજવી પરીવારની તમામ મિલ્કતમાં મારો અને મારા પરીવારનો હક્ક, હિત, હિસ્સો સામેલ છે અને તે માટે કોર્ટ સમક્ષ દાદ માંગેલ છે. જે કોર્ટ કાયદાકીય અભ્યાસ કરી યોગ્ય લાગે તે હુકમ ફરમાવી શકે છે. પત્રકાર પરીષદમાં તેમની સાથે શ્રી મહિપતસિંહજી જાડેજા પણ સાથે રહયા હતા.

(4:01 pm IST)