Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

રાજવી પરિવારના રાજકોટ પેલેસમાં રહેલ કરોડોની કિંમતના ઝવેરાત, દાગીના, એન્ટીક પીસો સરકારી ચોપડે લઈ લ્યોઃ મુખ્યમંત્રીને પત્ર

૬૮૫ એકર જમીન અંગે ૫ - ૫ વર્ષથી કેસ ચાલે છે, પણ ન્યાય મળતો નથી... : રાજકોટ કલેકટરને પણ પત્ર લખેલ છેઃ તે વખતના જવાબદાર મહેસુલ અધિકારીઓ સમક્ષ કડક પગલા ભરો...

રાજકોટ, તા. ૩ :. રાજકોટના રાજવી સ્વ. મનોહરસિંહજી જાડેજાના પૌત્ર શ્રી રણસૂરવીરસિંહ જાડેજાએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી રાજકોટના રાજવી પરિવારની વડીલોપાર્જીત સ્થાવર અને જંગમ મિલ્કતો અંગે થયેલ વ્યાપક અન્યાય અંગે જવાબદાર અધિકારી સામે ફોજદારી રાહે પગલા લેવા માંગણી કરી હતી.

પત્રમાં જણાવેલ કે, અમારી વડીલોપાર્જીત પ્રોપર્ટીના અનુસંધાને રાજ.સીટી/પુર્વ/એએલસી/કેસ નં. ૧/૨૦૧૫ના રોજ રાજકોટના ચોક્કસ મામલતદાર શ્રી દ્વારા સમગ્ર કાયદાનો દુરૂપયોગ કરીને મૂળ એ.એલ.સી. કાયદાની જોગવાઈનો સરેઆમ ભંગ કરી, કાયદાના સિદ્ધાંતોને નજરઅંદાજ કરીને માત્ર ને માત્ર સામાવાળા એટલે કે મનોહરસિંહજી જાડેજા અને તેમના કુટુંબને ફાયદો થાય તે પ્રકારનો હુકમ ફરમાવવામાં આવેલ છે. આ હુકમને અનુસંધાને અમોએ સનેઃ ૨૦૧૬થી નાયબ કલેકટર, પ્રાંત અધિકારી સમક્ષ વારંવાર રજૂઆતો કરેલ છે, પરંતુ કોઈ અગમ્ય કારણોસર અમારી અપીલ ચલાવવામાં આવતી નથી. આ અપીલના અનુસંધાને અમોએ ડેપ્યુટી કલેકટરશ્રી સમક્ષ તા. ૨૭-૫-૨૦૨૧ના રોજ એક અરજ અહેવાલ કરેલ છે, સાથોસાથ કલેકટર શ્રી રાજકોટને ઉદ્દેશીને પણ રજૂઆત કરેલ છે, પરંતુ વહીવટી તંત્ર અમારૂ સાંભળવા તૈયાર જ નથી અને અમોને આ અંગે આજ દિવસ સુધી બોલાવવામાં પણ આવેલ નથી, જે વહીવટી તંત્રના રેકર્ડ ઉપરથી જ ફલીત થાય છે.

ઉપરોકત અમારી રજૂઆતના કારણોમાં જમીન કુલ ક્ષે. એકરઃ ૬૮૫-૧૫ ગુંઠા આવેલ છે અને પાંચ-પાંચ વર્ષથી આ મેટર સબ-જયુડીશ હોય તો પણ બીનખેતી અને વેચાણ વ્યવહારો થઈ ગયેલ છે. આ સંદર્ભમાં આપ સમગ્ર જમીન અંગે ખાસ તપાસ અધિકારીશ્રીની નિમણૂંક કરાવી અમોને ન્યાય અપાવવા વિનંતી છે. સાથોસાથ સમગ્ર રાજવી પરિવારની મિલ્કતોમાં અનેક વિશ્વ વિખ્યાત એન્ટીક પીસો, જર-ઝવેરાત, દાગીના, મૂર્તિઓ, મૃત પ્રાણીઓના ચામડા, નખ વગેરે પણ હાલ રાજકોટ પેલેસમાં છે તે અનુસંધાને કડક પ્રમાણીક અધિકારીશ્રીની નિમણૂંક કરાવી તમામ વસ્તુઓ સરકારશ્રી ચોપડે લઈ અમોને ન્યાય અપાવવા વિનંતી છે. જો આ બાબતે સરકાર તરફથી કોઈ અધિકારીશ્રીની નિમણૂંક કરવામાં નહી આવે તો તે તમામ રફેદફે કરી નાખવામાં આવશે તેવી પુરતી શકયતા છે.

(4:00 pm IST)