Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

ગણપતિ ઉત્સવમાં ભીડ એકઠી ન થાય તે માટે પોલીસ ખાસ વ્યવસ્થા કરશેઃ વિસર્જન માટે કૃત્રિમ કુંડ મુકાશે

જે વાહનમાં વિસર્જન માટે નીકળવાનું હશે તે વાહનના નંબર અગાઉથી નોંધાવવાના રહેશેઃ જાહેરનામાનો કડક અમલ થાય તે જોવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલનો અનુરોધ

રાજકોટ તા. ૩: કોરોનાની ત્રીજી લહેર ન આવે તે માટે રાજ્ય સરકારના આદેશ અનુસાર સમગ્ર તંત્રવાહકો સાબદા છે અને નક્કી કરેલા નિયમોનું પાલન કરાવી રહ્યા છે. પોલીસ તંત્ર પણ છેલ્લા પોણા બે વર્ષથી સતત સરકારની માર્ગદર્શિકા મુજબ જાહેરનામાઓ અને લોકડાઉન તથા કર્ફયુનું પાલન કરાવી રહ્યું છે. શહેર પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ સરકારના આદેશ અનુસાર જાહેરનામાઓમાં સુધારા કરી ફરીથી અમલમાં મુકે છે. આગામી દિવસોમાં શ્રી ગણેશ મહોત્સવ શરૂ થનાર છે ત્યારે શહેર પોલીસ આ ઉત્સવમાં પણ લોકો નિયમોનું કડક પાલન કરે તે માટે કટીબધ્ધ છે. આ વખતે ગણપતિજીની મુર્તિના વિર્સજન માટે અલગ અલગ વિસ્તારોમાં કૃત્રિમ કુંડ ઉભા કરવાની વ્યવસ્થા પોલીસ મંડળો સાથે મળીને કરવાની છે. જેથી લોકો દૂર સુધી ન જાય અને ભીડથી બચી આવા કુંડમાં જ વિસર્જન કરી શકે.

ગણપતિ ઉત્સવ માટે અગાઉ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે તે મુજબ સાર્વજનિક ગણેશ મહોત્સવમાં પૂજા, આરતી, પ્રસાદ વિતરણ કરી શકાશે. અન્ય કોઇ ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી શકાશે નહિ.

ગણેશ સ્થાપન અને વિસર્જન માટે વધુમાં વધુ ૧૫ લોકો એક જ વાહનમાં સ્થાપન અને વિસર્જન માટે જઇ શકશે. ઘરે સ્થાપન કરાયું હોય તો ગણેશજીનું વિસર્જન ઘરે જ કરવું વધારે હિતાવહ ગણાશે. સ્થાનિક સત્તામંડળ દ્વારા બનાવાયેલા નજીકના કૃત્રિમ વિસર્જન કુંડમાં મુર્તિઓનું વિસર્જન કરવાનું રહેશે. કૃત્રિમ કુંડ ખાતે પણ વિસર્જન વખતે ભીડ એકઠી કરવી નહિ.  ગણેશ મહોત્સવ દરમિયાન એટલે કે તા. ૯ થી ૧૯ સપ્ટેમ્બર સુધી રાત્રી કર્ફયુ રાતે ૧૨:૦૦ વાગ્યાથી લાગુ પડશે. જો કે ગણેશ પંડાલ-મંડપમાં દર્શનનો સમય રાતે ૧૧:૦૦ સુધીનો જ રહેશે.

વિસર્જન માટેના કૃત્રિમ કુંડ કયા કયા સ્થળોએ કેટલી સંખ્યામાં મુકવા તેની તૈયારી થઇ રહી છે અને જે વાહનમાં વિસર્જન કરવા માટે જવાનું હોય એ વાહનના નંબર અગાઉથી જ રજીસ્ટ્રેશન કરાવી લેવામાં આવે તેવી સુચનાઓ પણ આપવામાં આવશે. તેમ જાણવા મળ્યું છે.

ગણપતિ મહોત્સવની ઉજવણીમાં સરકારની માર્ગદર્શિકા અને પોલીસના જાહેરનામાનો કડક અમલ કરવાનો રહેશે. જેનો ભંગ કર્યે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમ પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે જણાવ્યું છે.

(3:36 pm IST)