Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

સૌની યોજના થકી આજીમાં નર્મદા નીર ઠાલવવાનું શરૂ

૩૩૫ એમ.સી.એફ.ટી. જળજથ્થો ઠલવાશેઃ મુખ્યમંત્રીનો આભાર માનતા પદાધિકારીઓ

રાજકોટ તા. ૩ : મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, વોટર વર્કસ કમિટી ચેરમેન દેવાંગભાઈ માંકડ એક યાદીમાં જણાવે છે કે, રાજકોટ શહેરને દૈનિક ૨૦ મિનિટ પાણી વિતરણ માટે સ્થાનિક જળાશયોમાં પાણીનો જથ્થો ઘટેલ છે ત્યારે મુખ્યમંત્રીશ્રી દ્વારા નર્મદાનું પાણી આપવામાં આવેલ છે.

ગત માસ માર્ચ ૨૦૨૧માં આજીડેમમાં ૬૪૮ MCFT જથ્થો નર્મદાનું પાણી આપવામાં આવેલ. ત્યારબાદ ચાલુ વર્ષે સંતોષકારક વરસાદ નહિ આવતા આજી-ન્યારી બંને ડેમોમાં નર્મદાનું પાણી ઠાલવવા મેયર ડો.પ્રદિપ ડવે પત્ર પાઠવી રજુઆત કરેલ. જેના અનુસંધાને સરકારશ્રી દ્વારા જુલાઈ માસમાં આજી-૧ ડેમમાં ૧૪૮ MCFT અને ન્યારી ડેમમાં ૯૨ MCFT પાણી આપવામાં આવેલ.

હવે જુલાઈ અને ઓગસ્ટમાં પણ વરસાદ ખેચાતા આજી જળાશયનું પાણીનું લેવલ ઘટતા ફરીને આજી-૧ ડેમમાં નર્મદાનું પાણી આપવા માટે મ્યુનિસીપલ કમિશનર દ્વારા પત્ર પાઠવેલ અને મેયર દ્વારા મુખ્યમંત્રીશ્રીને ટેલીફોનીક ડેમની સ્થિતિની માહિતી આપેલ અને વરસાદ ખેચાયેલો હોય આજી ડેમમાં પાણીની જરૂરિયાત છે, પાણી વહેલાસર આપવા વિનંતી કરાયેલ. જેના અનુસંધાને નર્મદાનું પાણી આપવાનું મંજુર કરી ૧લી સપ્ટેમ્બરના રોજ નર્મદાનું પાણી આજીડેમમાં ઠાલવવા છોડવામાં આવેલ અને ગઈકાલના રોજ નર્મદા મૈયાનું આજીડેમમાં અવતરણ થયેલ છે તે બદલ પદાધિકારીઓ દ્વારા મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીનો આભાર વ્યકત કરાયો છે. રાજકોટ શહેર માટે જયારે પાણીની જરૂરિયાત ઉભી થયેલ છે ત્યારે મુખ્યમંત્રીશ્રી દ્વારા વિના વિલંબે નર્મદાનું પાણી આપવાનો ત્વરિત નિર્ણય કરેલ છે. જે સૌ માટે ગૌરવની બાબત છે.

નોંધનિય છે કે, ગઈકાલ આજીડેમમાં નર્મદાનું પાણી આવ્યા પહેલા ડેમ લેવલ ૧૩.૫૨ ફુટ અને ૧૯૧.૬૧ MCFT હતું. ગઈકાલે ત્રંબા, કાળીપાટના ચેકડેમો ભરાયા બાદ ૬ MCFT પાણી મળેલ છે. સરકારશ્રી દ્વારા આજીડેમમાં ૩૩૫ MCFT પાણી આપવામાં આવનાર છે. આ પાણીના જથ્થાથી આગામી ઓકટોબર માસ સુધી દૈનિક ૨૦ મિનિટ પાણી વિતરણ માટે કોઈ મુશ્કેલી ઉભી થશે નહિ તેમ અંતમાં પદાધિકારીઓ દ્વારા જણાવવામાં આવેલ છે.

(3:19 pm IST)