Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

રાજકોટ એરપોર્ટ પર મનસ્વી પાર્કિંગ ચાર્જ સહિતના નિયમો પાછા ખેંચો : કોંગ્રેસ

એરપોર્ટ ડાયરેકટરને આવેદન પાઠવતા પ્રદિપ ત્રિવેદી, ભાનુબેન સોરાણી, મહેશ રાજપૂત

રાજકોટ તા. ૩ : એરપોર્ટ પર પીક અપ અને ડ્રોપીંગ માટે આવતા વાહનોનો પાર્કિંગ ચાર્જ મનસ્વી રીતે ઉઘરાવવાના આક્ષેપો સાથે શહેર કોંગ્રેસે આવા નિયમો પાછા ખેંચવા એરપોર્ટ ડાયરેકટરને આવેદનપત્ર પાઠવી અને રજૂઆત કરી હતી.

આ આવેદનપત્રમાં જણાવાયું છે કે, હાલ રાજકોટ એરપોર્ટ ઓથોરીટી દ્વારા પીકઅપ અને ડ્રોપ માટે મુસાફરોને તેમજ તેડવા મુકવા આવેલા સંબંધીઓને હાલ રાજકોટ એરપોર્ટ ઓથોરીટીના મનસ્વી રીતે બહાર પાડેલા નીતિનિયમો થી હેરાન-પરેશાન થવું પડી રહ્યું છે તેમજ કોઈપણ મુસાફરોને તેડવા-મુકવા આવેલા સંબંધીઓને ફકત ત્રણ મિનીટનો સમય આપવામાં આવે છે, નહિતર એરપોર્ટ ઓથોરીટી દ્વારા પાર્કિંગ ચાર્જીસ અમાનુષી રીતે વસુલ કરવામાં આવે છે જયારે કોઈ મુસાફરને તેડવા-મુકવા માટે કોઈ વાહન પ્રવેશે છે ત્યારે તેને ટ્રાફિક સમસ્યા, લગેજ ચડાવવા અને ઉતારવા માટે સામાન્ય પાંચ-સાત મિનીટ જેવો સમય લાગે છે ત્યારે અમારી આપશ્રી પાસે રજૂઆત છે કે આ મનસ્વીરીતે બહાર પાડેલો નીતિનિયમ પાછો ખેંચવામાં આવે અને જે એરપોર્ટ સરકારે ખાનગી કંપનીઓને વહેંચવામાં આવ્યા છે તે એરપોર્ટ પર પણ આવો કોઈ ચાર્જીસ વસુલ કરવામાં આવતો નથી.

જયારે કોઈપણ એરપોર્ટ પર વાહન પાર્કિંગ કરવામાં ન આવે ત્યાં સુધી વાહન પાર્કિંગ ચાર્જીસ વસુલી શકાય નહિ, તેમજ અલાયદું પીકઅપ અને ડ્રોપ સેન્ટર હોવું જોઈએ આ પ્રમાણે લોકો પાસેથી ખોટી રીતે નાણા વસુલ ન કરી શકાય, તેમજ પુરતી માહિતી આપે તેવો સ્ટાફ હોવો જોઈએ જે રાજકોટ એરપોર્ટ ઉપર આ પ્રમાણે કોઈજ સ્ટાફ ઉપલબ્ધ નથી અને આ ગેરકાયદેસર રીતે વસુલવામાં આવતો ચાર્જ વસુલવાનો બંધ કરવો, એરપોર્ટ ઓથોરીટી દ્વારા જે પ્રમાણે આવી લુંટ ચલાવવામાં આવે છે તે બંધ કરવામાં આવે તેવી પ્રજાહિતમાં અમારી માંગણી છે. જો અમારી આ માંગણી ઓ અંગે તાત્કાલિક નિર્ણય લેવામાં નહી આવે તો આગામી દિવસોમાં આંદોલન કરવામાં આવશે. તેવી ચિમકી આવેદનના અંતે ઉચ્ચારાઇ છે.

આ રજૂઆતમાં પ્રદીપભાઈ ત્રિવેદી, વિપક્ષી નેતા ભાનુબેન પી. સોરાણી તથા પૂર્વ પ્રમુખ મહેશભાઇ રાજપૂત, જશવંતસિંહ ભટ્ટી, એસ.સી. ડિપાર્ટમેન્ટ ચેરમેન નરેશ સાગઠિયા, ઓબીસી ચેરમેન હિમાલયરાજ રાજપૂત વગેરે જોડાયા હતા.

(3:16 pm IST)