Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

જાત સાથે વાત કરવી તે જિન બનવાનો માર્ગ છે : પૂ. નમ્રમૂનિ મ.સા.

રાષ્ટ્રસંતના સાનિધ્યે ગ્લોબલ પર્યુષણ મહાપર્વનો પ્રારંભ

રાજકોટ, તા. ૩ :   જગતના દરેક પર થી પરે થઈને જાત સાથે મિત્રતા કરતાં કરતાં જિન બની જવાનો કલ્યાણકારી બોધ પરમધામ સાધના સંકુલના અણુ અણુમાં ગુંજી  ઉઠ્યો હતો જ્યારે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબનાં પાવન  સાંનિધ્યે ગ્લોબલ પર્યુષણ મહાપર્વના ભકિતભાવથી સ્વાગત વધામણાં લેવામાં આવ્યાં હતાં.  

હૃદયના ઉલ્લાસ અને શ્રદ્ધાભાવ સાથે સમગ્ર ભારતના તેમજ વિદેશના  અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, સુદાન, દુબઈ, અબુધાબી, સિંગાપોર, યુગાન્ડા,  જર્મની આદિ ૧૦૫ દેશના હજારો ભાવિકો લાઈવના માધ્યમે જોડાઈને પર્વ પર્યુષણનો મહામંગલકારી બોધ પામી ધન્ય ધન્ય બન્યાં હતાં. 

  પર્વાઘિરાજ મહાપર્વને સાધના - આરાધનાની ફુલબહાર સીઝન તરીકે  ઓળખાવીને પરમ ગુરુદેવે અંતર ધરાથી પ્રવચનની ધારા વહાવતા ફરમાવ્યું હતું  કે, આ પર્વાધિરાજ પર્વને આપણે પ્રભુ મહાવીર જેવી દૃઢ અને સ્થિર સાધના કરીને  સાર્થક કરી લઈએ. આ પર્વાધિરાજમાં આત્મમૈત્રીના ભાવોને પ્રગટ કરીને આપણુ  આત્માહિત સાધી લઈએ. જનમ જનમથી આપણે બહારમાં મિત્રો શોધવાનો  નિરર્થક પ્રયત્ન કર્યો છે, પરંતુ એકવાર, આ પર્વમાં આપણે સ્વયં સાથે મિત્રતા  કરવી છે. પર્વાધિરાજ આપણને સંદેશ આપી રહ્યાં છે કે, જેને આત્મશુદ્ધિ કરવી છે  એણે સ્વયં દ્વારા સ્વયં સાથે વાત કરવાની છે. કેમ કે સ્વયં સાથે, સ્વયંની જાત  સાથે વાત કરવી તે જ જિન બનવાનો માર્ગ હોય છે. પર સાથે મૈત્રી કરનારા કદી પરમાત્મા નથી બની શકતાં, જેણે સ્વયં સાથે મૈત્રી કરી તે પરમાત્મા બની ગયાં. 

મૈત્રી અનેક પ્રકારની હોઈ શકે છે, પરંતુ સ્વયંની સ્વયં સાથેની મૈત્રી તે  સર્વશ્રેષ્ઠ મૈત્રી હોય છે. પરમાત્મા કહે છે, જગતના દરેક પર થી પર થવું તે  સ્વયંના મિત્ર બનવાનો માર્ગ હોય છે. અને જેમણે આત્મમિત્ર બનવું હોય તેમણે  પોતાના ઇનરવોઇસ ને સાંભળવું પડે, જે ઇનરવોઇસ ને સાંભળે છે તે ઈનરપીસ  ને પામ્યાં વિના નથી રહેતાં. જેને સ્વયં સાથે મિત્રતા કરતાં આવડી જાય,  પરમાત્મા એનાં મિત્ર બન્યાં વિના નથી રહેતાં. આપણે સ્વના મિત્ર બની જઈએ,  જગતના સર્વ જીવ સહજપણે આપણાં મિત્ર બની જશે. સ્વયં પણ ડુબે અને  આપણને પણ ડુબાડે એવાં આ જગતનાં અનેક મિત્રોની વચ્ચે, સ્વયં પણ તરે અને  આપણને પણ તારી દે એવા મિત્રની સાથે મિત્રતા કરીએ. પર્યુષણના શ્રેષ્ઠ કર્તવ્ય  સ્વરૂપ સ્વયં સાથે મિત્રતા કરીને આત્મવિશુદ્ધિ કરતા કરતાં પરમ સમાધિ ભાવની  અનુભૂતિ કરીએ.અવસરના પ્રારંભમાં ડો. આરતીબાઈ મહાસતીજીએ નમસ્કાર  મહામંત્રની આરાધનાની પ્રેરણા આપેલી હતી.

    રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ આદિ ૪૯ સંત - સતીજીઓના પરમધામ  ચાતુર્માસમાં સમગ્ર ગ્લોબલ પર્યુષણ મહાપર્વના સંઘપતિ રૂપે શાસનદીપક  ગુરુદેવ પૂજ્ય શ્રી નરેન્દ્રમુનિ મહારાજ સાહેબ એવમ મા સ્વામી-પૂજ્ય શ્રી જય-  વિજયાજી મહાસતીજીની પરમ સ્મૃતિમાં કવેસ્ટ ફાઉન્ડેશન - સાયનના ધર્મવત્સલા  શ્રી બીનાબેન અજયભાઈ શેઠની ઉદારભાવના અને સહયોગે લાભ લઇ રહેલાં  અનેક અનેક ભવ્ય જીવો આજે પરમ ગુરુદેવના શ્રીમુખેથી પર્વાધિરાજના કર્તવ્ય  એવા દાનધર્મની પ્રેરણા પામીને પર્વના પ્રથમ દિવસે અબોલ જીવો માટે ચારા -  પાણી અર્પણ કરવાં ઘાટકોપરના ગુરુભકતે ૧ કરોડ રૂ. જાહેર કર્યા હતા, જ્યારે પાંજરાપોળ સર્જન માટે અઢી કરોડ રૂ. જાહેર થયા હતા.   

ગ્લોબલ પર્યુષણ મહાપર્વ અંતર્ગત સવારથી રાત્રિ સુધીના આયોજિત  કરવામાં આવેલાં અનેક ધર્મ અનુષ્ઠાન અંતર્ગત બપોરના સમયે તર્ત પર્યુષણ,  સાંજના સમયે યુવાનો માટે Special youth session માં English  પ્રવચન સાથે  સાંજના પ્રતિક્રમણની આરાધના તેમજ રાત્રિના સમયે અમેરિકાની શિરસ્થ સંસ્થા  ૧૬૧૫ના દોઢ લાખથી વધુ ભાવિકો માટે પરમ ગુરુદેવના શ્રીમુખેથી બોધ પ્રવચન    બાદ ભકિત સ્તવના યોજાશે. પર્વના પ્રથમ દિવસના આત્મમૈત્રીના બોધને આત્મસાત કરીને આવતી  કાલ તાઃ ૦૪.૦૯.૨૦૨૧ પર્વના દ્વિતીય દિવસે પરમ ગુરુદેવના અંતરનાદ થી પ્રગટ  થતાં આત્મહિતકારી બોધને શ્રવણ કરીને આત્મસાત કરવાં આપણે સહુ સજ્જ  બની જઈએ.

(2:42 pm IST)