Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

મવડીની લાભદીપ સોસાયટીમાં નૈમીશભાઇ મારકણાના મકાનમાં ૨.૮૯ લાખના દાગીનાની ચોરી

યુવાન રક્ષાબંધનના દિવસે પત્નીને કાલાવડના ભાડુકીયા ગામે સસરાને ત્યાં મુકવા ગયો ને તસ્કરો હાથ ફેરો કરી ગયા

રાજકોટ,તા. ૩ : મવડી મેઇન રોડ પર આવેલી લાભદીપ સોસાયટીમાં રહેતા યુવાનના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો રૂ. ૨,૮૯,૫૦૦ ની કિંમતના સોનાચાંદીના દાગીના ચોરી જતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ મવડી મેઇન રોડ પર આવેલી લાભદીપ સોસાયટી શેરી નં. ૧૬માં રહેતા નૈમશીભાઇ કાંતીભાઇ મારકણા (ઉવ.૨૫)એ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું મવડીમાં આવેલ રામધણ મંદિર સામે પ્રશાંત પોલીમર નામના કારખાનામાં મેનેજમેન્ટ વિભાગમાં છેલ્લા પાંચ વર્ષથી નોકરી કરૃં છું. મારા પિતા પ્રાઇવેટ સીકયુરીટીમાં નોકરી કરે છે. મારા લગ્ન ૨૦૧૮માં હેમતભાઇ ગોકળભાઇ ઠુમ્મરની દીકરી બંસી સાથે થયા હતા. લગ્ન જીવન દરમ્યાન પોતાને પાંચ માસનો એક પુત્ર છે. મારી પત્ની મારા સસરાને ત્યાં આણુ વાળવા ગયેલ હોય, અને પત્ની રક્ષાબંધનના તહેવાર નીમીતે મારા સાળાને ત્યાં આવેલ હોય અને મારી પત્નીને મારે કાલાવડના ભાડુકીયા ગામમાં રહેતા સસરાને ત્યાં મુકવા જવાનું હોય જેથી ગત તા. ૨૪/૮ના રોજ હું પત્ની બંસી તથા પુત્રને લઇને રાજકોટ મારા ઘરેથી નીકળેલ હું તથા પત્ની અમારા ઘરમાં ઉપરના માળે રહેતા હોઇ અને મારા માતા-પિતા નીચેના માળે રહેતા હોય તે બંને નીચે હાજર હતા. હું પત્ની અને પુત્રને સસરા ને ત્યાં મુકવા ગયેલ બાદ ગત તા. ૨૫/૮ ના સવારે મારા મમ્મી જયોત્સનાબેને મને ફોન કરી જાણ કરેલ કે, 'તારો રૂમ ખુલ્લો છે અને સામાન વેરવિખેર પડેલ છે જેથી ચોરી થઇ હોય તેવું લાગે છે. તેમ વાત કરતા હું મારા સસરાને ત્યાંથી રાજકોટ આવેલ અને ઘરમાં ઉપરના રૂમમાં આવીને જોતા રૂમમાં દીવાલમાં લાકડાનું ફર્નિચર બનાવેલ હોય તેમાં લાકડાના ખાનાનો લોક તૂટેલો હતો અને તેમાંથી રૂ. ૨,૮૯,૫૦૦ની કિંમતના સોના ચાંદીના દાગીના ગાયબ હતા જેથી ચોરી થઇ હોવાની ખબર પડી હતી. આ અંગે નૈમીશ મારકણાએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પી.આઇ. જે.વી.ધોળા સહિતના સ્ટાફ તપાસ હાથ ધરી છે.

(2:39 pm IST)