Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

તું સીધા રસ્તે આવ નહિતર મારી નાંખીશ, મિલ્કત મામલે વૃધ્ધને સગાભાઇની ધમકી

કાલાવડ રોડ રામધામમાં રહેતાં નરેન્દ્રભાઇ ત્રિવેદીની ફરિયાદ પરથી કલ્યાણ સોસાયટીમાં રહેતાં તેમના ભાઇ હર્ષદરાય ત્રિવેદી સામે તાલુકા પોલીસમાં ગુનો

રાજકોટ તા. ૩: કાલાવડ રોડ પર રહેતાં અને નિવૃત જીવન જીવતાં વૃધ્ધને તેના જ સગા મોટા ભાઇએ ફોનમાં ગાળો દઇ આખા પરિવારને મારી નાંખવાની ધમકી આપતાં ફરિયાદ થઇ છે. પિતાજીની મિલ્કત મામલે ચાલતાં કેસ અંગે મોટા ભાઇ ધમકીઓ આપતાં હોવાનું જણાવાયું છે.

આ મામલે તાલુકા પોલીસે કાલાવડ રોડ રામધામ શેરી નં. ૪-ક પ્લોટ નં. ૨૬-ડી ખાતે રહેતાં નરેન્દ્રભાઇ ક્રિષ્નાલાલ ત્રિવેદી (ઉ.વ.૬૫)ની ફરિયાદ પરથી ગોડાઉન રોડ ૧૪-કલ્યાણ સોસાયટી કૃષ્ણકુંજ ખાતે રહેતાં તેમના જ ભાઇ હર્ષદરાય ક્રિષ્નાલાલ ત્રિવેદી સામે આઇપીસી ૫૦૪, ૫૦૭ મુજબ ગુનો નોંધ્યો છે.

નરેન્દ્રભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહી નિવૃત જીવન જીવુ છું. ૧૫/૫ના રોજ હું, મારા પત્નિ જાગૃતિબેન અને નાનો દિકરો સ્મીત કાર લઇ જુનાગઢ જતાં હતાંત્યારે રસ્તામાં મારા મોટા ભાઇ હર્ષદરાય ત્રિવેદીએ મને ફોન કરી કહેલું કે આપણા પિતાજીની મિલ્કત બાબતે કોર્ટમાં કેસ ચાલુ છે તે અંગે મેં તને જે કાગળ લખ્યા છે તેના જવાબ તું કેમ આપતો નથી?

આથી મેં તેને કહેલું કે બધુ કોર્ટ નક્કી કરશે. જેથી તે મને, કોર્ટને અને વકિલોને સંબોધીને ગાળો દેવા માંડ્યો હતો અને મને કહેલું કે તું સીધા રસ્તે આવ નહિતર તને મારી નાંખીશ. તારી પત્નિ અને બાળકોની સલામતી નહિ રહે, તારે પોલીસમાં પણ ફરિયાદ કરવી હોય તો કરી લેજે. તેમ કહી ફોન કાપી નાંખ્યો હતો. એ પછી ૧૬/૬ના રોજ હું મારા ઘરે હતો ત્યારે સવારે પોણા અગિયારેક વાગ્યે મેં મોટા ભાઇને સમજાવવા ફોન કરી કહેલું કે એકાદ મહિના પહેલા તે મને ધમકી આપી હતી એ તને યાદ છે? તેણે હા પાડી હતી અને ફરીથી કહેલું કે હું તારા પરિવારને મુકવાનો નથી. અંતે મેં ૨૬/૭ના રોજ પોલીસમાં અરજી આપી હતી.

પિતાજીની મિલ્કત મામલે કેસ ચાલતો હોઇ તે મામલે મારા ભાઇ મને સતત ધમકી આપતાં હોઇ અંતે મારે ફરિયાદ કરવી પડી છે. તેમ તેણે ફરિયાદમાં કહેતાં હેડકોન્સ. બી. ઝેડ. વસવેલીયાએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(12:58 pm IST)