Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

સદર બજારના હાર્દિક પરમારને વ્યાજ માટે ખૂનની ધમકીઓઃ પરિવારજનો સાથે હિજરત કરવી પડી

ડ્રાઇવીંગ કરતાં યુવાને ઘરનો ધંધો શરૂ કરવા કાર ખરીદવા વ્યાજે નાણા લીધા ને ફસાયો : પ્ર.નગર પોલીસે ગવલીવાડની મહિલા, બે યુવાન અને ભીસ્તીવાડના શખ્સ સામે ગુનો નોંધી તપાસ આરંભી : ગવલીવાડની શહેનાઝને ૫ લાખ સામે ૧૮ લાખ દીધા છતાં વધુ ૩ લાખ માંગ્યાઃ ઇરબાઝ અને અફરીદે ૩૦-૩૦ ટકે નાણા દઇ રોજના હપ્તા વસુલ્યાઃ ઇમરાનને ૧ લાખ સામે ૩ લાખ દીધા છતાં ધરાયો નહિઃસતત ધમકીથી હાર્દિકને ફિનાઇલ પીવું પડ્યું: ટુવ્હીલર પણ પડાવી લીધું

રાજકોટ તા. ૩: સદર બજાર શ્રીકૃષ્ણ ચોકમાં રહેતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં યુવાને ધંધા માટે કાર ખરીદવા ગવલીવાડની એક મહિલા પાસેથી પાંચ લાખ વ્યાજે લઇ તેની સામે ૧૮ લાખ ચુકવી દીધા પછી પણ તેણે વધુ ૩ લાખ માંગતા આ રકમ ચુકવવા વધુ બે શખ્સ પાસેથી વ્યાજે નાણા લઇ દૈનિક ૩૦-૩૦ ટકા વ્યાજ ચુકવી અન્ય એક ભીસ્તીવાડના શખ્સ પાસેથી પણ વ્યાજે નાણા લેતાં અને રકમ ચુકવવા છતાં વધુ ને વધુ વ્યાજ માંગી મારી નાંખવાની ધમકી અપાતાં તેણે ફિનાઇલ પી લીધું હતું. બે શખ્સ વ્યાજ માટે ટુવ્હીલર પણ પડાવી જતાં આ યુવાન પરિવાર સાથે હિજરત કરવા મજબૂર થયો હતો. સદર બજારનું ઘર છોડી ભાડે રહેવા ગયેલા આ યુવાને અંતે મહિલા સહિત ચાર વિરૂધ્ધ ફરિયાદ કરી છે.

આ બનવામાં પ્ર.નગર પોલીસે સદર બજાર મોટી ટાંકી પાસ શ્રીકૃષ્ણ ચોક પરમાર કોર્નર નજીક રહેણાંક ધરાવતાં અને હાલ ૧૫૦ રીંગ રોડ પર રાધા પાર્ક રોડ ગોકુલ મથુરા પાછળ રહેતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં હાર્દિક અશોકભાઇ પરમાર (કારડીયા રાજપૂત) (ઉ.વ.૩૬) નામના યુવાનની ફરિયાદ પરથી ગવલીવાડની શહેનાઝબેન દલવાણી, ઇરબાઝ ખોખર, અફરીદ ખોખર અને ભીસ્તીવાડના ઇમરાન દલવાણી સામે આઇપીસી ૩૮૬, ૫૦૪, ૧૧૪, મનીલેન્ડ એકટ હેઠળ ગુનો નોંધ્યો છે.

હાર્દિકે ફરિયાદમાં જણાવ્યું છે કે તે પરિવાર સાથે સદર બજારમાં રહેતો હતો. વીસેક દિવસથી રાધા પાર્કમાં જગદીશભાઇ સોનીના મકાનમાં ભાડેથી રહે છે અને પ્રાઇવેટ ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે.  તે સદરમાં રહેતો ત્યારે અર્ટીગા કાર ધંધ માટે લેવાની હોઇ પૈસાની જરૂર પડતાં ગવલીવાડની શહેનાઝબેન પાસેથી ૨૦૧૬માં મે મહિનામાં રૂ. ૧ાા લાખ ૨૦ ટકા લેખે અને બાદમાંં કટકે કટકે બીજા ૩ાા લાખ ૨૦ ટકા વ્યાજે લીધા હતાં. આ રકમ સામે આજ સુધીમાં તેણીને રૂ. ૧૮ લાખ ચુકવી દીધા છે. છતાં તે વધુ વ્યાજની માંગણી કરી ઘરે આવી હજુ ૩ લાખ નહિ આપ તો તને અને તારા પરિવારને મારી નાંખીશ તેવી ધમકી આપે છે.

ફરિયાદમાં આગળ જણાવાયું છે કે શહેનાઝબેનને રૂ. ૩ લાખ ચુકવવા માટે મારી ગવલીવાડમાં બેઠક હોઇ ત્યાં ઓફિસ ધરાવતાં ઇરબાઝ અને તેના ભાઇ અફરીખ પાસેથી છએક મહિના પહેલા રૂ. ૨ લાખ લીધા હતાં. જેના ૩૦ ટકા વ્યાજ લેખે રોજ રૂ. ૩૦૦૦નો હપ્તો ચુકવવાનું નક્કી થયું હતું. પરંતુ ધંધો બરાબર ચાલતો ન હોઇ જેથી ઇરબાઝને હપ્તો ન આપી શકતાં તેને ચડત રકમ ચુકવવા ભીસ્તીવાડના ઇમરાન પાસેથી ૩૦ ટકે રૂ. ૩ લાખ લીધા હતાં. જેને રોજના રૂ. ૩ હજાર ચુકવવાના હતાં. એ પછી ઇરબાદના ભાઇ અફરીદ પાસેથી રૂ. ૧ લાખ ૩૦ ટકે લીધા હતાં. તેને પણ રોજના હપ્તા ચુકવવાના હતાં. પરંતુ ધંધો ન જામતાં આ લોકોને પૈસા ચુકવી ન શકતાં વારંવાર ફોનથી અને રૂબરૂ ઉઘરાણી કરી મારી નાંખવાની ધમકી આપતાં હોઇ કંટાળીને હાર્દિકે તા. ૧૯/૫/૨૧ના રોજ ફિનાઇલ પી લીધી હતી.

એ પછી આ ચારેયએ હવે વ્યાજના પૈસા તારે ચુકવવાના નથી તેવું કહ્યું હતું. જેથી ફરિયાદ કરી નહોતી. થોડા સમય પછી ઇરબાઝને ૨ લાખ, અફરીદને ૧ લાખ, ઇમરાનને ૩ લાખ વ્યાજ સહિત ચુકવી દીધા હતાં. આમ છતાં ઇરબાઝે વધુ ૬૫ હજાર, ઇમરાને ૫.૫૦ લાખ અને અફરીદે ૧ લાખ માંગી પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી. એ પછી હાર્દિક આજથી દોઢેક મહિના પહેલા ટુવ્હીલર લઇ જીમખાના રોડ પરથી નીકળતાં ઇરબાદ અને અફરીઝે ઉભો  રાખી વ્યાજની રકમ માંગી મારી નાંખવાની ધમકી આપી હતી અને બળજબરીથી એકસેસ ટુવ્હીલર પડાવી ગયા હતાં. આ અંગે તેણે ઘરમાં વાત કરી હતી. પણ આ લોકો માથાભારે હોઇ ફરિયાદ નોંધાવી નહોતી. ત્યારબાદ ગમે તેમ કરી દૈનિક હપ્તા ચુકવવાનું ચાલુ કરતાં એકસેસ પાછુ આપી દીધું હતું.  શહેનાઝબેન અને ઇમરાને પણ સદર બજારના ઘરે આવી વ્યાજની ઉઘરાણી કરી ધમકીઓ આપતાં અંતે હાર્દિકે સદર બજારના ઘરેથી પરિવાર સાથે હિજરત કરી હતી અને ભાડેથી રહેવા જતો રહ્યો હતો.

સતત વ્યાજ માટે ધમકીઓ મળતી હોઇ અંતે હિમ્મત કરી ચારેય વિરૂધ્ધ ફરિયાદ નોંધાવ્યાનું તેણે જણાવતાં પ્ર.નગર પીઆઇ એલ. એલ. ચાવડાની રાહબરીમાં એએસઆઇ કે. વી. માલવીયા અને રામજીભાઇ પટેલે ગુનો નોંધ્યો છે. પીએસઆઇ કે. સી. રાણાએ આગળની તપાસ હાથ ધરી છે.

(12:58 pm IST)