Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

મોચી બજારમાં સાઇડ તોડી ભાગેલા મહેબૂબ રિક્ષાવાળાને રોકતાં પોલીસ કોન્સ્ટેબલને ફડાકો મારી ધમકી દીધી

કોન્સ. નિલેષભાઇ વાવેચાની ફરિયાદઃ પટ્ટા-ટોપી ઉતરાવી દેવાની ધમકી દીધીઃ ફરજમાં રૂકાવટનો ગુનો

રાજકોટ તા. ૩: હોસ્પિટલ ચોકીમાં ટ્રાએન્ગલ ઓવર બ્રિજનું કામ ચાલી રહ્યું હોઇ તે કારણે મોચીબજાર કોર્ટ પાસેના રસ્તાઓ પર ભારે ટ્રાફિક રહે છે અને એ કારણે પોલીસે સાઇડ આપવાનું ચાલુ કર્યુ છે. આ દરમિયાન ગઇકાલે એક રિક્ષાવાળો સાઇડ બંધ કરવામાં આવી હોવા છતાં રિક્ષા ભગાવીને નીકળી જતાં ટ્રાફિક પોલીસમેને તેને અટાવતાં તેને ગાળો દઇ લાફો મારી પટ્ટા ટોપી ઉતરાવી નાંખવાની ધમકી આપતાં ગુનો દાખલ કરી તેને કાયદાનું ભાન કરાવાયું છે.

બનાવ અંગે ટ્રાફિક શાખાના કોન્સ. નિલેષભાઇ મનસુખભાઇ વાવેચાની ફરિયાદ પરથી ભગવતીપરા ત્રિમુર્તિ ચોક નદી કાંઠા વિસ્તારમાં રહેતાં મહેબૂબ ઇબ્રાહીમભાઇ ઉઢેજા (સંધી) (ઉ.વ.૩૦) સામે આઇપીસી ૧૮૬, ૩૩૨, ૫૦૪ મુજબ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે. કોન્સ. નિલેષભાઇ અને બીજો સ્ટાફ મોચીબજાર કોર્ટવાળા રસ્તે ફરજ પર હોઇ ટ્રાફિક જામ ન થાય તે માટે સાઇડ આપી રહ્યા હતાં. આ વખતે સાઇડ બંધ હોવા છતાં મહેબૂબે પોતાની રિક્ષા ભગાવી મુકી હતી.

આથી કોન્સ્ટેબલે તેને અટકાવી સાઇડ શા માટ તોડી? તેમ પુછતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને ગાળો ભાંડી ફડાકો મારી દીધો હતો. તેમજ પટ્ટા ટોપી ઉતરાવી નાંખવાની ધમકી આપી ધમાલ મચાવી હતી. તેને પકડી લઇ એ-ડિવીઝનમાં સોંપતા હેડકોન્સ. આર. એલ. વાઘેલા અને હરવિજયસિંહે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

(12:57 pm IST)