Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

બારવણ પાસે એરપોર્ટ પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી દારૂ ભરેલી કાર સાથે જસદણના અનિલ મકવાણાને પકડયો

હેડકોન્સ. વિક્રમસિંહ સોલંકી, કોન્સ. ભગીરથસિંહ ડોડીયા અને ઇર્શાદઅહેમદ ઝન્નરની બાતમીઃ ૪૭ હજારનો ૧૧૭ બોટલ દારૂ મળ્યોઃ કાર મળી ૧.૨૧ લાખનો મુદ્દામાલ કબ્જેઃ રિમાન્ડની તજવીજ : ત્રણેક કિ.મી. સુધી પીછો કર્યો

રાજકોટ તા. ૩: બામણબોર નજકી બારવણ ચાર રસ્તા પાસે એરપોર્ટ રોડ પોલીસે ચોક્કસ બાતમીને આધારે વોચ રાખી હોઇ પોલીસને જોઇ ચાલકે દારૂનો જથ્થો ભરેલી કાર ભગાવી મુકતાં પોલીસની ટીમે ફિલ્મી ઢબે પીછો કરી કાર ઝડપી લઇ જસદણના રામડીયા ગામના શખ્સને રૂ. ૪૭૨૦૦ના દારૂ સાથે પકડી લીધો છે.

એરપોર્ટ પોલીસ સ્ટેશનની ટીમના હેડકોન્સ. વિક્રમસિંહ સોલંકી, કોન્સ. ભગીરથસિંહ ડોડીયા અને ઇર્શાદઅહેમદ ઝન્નરને બાતમી મળી હતી કે બારવણ ચાર રસ્તેથી દારૂ ભરેલી કાર નીકળવાની છે. તેના આધારે વોચ રાખતાં બાતમી મુજબની ઇન્ડીગો માન્ઝા કાર નીકળતાં તેને અટકાવવા પ્રયાસ કરતાં ચાલકે કાર ભગાવી મુકી હતી. પોલીસની ટીમે તેનો ફિલ્મી ઢબે ત્રણેક કિ.મી. સુધી પીછો કર્યો હતો અને કાર આંતરી લીધી હતી.

કારમાંથી રૂ. ૪૭૨૦૦નો ૧૧૮ બોટલ દારૂ મળતાં તે તથા ૭૦ હજારની કાર અને ૪ હજારનો મોબાઇલ ફોન મળી રૂ. ૧,૨૧,૨૦૦નો મુદ્દામાલ કબ્જે કરી ચાલક પ્રવિણ ઉર્ફ અનિલ રવજીભાઇ મકવાણા (ઉ.વ.૨૭-રહે. રામડીયા ગામ આંગણવાડી પાસે તા. જસદણ)ની ધરપકડ કરી હતી.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એસ.આર. ટંડેલ અને એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની સુચના અને પીઆઇ જી. એમ. હડીયાની રાહબરીમાં હેડકોન્સ. વી. કે. સોલંકી, હેમતભાઇ, કોન્સ. ભગીરથસિંહ, મહેશભાઇ અને ઇર્શાદઅહેમદે આ કામગીરી કરી હતી. તે દારૂ કયાંથી લાવ્યો? કોને આપવાનો હતો? તેની વિશેષ પુછતાછ કરવાની હોઇ રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે.

(2:39 pm IST)