Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

જી.એસ.ટી.કરચોરીના ગુન્હામાં રાજકોટના વેપારીની ધરપકડ સામે સેસન્સ કોર્ટ દ્વારા પ્રોટેકશન

ગુજરાત હાઇકોર્ટઢના વકિલ અર્પૂવ મહેતાની દલીલો સફળ રહી

રાજકોટ તા. ૩ : જી.એસ.ટી.ના કરચોરીના ગુન્હામાં પોતાની સંભવીત ધરપકડની દહેશતને લઇને કરેલી આગોતરા જામીન અરજીમાં સેસન્સ કોર્ટે આરોપીને પ્રોટેકશનનો લાભ આપેલ છે.

આ કેસની વિગત મુજબ કેવલ એન્ટરપ્રાઇઝ અને જે.બી. એન્ટરપ્રાઇઝ નામની પેઢી ધરાવતા અને પ્લાસ્ટીકના દાણાનો વેપાર કરતા રાજકોટના વેપારીના ધંધાના સ્થળે DGGI રાજકોટ યુનીટ દ્વારા તા.૧૯/૦૭/ર૦ર૧ ના રોજ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલ. તપાસના અંતે થોક બંધ સાહિત્ય તેમજ મોબાઇલ ફોન, સી.પી.યુ., વિગેરે જપ્ત કરવામાં આવેલ. જેના આધારે રૂ.૧૭ કરોડથી વધુ રકમનું બોગસ બિલીંગ ધ્યાને આવેલ.

ઉપરોકત વેપારી દ્વારા તેમની મુખ્યત્વે ખરીદી જીલ કોર્પોરેશન, શીવમ ટ્રેડીંગ, વિનાયક ટ્રેડીંગ, સર્જુ ટ્રેડીંગ કંપની, પટેલ ટ્રેડર્સ, વી.ડી.મેન્યુફેચર, નીલકંઠ એન્ટરપ્રાઇઝ તથા આર.બી.એન્ટરપ્રાઇઝ નામથી પેઢીઓમાંથી કરવામાં આવેલ. ઉપરોકત તમામ પેઢીઓમાં DGGI/CGST ડિપાર્ટમેન્ટ દ્વારા સર્ચ કરવામાં આવતા તમામ પેઢી ફકત કાગળ ઉપર અસ્તીત્વ ધરાવતી હોય અને વાસ્તવીક રીતે માલનું કોઇ ખરીદ વેંચાણ થતુ ન હોય તેવું જાણવા મળેલ. વધુમાં વિનાયક ટ્રેડીંગના પ્રોપરાઇટર અજયભાઇ સેંજારીયાની તા.૧૬/૦૭/ર૦ર૧ ના રોજ ધરપકડ પણ કરવામાં આવેલ.

ત્યારબાદ DGGI રાજકોટ દ્વારા કેવલ એન્ટરપ્રાઇઝ તેમજ જે.બી.એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટરને ઉપરોકત કૌભાંડની તપાસ અર્થે જી.એસ.ટી.કાયદાની કલમ-૭૦ હેઠળ વારંવાર સમન્સ આપવામાં આવતા આ વેપારીને પણ ધરપકડની દહેશત હોય જેથી તેમણે પોતાના વકીલ અપૂર્વ એન.મહેતા મારફત સી.આર.પી.સી.ની કલમ ૪૩૮ હેઠળ આગોતરા જામીન મેળવવા માટે નામદાર સેસન્સ કોર્ટ રાજકોટમાં અરજી દાખલ કરેલ છે.

આ અરજી ચાલવા ઉપર આવતા DGGI ના સ્પેશીયલ પબ્લીક પ્રોસીકયુટર દ્વારા સખત વિરોધ કરવામાં આવેલ. પરંતુ વેપારીના વકીલ મહેતાની તર્કસંગત દલીલો તેમજ ગુજરાત હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ ધ્યાને લઇ નામદાર સેસન્સ જજ પ્રશાંત જૈન દ્વારા ઉકત વેપારીને ધરપકડ સામે પ્રોટેશન આપતો હકમ ૧૧/૮ના ફરમાવવામાં આવેલ છે.

ઉપરોકત કામમાં રાજકોટના વેપારી વતી ગુજરાત હાઇકોર્ટના ધારાશાસ્ત્રી અપૂર્વ એન. મહેતા તથા રાજકોટના એડવોકેટ જયદીપ એમ.કુકડીયા તથા દર્શીલ કે. માઝની રોકાયેલ હતા.

(12:04 pm IST)