Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

આયુર્વેદિકના નામે એકસપાયરી ડેટના શીરપ-ટેબલેટ કિડની-ડાયાબીટીશના દર્દીઓને ધાબડવાના કારસ્તાનનો પર્દાફાશઃ પાંચ વર્ષથી ગોલમાલ થતી'તી

ઢેબર રોડ પર ગુરૂકુળ પાસે શ્રમજીવી સોસાયટીમાં ગોડાઉનમાં એસસીએસટી સેલના એસીપી એસ. બી. પટેલની બાતમી પરથી શહેર એસઓજી ટીમનો દરોડો : એકસપાયરી ડેટના શિરપનો જથ્થો બેરલમાં ઠાલવી નવી શીશીઓમાં ભરી તેમાં નવા સ્ટીકર મારી દેતોઃ ટેબલેટની ડબલીઓ ઉપર પણ આ રીતે નવા સ્ટીકર લગાવી દેતોઃ પીઆઇ આર. વાય. રાવલ, પીએસઆઇ એમ. એસ. અંસારી અને ટીમે મોડી રાત સુધી કાર્યવાહી કરીઃ સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ ગુનો દાખલ થવાની શકયતા : પોતાની દવાથી ડાયાલિસીસની જરૂર રહેતી નથી, કિડનીના રોગ મટી જાય છે તેવા દાવા અમુક દર્દીઓ પાસે કરાવતો : ફૂડ એન્ડ ડ્રગ વિભાગ અને મ્યુ. કોર્પોરેશન આરોગ્ય અધિકારી પણ તપાસમાં જોડાયા : ૧૨ ચોપડી ભણેલો પરેશ ચોવટીયા એફિડેવીટ કરાવી ડોકટર બની કાળાધોળા કરતો'તોઃ દવાઓના સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ થશે વિશેષ કાર્યવાહી : અમદાવાદની કંપનીના બેચ નંબરનો ઉપયોગ કરતો હતોઃ એકસપાયરી ડેટ હટાવવા સ્ટીકર ગોંડલ રોડ પરના પ્રિન્ટીંગ પ્રેસમાં છપાવતો : શીરપ-ટીકડીઓનો ૨૧.૨૫ લાખનો જથ્થો શંકાસ્પદ ગણી કબ્જે

તસ્વીરમાં જ્યાં દરોડો પાડવામાં આવ્યો તે ઢેબર રોડ શ્રમજીવી સોસાયટીનું પરેશ પટેલનું ગોડાઉન, ત્યાં થઇ રહેલી કાર્યવાહી,  પરેશ જે સ્ટીકર્સનો ઉપયોગ કરતો હતો તે અલગ અલગ સ્ટીકર્સ અને કબ્જે થયેલો દવા-શીરપનો જથ્થો તેમજ ઉપરની તસ્વીરમાં પોતાને ડોકટર તરીકે ઓળખાવતાં પરેશ પટેલનો ફાઇલ ફોટો જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૩: શહેરમાં ડીગ્રી વગરના ડોકટરો દવાખાના ખોલીને બેસી જઇ લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરતાં હોવાનું અનેક વખત સામે આવી ચુકયું છે અને એસઓજી તથા અન્ય પોલીસે અનેક નકલી ડોકટરોને દબોચી જેલભેગા પણ કર્યા છે. ત્યાં હવે નવું જ કારસ્તાન ખુલ્યું છે. જેમાં ૧૨ ચોપડી ભણેલો પરેશ પટેલ  પોતાના નામ આગળ ડોકટર ઉમેરી મોટે ભાગે કિડની અને ડાયાબિટીશના દર્દીઓ માટે આયુર્વેદિક દવાના નામે એકસપાયરી ડેટવાળી દવાઓ (શીરપ અને ટેબલેટ) વેંચી રોકડી કરતો હોવાનું ખુલ્યું છે. પાંચ વર્ષથી તે આવું કારસ્તાન ચલાવતો હોવાનો પર્દાફાશ શહેર એસઓજીની ટીમે કર્યો છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ અને રાજકોટ મ્યુ. કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમે પણ તપાસમાં ઝંપલાવ્યું છે. એકસપાયરી ડેટના શીરપ તે એક બેરલમાં ઠાલવી તેમાંથી નવી શીશીઓ-બોટલો ભરી નવા સ્ટીકર લગાવી દેતો હતો અને ટેબલેટની ડબલીઓ, રેપર ઉપર પણ નવી તારીખના સ્ટીકર્સ લગાડી વેંચીને રોકડી કરતો હોવાનું ખુલ્યું છે. હાલ પોલીસે ૨૧,૨૫,૧૦૦નો શંકાસ્પદ શીરપ-ટેબલેટનો જથ્થો કબ્જે કર્યો છે.

વિગત એવી છે કે ઢેબર રોડ પર ગુરૂકુળ નજીક શ્રમજીવી સોસાયટી-૨/૫ના ખુણે ઓશો મેડિકેર નામે ગોડાઉન ધરાવતો અને પોતાને ડોકટર તરીકે ઓળખાવતો શખ્સ પરેશ પટલ (ચોવટીયા) હકિકતે ડોકટરની ડિગ્રી ધરાવતો નથી અને તેના ગોડાઉનમાં પાયરેટેડ એટલે કે જેની તારીખ તારીખ જતી રહી હોય તેવી આયુર્વેદિક દવાઓને નવા સ્ટીકર લગાવી ખાસ કરીને કિડની અને ડાયાબિટીશના દર્દીઓને ધાબડી આરોગ્ય સાથે ચેડા કરે છે તેવી બાતમી એસસીએસટી સેલના એસીપી શ્રી એસ. બી. પટેલને મળતાં એસઓજી પીઆઇ આર.વાય. રાવલ અને પીએસઆઇ એમ. એસ. અંસારીની ટીમે ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો અને પરેશ પટેલને તેના રામનગરના ઘરેથી દબોચી લાવી તેની હાજરીમાં ગોડાઉનમાં તપાસ શરૂ કરી હતી.

ફૂડ એન્ડ ડ્રગ વિભાગના આસી. કમિશનર એસ. એસ. વ્યાસ અને મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય અધિકારી પંચાલ પણ પોતાની ટીમો સાથે પહોંચ્યા હતાં.  પોલીસે તપાસ કરતાં એવી વિગતો ખુલી હતી કે પરેશ પટેલ એકસપાયર થયેલા આયુર્વેદિક શીરપને ગોડાઉનમાં રાખેલા એક મોટા બેરલમાં ઠાલવી દેતો અને તેમાં ચ્યવનપ્રાશ ભેળવી આ શીરપને નવી બોટલોમાં ભરી લેતો હતો. જેથી એકસપાયરી ડેટની દવા હોવાની કોઇને ખબર પડતી નહિ. આવા શીરપને કોરોનાકાળમાં ઇમ્યુનિટી બુસ્ટર (રોગપ્રતિકાર શકિત વધારતા પ્રવાહી) તરીકે ધાબડી દીધાનું ખુલ્યું હતુ઼. આ ઉપરાંત તેની પાસેથી આયુર્વેદિક ટેબલેટ (ટીકડીઓ)નો જથ્થો પણ મળ્યો છે. આ ટેબલેટ કે જે એકસપાયર થઇ ગઇ હોઇ તેની ડબલીઓ પર નવી તારીખના સ્ટીકર લગાવી ફરી વેંચાણમાં મુકી દેતો હતો.

આવા સ્ટીકર તે ગોંડલ રોડ પર મયુર ભજીયા નજીક આવેલા એક પ્રિન્ટીંગ પ્રેસમાં છપાવતો હતો. તેની પાસે ડોકટરની કોઇ જ ડિગ્રી નથી છતાં તે ડોકટર બની બેઠો હતો. તેણે પોતાના નામ આગળ ડોકટર લખાવી તેનું એફિડેવીટ કરાવી લીધું હતું અને આ રીતે પોતે ડો. પરેશ પટેલના નામે ઓળખ આપતો હતો. તે અમદાવાદની એક કંપનીની દવાઓના બેચ નંબરનો ઉપયોગ પોતે એકસપાયરી ડેટમાંથી બનાવેલી દવાઓ શીરપ માટે કરતો હતો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ કોડ સ્કેન કરી તપાસ કરતાં આ કોડ અમદાવાદની કંપનીના નામે હોવાનું ખુલ્યું હતું. પરેશ પટેલે કહ્યું હતું કે પોતે અગાઉ આ કંપનીમાંથી માલ લેતો હોઇ જેથી તેના બેચ નંબરનો ઉપયોગ કરતો હતો.

પ્રાથમિક પુછતાછમાં પરેશ પટેલે કબુલ્યું છે કે પોતે પાંચેક વર્ષથી આવા ધંધા કરે છે. તે પોતાની દવાથી કિડની ડાયાબિટીશના દર્દીઓને સારુ થઇ જાય છે તેવા દાવા પણ અમુક દર્દીઓ કે બીજા પાસે કરાવતો હતો અને તેની જાહેરાતો કરાવતો હતો. તેની એક દૂકાન અમીધારા કોમ્પલેક્ષમાં છે. જો કે તે બંધ હાલતમાં છે. અગાઉ તેણે શ્રમજીવીમાં દવાખાનુ ચાલુ કર્યુ હતું. પણ હાલમાં ઢેબર રોડ પર નવા બસ ડેપોમાં ત્રીજા માળે ત્રણ દૂકાનો ચાલુ કરી હતી. જ્યાંથી તે આવી દવા-શીરપના અને ઇમ્યુનિટી બુસ્ટરના વેંચાણ કરતો હતો.

હાલ પોલીસે શ્રમજીવી સોસાયટીના ગોડાઉનમાંથી શંકાસ્પદ આયુર્વેદિક દવાઓનો જથ્થો પેકીંગ તથા લુઝ હાલતમાં મળતાં ખોરાક અને ઓૈષધ નિયમન તંત્ર તથા મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય અધિકારીને સાથે રાખી તેમના માર્ગદર્શન હેઠળ રૂ. ૨૧,૨૫,૧૦૦નો જથ્થો કબ્જે કર્યો છે. જેમાં આયુર્વેદિક શીરપ અને આયુર્વેદિક દવાઓ-ટીકડીઓ છે. આ જથ્થો સીઆરપીસી ૧૦૨ મુજબ કબ્જે કરાયો છે. અન્ય મોટો જથ્થો પણ હતો. જેના બીલ વગેર હોઇ તે હાલ શીઝ કરાયેલ નથી. પરેશ પટેલને આધાર પુરાવા રજુ કરવા નોટીસ પાઠવવામાં આવી છે. તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તથા આરોગ્ય વિભાગે સેમ્પલ કબ્જે કર્યા હોઇ તેના પરિક્ષણનો રિપોર્ટ આવ્યા બાદ આગળ કાર્યવાહી થશે.

એસઓજી પીઆઇ આર. વાય. રાવલ, પીએસઆઇ એમ. એસ. અંસારી, એએસઆઇ ભાનુભાઇ મિંયાત્રા, સુભાષભાઇ ડાંગર, હેડકોન્સ. ધર્મેન્દ્રસિંહ ઝાલા, કિશનભાઇ આહિર, મોહિતસિંહ જાડેજા, પેરોલ ફરલો સ્કવોડના યુવરાજસિંહ, સિરાજભાઇ, યોગેન્દ્રસિંહ અને સોનાબેન મુળીયા સહિતે આ કામગીરી મોડી રાત સુધી કરી હતી. આજે પરેશ પટેલની નવા બસ સ્ટેશનમાં આવેલી ત્રણ દૂકાનોમાં તપાસ કરવામાં આવશે. (૧૪.૭)

નવા બસ સ્ટેશનમાં ત્રીજા માળે ત્રણ દૂકાનોમાં ધમધોકાર વેપલોઃ એક બીએચએમએસ ડોકટર અને બે યુવતિને કામે રાખ્યા'તા

.પ્રાથમિક તપાસમાં એવી વિગતો બહાર આવી છે કે પરેશ પટેલ પોતાના નામ આગળ ડોકટર લગાડી કિડની અને ડાયાબિટીશના દર્દીઓ માટે આયુર્વેદિક દવાઓ વેંચતો હતો. આ દવાઓમાં એકસપાયરી ડેટવાળી દવાઓને પણ ફરીથી પેક કરી ધાબડતો હતો. તેણે નવા બસ સ્ટેશનમાં ત્રણ દૂકાનોમાં દવાખાનુ અને મેડિકલ સ્ટોર પણ ચાલુ કર્યા છે. જ્યાં તેના પત્નિ બેસે છે. તેમજ એક બી.એચ.એમ.એસ. લેડી ડોકટર રચના રાઠોડને નોકરીએ રાખ્યા છે. કોઇપણ વ્યકિત દવા લેવા આવે તો આ ડોકટર તેને દવા લખી આપતાં હતાં.  જેને દસ હજારના પગારથી કામે રખાયા છે. જ્યારે અન્ય બે યુવતિ રિધ્ધી અને શાબીન ત્યાંના મેડિકલ સ્ટોરમાં નોકરી કરે છે.

પરેશે આ દૂકાન ઉપર જે બોર્ડ લગાવ્યું છે તેમાં 'ઓશો હોસ્પિટલ-કન્સ્લ્ટીંગ એન્ડ ટ્રીટમેન્ટ બાય ડોકટર્સ ટીમ' એવું લખાણ કરેલું છે. આમ પરેશ પટેલે ડોકટર બની એકસપાયરી ડેટવાળી આયુર્વેદિક દવાઓ, શીરપ વેંચી રોકડી કરવાના ધંધા આદર્યાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે. પાંચેક વર્ષથી તે ડોકટરનું લેબલ લઇને ફરતો હોવાનું પણ ખુલ્યું છે. આ મામલે પણ તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

નવા બસ સ્ટેશનમાં ત્રીજા માળે ત્રણ દૂકાનોમાં ધમધોકાર વેપલોઃ એક બીએચએમએસ ડોકટર અને બે યુવતિને કામે રાખ્યા'તા

.પ્રાથમિક તપાસમાં એવી વિગતો બહાર આવી છે કે પરેશ પટેલ પોતાના નામ આગળ ડોકટર લગાડી કિડની અને ડાયાબિટીશના દર્દીઓ માટે આયુર્વેદિક દવાઓ વેંચતો હતો. આ દવાઓમાં એકસપાયરી ડેટવાળી દવાઓને પણ ફરીથી પેક કરી ધાબડતો હતો. તેણે નવા બસ સ્ટેશનમાં ત્રણ દૂકાનોમાં દવાખાનુ અને મેડિકલ સ્ટોર પણ ચાલુ કર્યા છે. જ્યાં તેના પત્નિ બેસે છે. તેમજ એક બી.એચ.એમ.એસ. લેડી ડોકટર રચના રાઠોડને નોકરીએ રાખ્યા છે. કોઇપણ વ્યકિત દવા લેવા આવે તો આ ડોકટર તેને દવા લખી આપતાં હતાં.  જેને દસ હજારના પગારથી કામે રખાયા છે. જ્યારે અન્ય બે યુવતિ રિધ્ધી અને શાબીન ત્યાંના મેડિકલ સ્ટોરમાં નોકરી કરે છે.

પરેશે આ દૂકાન ઉપર જે બોર્ડ લગાવ્યું છે તેમાં 'ઓશો હોસ્પિટલ-કન્સ્લ્ટીંગ એન્ડ ટ્રીટમેન્ટ બાય ડોકટર્સ ટીમ' એવું લખાણ કરેલું છે. આમ પરેશ પટેલે ડોકટર બની એકસપાયરી ડેટવાળી આયુર્વેદિક દવાઓ, શીરપ વેંચી રોકડી કરવાના ધંધા આદર્યાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે. પાંચેક વર્ષથી તે ડોકટરનું લેબલ લઇને ફરતો હોવાનું પણ ખુલ્યું છે. આ મામલે પણ તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

(3:01 pm IST)