Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

જય જય પરશુરામ... નો નાદ ગુંજ્‍યો : શોભાયાત્રાનો પ્રારંભ

પંચનાથ મંદિરેથી શોભાયાત્રા શરૂ, ભૂદેવો ઉમટી પડયા : શહેરના જાહેર માર્ગો ઉપર ફરી રાત્રે વેજાગામ સ્‍થિત પરશુરામ મંદિરે સમાપન

રાજકોટ, તા. ૨ : ભગવાન વિષ્‍ણુના છઠ્ઠા અવતાર આરાધ્‍યદેવ ભગવાન શ્રી પરશુરામજીનો પ્રાગટય દિવસ એટલે અક્ષર તૃતીયા (અખાત્રીજ)ના પવિત્ર દિવસે ભૂદેવો દ્વારા અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજનો થયા છે તો દાદાની જન્‍મજયંતિ નિમિતે ભવ્‍યાતિભવ્‍ય શોભાયાત્રાનો આ લખાય છે ત્‍યારે પ્રારંભ થયો છે.

ભગવાન શ્રી પરશુરામ જન્‍મોત્‍સવ સમિતિ દ્વારા સાંજે ૪ વાગ્‍યે શ્રી પંચનાથ મંદિરેથી શોભાયાત્રાનો પ્રારંભ થઈ છે. જે ત્રિકોણબાગ, ગેસ્‍ફોર્ડ ટોકીઝ, માલવીયા ચોક, ડો.યાજ્ઞિક રોડ, ઈજનેર કચેરી, સ્‍વામી વિવેકાનંદજીની પ્રતિમા, જાગનાથ પોલીસ ચોકી, સર્વેશ્વર ચોક, અકિલા સર્કલ (જીલ્લા પંચાયત ચોક), કિશાનપરા ચોક, આમ્રપાલી રોડ, હનુમાન મઢી ચોક, બ્રહ્મસમાજ ચોક, રૈયા ચોકડી, રૈયા ગામ થઈ વેજાગામ રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે શોભાયાત્રાનું સમાપન થશે. ત્‍યારબાદ મહાઆરતી અને મહાપ્રસાદનું પણ આયોજન થયુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પરશુરામ જન્‍મોત્‍સવ અંતર્ગત છેલ્લા કેટલાક દિવસોથી ભૂદેવો દ્વારા અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં ત્રિકોણબાગ અને બહુમાળી ભવન ચોક ખાતે ભગવાન શ્રી પરશુરામદાદાની મૂર્તિનું સ્‍થાપન કરી દરરોજ સાંજે મહાઆરતી બાદ વિવિધ સાંસ્‍કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.

(4:22 pm IST)