Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

શહેરમાં કોરોનાનો ફરી પગ પેસારો : ગઇકાલે ૪ કેસ નોંધાયા

ટોપલેન્‍ડ રેસીડેન્‍સીમાં ૩ તથા નંદભૂમિ રેસિડેન્‍સીમાં ૧ રિપોર્ટ પોઝિટિવ : તમામ દર્દી હોમ આઇસોલેટેડ : હાલ ૬૦ દર્દી સારવાર હેઠળ : કુલ કેસનો આંક ૬૩,૭૦૦

રાજકોટ તા. ૩ : સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના છેલ્લા બે મહિના બાદ શહેરમાં ગઇકાલે એક સાથે ૪ રિપોર્ટ પોઝિટિવ આવતા લોકોમાં ભય ફેલાયો છે. આજે બપોર સુધીમાં એક પણ કેસ નોંધાયો નથી.

આ અંગે મનપાના આરોગ્‍ય શાખાના સત્તાવાર સૂત્રોના જણાવ્‍યા પ્રમાણે શહેરના રૈયા રોડ અને યુનિવર્સિટી રોડ વિસ્‍તારમાં ગઇકાલે નવા કોરોના કેસ નોંધાયેલા ૪ પૈકી રૈયા રોડ પર ટોપલેન્‍ડ રેસીડેન્‍સીમાં રહેતા ૬૩ અને ૬૭ વર્ષીય વૃધ્‍ધ તેમજ ૧૯ વર્ષીય યુવાન તથા યુનિવર્સિટી રોડ પર નંદભૂમિ રેસીડેન્‍સીમાં ૨૯ વર્ષીય યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્‍યો છે. કુલ ૬ કેસ થઇ ગયા છે. આ તમામ દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ સારવાર લઇ રહ્યા છે.

મ્‍યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્‍યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્‍યા સુધીમાં ૦ કેસ નોંધાયા છે. શહેરમાં અત્‍યાર સુધીમાં કુલ ૬૩,૭૦૦ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ  ૬૩૧૯૫દર્દીઓએ કોરોનાને હરાવ્‍યો છે. ગઇકાલે કુલ ૫૫૪ સેમ્‍પલ લેવાયા હતા. જેમાં ૪ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૦ ટકા થયો હતો. આજ દિન સુધીમાં ૧૭,૯૪,૧૪૩ લોકોનાં  ટેસ્‍ટ કરવામાં આવ્‍યા છે. જેમાંથી સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૩.૫૫ ટકા થયો છે. રિકવરી રેટ ૯૯.૨૦ ટકાએ પહોંચ્‍યો છે. ગઇકાલે ૨ દર્દીઓએ કોરોનાને હરાવ્‍યો છે.

(4:10 pm IST)