Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

ઉન્‍નાવના સાંસદ સાક્ષીજી મહારાજ કાલે રાજકોટમાં : આર્શીવચન પાઠવશે

ભાજપના ધુરંધરો લોધા ક્ષત્રિય કલ્‍યાણસિંહ, ઉમા ભારતી, પ્રહલાદ પટેલની હરોળના દિગ્‍ગજ નેતા : લોધા સમુદાયને આર્શીવચન પાઠવશે : લોધા ક્ષત્રિય જ્ઞાતિના મંદિરે દર્શન કરશે : ઢગલાબંધ કાર્યક્રમો

રાજકોટ : સ્‍વામી સચ્‍ચિદાનંદ હરિ સાક્ષીજી મહારાજ જેમને સાક્ષી મહારાજ તરીકે પણ ઓળખવામાં આવે છે તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા ભારતીય રાજકીય અને ધાર્મિક નેતા છે. તેઓ લોધા ક્ષત્રિય જ્ઞાતિના છે. તેમણે ઉત્તરપ્રદેશના ઉન્‍નાવથી ૨૦૧૪ની સામાન્‍ય ચૂંટણી જીતી હતી. તેમણે ૧૯૯૧માં મથુરા, ૧૯૯૬ અને ૧૯૯૮માં કરૂખાબાદથી ભારતીય સામાન્‍ય ચૂંટણી પણ જીતી હતી. તેઓ ૨૦૦૦ થી ૨૦૦૬ સુધી રાજયસભાના સભ્‍ય પણ રહ્યા હતા. તેઓ પીએચડીની ડિગ્રી ધરાવે છે અને સાક્ષી મહારાજ ગ્રુપના બેનર હેઠળ ભારતભરમાં વિવિધ શૈક્ષણિક સંસ્‍થાઓ અને આશ્રમો ચલાવે છે જેના માટે તેઓ હાલના ડિરેકટર તરીકે પણ સેવા આપી રહ્યા છે.
સચ્‍ચિદાનંદ હરિ સાક્ષી મહારાજનો જન્‍મ ઉત્તરપ્રદેશના કાસગંજ જીલ્લાના સાક્ષી ધામમાં થયો હતો. સાક્ષી મહારાજ લોધા ક્ષત્રિય સમુદાયના છે જેને ઉત્તરપ્રદેશમાં અન્‍ય પછાત વર્ગ તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. શરૂઆતમાં સાક્ષી મહારાજ બીજેપી સાથે સંકળાયેલા હતા અને લોધા ક્ષત્રિય સમુદાયના અન્‍ય બીજેપી નેતા અને ઉત્તરપ્રદેશના ભૂતપૂર્વ મુખ્‍યમંત્રી તથા ભૂતપૂર્વ રાજયપાલશ્રી કલ્‍યાણસિંહ અને બીજેપીના અન્‍ય નેતા કલરાજ મિશ્રા સાથે તેમના ગાઢ સંબંધો હતા. તેઓ ૧૯૯૧માં મથુરા, ૧૯૯૬ અને ૧૯૯૮માં લોધા ક્ષત્રિય સમાજની બહુમતી ધરાવતા ફરૂખાબાદથી લોકસભામાં ચૂંટાયા હતા. સાક્ષી મહારાજ રામ જન્‍મભૂમિ ચળવળ સાથે સંકળાયેલા છે. સમગ્ર ભારતમાં પીડિત લોકોની સેવા માટે ૧૦૦થી વધુ ધાર્મિક કેન્‍દ્રો તેમના દ્વારા ચલાવવામાં આવે છે.
૨૦૧૨માં તેઓ ભાજપમાં જોડાયા હતા અને ૨૦૧૪ની સામાન્‍ય ચૂંટણીમાં તેમણે ઉન્‍નાવમાંથી ભાજપ માટે ચૂંટણી લડી હતી. સાક્ષી મહારાજ શ્રી નિર્મળ પંચાયતી અખાડાના આચાર્ય મહામંડલેશ્વરનું બિરૂદ ધરાવે છે. સંત સમાજમાં આ પદને જગદ્દગુરૂ શંકરાચાર્ય સમકક્ષ ગણવામાં આવે છે. તેઓ સાક્ષી મહારાજ ગ્રુપના ડીરેકટર પણ છે. જેની ભારતમાં ૧૭ શૈક્ષણિક સંસ્‍થાઓ અને અનેક આશ્રમો છે. સાક્ષી મહારાજે ગીતા દર્શન, સિદ્ધાંત ઉપદેશ, સરળ વિવેક વિચારમાળા જેવા ઘણા પુસ્‍તકો લખ્‍યા છે.
સમગ્ર ભારતમાં લોધા ક્ષત્રિય સમાજ બહોળુ પ્રભુત્‍વ ધરાવે છે. ઉત્તરપ્રદેશના ભૂતપૂર્વ મુખ્‍યમંત્રી અને રાજયપાલ રહી ચુકેલા શ્રી કલ્‍યાણસિંહ, મધ્‍યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્‍યમંત્રી ઉમા ભારતીજી, વર્તમાનમાં કેન્‍દ્રીય કેબીનેટ મંત્રી પ્રહલાદ પટેલ, સ્‍વતંત્રતા સંગ્રામમાં શહીદ વિરાંગના રાણી અવંતીભાઈ લોધી, ૧૮૪૨ની બુંદેલ ખંડની ક્રાંતિના મહાનાયક રાજા હિરદેશાહ લોધી, હૈદ્રાબાદના ટી. રાજા ભૈયા ઈત્‍યાદી મહાનુભાવો લોધા ક્ષત્રિય જ્ઞાતિના છે. નજીકના ભવિષ્‍યમાં રાજકોટ ખાતે લોધા ક્ષત્રિય જ્ઞાતિનું વિશાળ લોધા સંમેલન યોજવાનું આયોજન પણ વિચારાધીન છે.
સાક્ષીજી મહારાજ રાજકોટ સ્‍થિત લોધા ક્ષત્રિય રાજપૂત સમાજના સમુદાયને આવતીકાલે તા. ૪-૫ના બુધવારે સવારે ૧૦ કલાકે વિરાંગના રાણી અવંતીબાઈ લોધી હોલ ખાતે લોધા સમુદાયને સંબોધીત કરી આર્શીવચન આપશે. સાક્ષીજી મહારાજ તેમની મુલાકાત દરમિયાન રામનગર ખાતે લોધા ક્ષત્રિય જ્ઞાતિના મંદિરની મુલાકાત લેશે. ત્‍યારબાદ વિજય પ્‍લોટ ખાતે લોધા ક્ષત્રિય સમાજની વાડીમાં માતાજીના મંદિરે દર્શન કરી વિરાંગના રાણી અવંતીબાઈ લોધી હોલ ખાતે પ્રસ્‍થાન કરશે.
સાક્ષીજી મહારાજ શુભેચ્‍છા મુલાકાત અને લોધા ક્ષત્રિય સમુદાય જ્ઞાતિના સ્‍નેહ સંમેલનના આયોજનને સફળ બનાવવા માટે લોધા ક્ષત્રિય સમુદાય રાજકોટના સમગ્ર જ્ઞાતિ બંધુઓ તથા શ્રી ઉમેદ જરીયા, કેતન જરીયા, નીતીન જરીયા, ભાવસિંગભાઈ જરીયા, વિનુભાઈ જરોલી, સુરેશભાઈ જરીયા, પ્રતાપભાઈ જરીયા, રમેશભાઈ જરીયા, રાજુભાઈ જરીયા અને ફુલ્‍સીંગભાઈ જરીયા તેમજ રાજકોટ સ્‍થિત સમગ્ર લોધા ક્ષત્રિય સમુદાય જહેમત ઉઠાવી રહ્યો છે. સાક્ષીજી મહારાજની શુભેચ્‍છા મુલાકાતના અનુસંધાને સમગ્ર લોધા ક્ષત્રિય સમુદાય જ્ઞાતિમાં ઉત્‍સાહ અને આનંદની લાગણી જોવા મળી રહી છે

તેજતર્રાર સાક્ષીજી મહારાજનો પરિચય
* સચ્‍ચિદાનંદ હરિ સાક્ષી મહારાજનો જન્‍મ ઉત્તરપ્રદેશના કાસગંજ જિલ્લાના સાક્ષી ધામમાં થયો હતો. તેઓ લોધા ક્ષત્રિય સમુદાયના છે.
* ૧૯૯૧માં મથુરા, ૧૯૯૬ અને ૧૯૯૮માં ફરૂખાબાદથ લોકસભામાં ચૂંટાયા હતા. રામ જન્‍મભૂમિ ચળવળ સાથે સંકળાયેલા. દેશભરમાં પીડિત લોકોની સેવા માટે ૧૦૦ થી વધુ ધાર્મિક કેન્‍દ્રો તેમના દ્વારા ચલાવવામાં આવે છે.
* તેઓ શ્રી નિર્મળ પંચાયતી અખાડાના આચાર્ય મહામંડલેશ્વરનું બિરૂદ ધરાવે છે. સંત સમાજમાં આ પદને જગદ્દગુરૂ શંકરાચાર્ય સમકક્ષ ગણવામાં આવે છે.
* સાક્ષી મહારાજ ગ્રુપના ડિરેકટર છે. જેની ભારતભરમાં ૧૭ શૈક્ષણિક સંસ્‍થાઓ અને અનેક આશ્રમો છે. ગીતા દર્શન સિદ્ધાંત ઉપદેશ, સરળ વિવેક વિચારમાળા જેવા ઘણા પુસ્‍તકો લખ્‍યા છે.

 

(11:53 am IST)