Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

હિટવેવમાં પણ ૩૦ રોઝા પછી રમઝાન ઇદનો ચોમેર ઉલ્લાસ

સોમવારે સ્‍પષ્‍ટ ચંદ્રદર્શન બાદ આજે સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સર્વત્ર ‘ઇદુલ ફિત્ર'ની થયેલ શાનદાર ઉજવણી : રાજકોટ સહિતની ઇદગાહોમાં વિશેષ નમાઝ પઢાઇઃ દેશની સુખ-સમૃધ્ધિ માટેની થયેલી દુઆઓ

સામુહિક દુઆ : આજે સવારે ઇદુલ ફિત્રની વિશેષ નમાઝ સર્વત્ર પઢવામાં આવી છે ત્‍યારે રાજકોટ શહેરની ઇદગાહ ઉપર પણ ઇદની નમાઝ પઢવા મુસ્‍લિમ ભાઇઓ મોટી માત્રામાં એકત્ર થયા હતા અને ભરપૂર હાજરી વચ્‍ચે ઇદની ખાસ નમાઝ પઢી સામૂહિક દુઆ કરી હતી તે તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૩ :.. આકરા તાપની પરવા નહી કરીને પણ રોઝાદારોએ આકરી તપસ્‍યા પૂરી કરી અને ૩૦ રોઝા પુરા કરવાની સાથે આજે મુસ્‍લિમ સમાજ ઇદ ઉજવી રહ્યો છે.

છેલ્લા એક મહિનાથી ચાલી રહેલ પવિત્ર રમઝાન માસના ૩૦ રોઝા આકરા તાપ, કાળઝાળ ગરમી, ભારે તડકા, બફારા, પરસેવા વચ્‍ચે મુસ્‍લિમ સમાજે રાખી પૂરા કરતા અને ગઇ સાંજે ચંદ્ર દર્શન થતા આજે પરંપરાગત ‘ઇદુલ ફિત્ર' ની ઉત્‍સાહભેર ઉજવણી કરી હતી.

૩૦ રોઝા ઉપરાંત રાત્રીના મોડે સુધી તરાવીહની નમાઝ નામે ઇબાદત કરી અને સતત પવિત્રતામાં મશગૂલ રહી પુણ્‍યનું ભાથુ બાંધ્‍યા બાદ મળેલ આત્‍મ શુધ્‍ધિના અવસરરૂપ આજે ઇદની ઉજવણીમાં મુસ્‍લિમ સમાજ ઓતપ્રોત થઇ ગયો હતો.

ખાસ કરીને ઇદુલફિત્રના દિવસે વિશેષતઃ આજે સવારે મુસ્‍લિમ સમાજે ઇદની નમાઝ પઢી હતી અને નમાઝ પૂર્ણ થયા પછી એક સાથે લાખો હાથ ખુદાનો દરબારમાં દુઆ માટે ઉઠયા હતા અને તે પછી શુભેચ્‍છાઓની આપ-લે થઇ હતી. અને હિન્‍દુ-મુસ્‍લિમ બિરાદરોએ     અરસ-પરસ   મુબારકની આ-લે કરતા કરતા ચોમેર ભાઇચારાની ભાવના દર્શાઇ હતી.

રાજકોટમાં આજે સવારે બે ઇદગાહ, બે દરગાહના મેદાન, અને ૩૭ મસ્‍જીદોમાં મળી ૪૧ જેટલા સ્‍થળોએ તેમજ શહેરના ૮ જેટલા કોઠારીયા, શાપર, માલિયાસણ જેવા નજીકના પરા વિસ્‍તારની મસ્‍જીદોમાં ઇદની વિશેષ નમાઝ પઢવામાં આવી હતી.

એ જ રીતે પોરબંદર, પ્રભાસ પાટણ, વેરાવળ, જુનાગઢ, ધોરાજી, ઉપલેટા, ગોંડલ, ભાવનગર, સુરેન્‍દ્રનગર, વાંકાનેર, બેડી, સલાયા, જામનગર સહિતના મુસ્‍લિમ બહુમતીવાળા શહેરો કે ગામોમાં ઇદની  ઉજવણી કરવામાં આવી હતી.

રાજકોટમાં ઢેબર રોડ ઉપર શહેર ઇદગાહમાં જામ્‍એ મસ્‍જીદના ઇમામ મૌલાના મો. હુસૈન રઝવી તથા સદર ઇદગાહમાં સદર જામ્‍એ મસ્‍જીદના હાફીઝહાજી અકરમખાં પઠાણ તથા લાલપરી તળાવ દરગાહે મૌલાના મો. અનવરમીંયા અશરફી તથા રૈયા હઝરત ગૈબનશાહ પીરની   દરગાહના મેદાનમાં અબ્‍દુલ રશીદ નૂરી બંગાલીની નેતાગીરીમાં લોકો ઇદની નમાઝ પઢવા માટે ઉમટી પડયા હતાં.

 રાજકોટ શહેરની જે તે વિસ્‍તારોમાં આવેલી ૩૭ જેટલી મસ્‍જીદોમાં પણ મુસ્‍લિમ બિરાદરો જયાં જગ્‍યા મળી ત્‍યાં ઇદની નમાઝ પઢવા માટે એકત્ર થયા હતા. સવારે ૭ વાગ્‍યાથી ૧૦ વાગ્‍યા સુધી ઇદની નમાઝ માટે ચહલ-પહલ રહી હતી.

ઇદના પવિત્ર દિવસે ફાતેહ સૌરાષ્‍ટ્ર હઝરત મૌલાના મુહમ્‍મદ ઇસ્‍હાક હશમતી અને ફખ્રે રાજકોટ હઝરત મૌલાના મો. નૈયર રઝા નૂરી (અલૈહીર્રહમા) માટે ગંજીવાડામાં ઇસાલે સવાબ કરી તેઓની જરૂરીયાત મહેસુસ કરતા તે બન્નેને અંજલી અર્પીત કરાઇ હતી. જયારે કુતુબેશહર સૈયદીના સરકાર ગેબનશાહ પીર અને મખ્‍દુમે સૌરાષ્‍ટ્ર હઝરત તુર્કીબાવા (અલહીર્રહમા) ની દરગાહ તથા કબ્રસ્‍તાનમાં શ્રાધ્‍ધતર્પણ માટે ઇદ નિમિતે દિવસ દરમ્‍યાન લોકો મોટી સંખ્‍યામાં ઉમટી પડયા હતાં.

બીજી તરફ આકરો તાપ સહન કરીને રમઝાનના રોઝા મોટેરા જ નહીં પણ નાના નાના બાળકો અને યુવાનોએ પણ છોડયા ન હતા અને ૩૦ રોઝા સરળતાથી પૂરા કર્યા પછી ગઇ સાંજે ઇદનો ચંદ્ર આકાશમાં સ્‍વચ્‍છ રીતે બહાર આવી જતા રોઝાદારો ઉત્‍સાહમાં આવી ગયા હતા અને જેના લીધે આજે ઇદની ભારે ચહલ-પહલ જોવા મળી હતી.

રાજકોટ શહેરના રેસકોર્સ આજી પાર્ક સહિતના જાહેર સ્‍થળોએ પણ મુસ્‍લિમ સમાજના પરિવારો બાળકોને લઇ ઇદનો હર્ષ વ્‍યકત કરવા ઉમટી પડયા હતા જેના લીધે આજે આખો દિ' ઇદનો ઉત્‍સાહ ઉલ્લાસ ચોમેર છવાઇ જવા પામ્‍યો હતો.

અત્રે એ નોંધનીય છે કે, આ રમઝાન મહીનો શરૂ થવાના પૂર્વે ભારતભરમાં ચંદ્ર દર્શન સ્‍પષ્‍ટ થયેલ એમ રમઝાન માસ પૂર્ણ થવાના આરે પણ ચંદ્ર દર્શન સ્‍પષ્‍ટ થયેલ હોઇ રમઝાન માસ કે ઇદ ઉજવણી માટે કોઇ બાધા સર્જાઇ ન હતી.

બીજી તરફ સને ર૦૧૭, ૧૮, ૧૯ માં સતત ત્રણ વર્ષ ર૯ રોઝા થયા હતા જયારે લોકડાઉન-મહામારી વચ્‍ચે પણ ર૦ર૦-ર૧ માં ૩૦ રોઝા થયા પછી સતત હવે ત્રીજા વર્ષ ર૦રર માં પણ ૩૦ રોઝા પુરા આ વખતે થયા છે.

ઇસ્‍લામી પંચાગ ચંદ્રદર્શન ઉપર આધારિત હોઇ ચંદ્ર દેખાયા પછી જ જે તે મહીનાની શરૂઆત ગણાય છે પણ આ વખતે કેલેન્‍ડર, પંચાગ, તારીખિયુ સહિતના તમામસ્ત્રોતોનો એક સરખો જ નિર્દેશ હોવાથી પ્રથમ જ વાર કેલેન્‍ડર મુજબ રમઝાન માસ શરૂ થઇ પુર્ણ થયેલ.

જયારે આ વખતે રોઝો પોણાપંદર કલાકનો રહ્યો હતો અને પહેલા રોઝાથી જ હિટવેવ રહ્યો હતો જે ૩૦ રોઝા સુધી તાપમાનનો પારો ઉંચો રહ્યો હતો અને ૪૦-૪૧ ડીગ્રી બાદ છેલ્લા રોઝાના દિવસોમાં તો તાપમાન ૪ર ડીગ્રી ઉપર થઇ ગયું હતું. આમ રોઝાદારોએ આકરા તાપમાં પણ આકરી તપસ્‍યા પુરી કરી હતી. 

હઝરત અહેમદશાપીરનો ઉર્ષ

હઝરત અહેમદશાપીરની દરગાહ જે ચૌધરી હાઇસ્‍કુલ પાસે, ઉમેશ કોમ્‍પલેક્ષની બાજુમાં હોસ્‍પીટલ ચોકની પાસે આવેલ છે. હબીબભાઇ ગનીબાપુ કટારીયાના નિવાસ સ્‍થાને (સદર બજાર મેઇન રોડ, નિશાંત રેસ્‍ટોરેન્‍ટ)થી શોળ સાથે ઝૂલૂસના રૂપમાં સાંજે પ-૩૦ વાગ્‍યે બુધવારે નિકળી હઝરત અહેમદશાહપીરે પહોંચશે. ત્‍યારબાદ શોળ મઝાર પર ચડાવવામાં આવશે.

હઝરત અહેમદશાપીરના ઝૂલૂસમાં સદર જુમ્‍મા મસ્‍જીદના પેશ ઇમામ હાજી અકરમબાપુ રફીકભાઇ ઇશાકભાઇ દલવાણી, સાજીદભાઇ હાજી અ. રહેમાનભાઇ ખોખર, રફીકબાપુ બુખારી, યુસુફભાઇ સીદીકભાઇ બ્‍લોચ (મકરાણી), અજીતભાઇ જૂણેજા, મહેબુભાઇ બેલીમ, હાજી હુસેનભાઇ માંડલીયા, આસીફભાઇ બેલીમ, હાજી કાસમભાઇ લાખા, રીઝવાનભાઇ બેલીમ, ઇરફાનભાઇ ઠેબા, મુરાદભાઇ દલવાણી, શેખ યાસીનભાઇ, શેખ ઇમરાનભાઇ અને સદરના આગેવાનો સામેલ રહેશે.

ગુસલ માટે મુંજાવર ઇમરાનશા શાહમદાર તેમજ જ. રફીકબાપુ રજાકમીયા બુખારી, સંદલ ચડાવશે. તેથી દરેક હિન્‍દુ - મુસ્‍લીમ ભાઇઓએ અચૂક હાજરી આપશે તેમ એક યાદીમાં જણાવે છે.

૩૦ રોઝા પુરા કરતો ૭ વર્ષનો બાળ રોઝાદાર ફૈઝ સમા

પૂર્વ કોર્પોરેટર બીબબેન સમા તથા રાજકોટ શહેર ભાજપ લઘુમતી મોરચાના પૂર્વ મહામંત્રી મર્હુમ હબીબભાઇ સમાના પૌત્ર અને ભાજપ લઘુમતી મોરચાના મંત્રી યુવા કાર્યકર અમીનભાઇ સમાના પુત્ર ફૈઝ ઉ.૭ એ ઉનાળાની કાળજાળ ગરમીમાં પણ ૩૦ રોજા પુર્ણ કરી આ બાળ રોજેદારે આખો રમઝાન માસ અલ્લાહની બંદગી કરી. અને રમઝાન માસની આ બંદગીમાં ભારતમાં ભાઇચારાની ભાવના જળવાયેલી રહે અને અમન અને શાંતિ રહે અને વિશ્વભરમાં ભારત દેશનું ખુબ જ ઉચું નામ થાય તે માટે પણ દુઆ કરેલ છે.

બાળ રોઝાદારો

રમઝાન માસ ગઇકાલે પૂરો થયો એ દરમિયાન મોટેરાઓની સાથે અનેક ભૂલકા અને બાળકોએ પણ રોઝા રાખ્‍યા હતાં. રાજકોટના રામનાથપરા વિસ્‍તારમાં રહેતા મુસ્‍લિમ પરિવારના બાળકો અનિષ મિરઝા, આયેશા મિરઝા, ઇહાન મલેક તથા નવાઝ મોહસીન ચૌહાણએ પણ રમઝાનના રોઝા રાખી બંદગી કરી હતી. (પ-રર)

સદર વિસ્‍તારમાં આવેલી ઇદગાહે આજે સવારે ઇદની નમાઝ પઢવા માટે ભારે માત્રામાં મુસ્‍લિમો ઉમટી પડયા હતા અને ઇદગાહની બહાર પણ નમાઝ પઢવા માટે જગ્‍યા મળી ન હતી. તેમ હબીબભાઇ કટારીયાએ જણાવ્‍યુ છે.

૪૦ દિ' પૂર્વનો ‘અકિલા'નો અહેવાલ સત્‍ય ઠર્યો  : ગઇ સાંજે સોમવારે મુસ્‍લીમ ધર્મનો પવિત્ર રમઝાન માસ પૂર્ણ થયો અને આજે ઇદની ઉજવણી થઇ રહી છે. આ અંગેના એક સચોટ અહેવાલ રમઝાન માસ શરૂ થવાના ૯ દિ' પહેલાં તા. રપ-૩-રર ના રોજ ‘અકિલા' દૈનિકમાં પ્રસિધ્‍ધ થયેલ જે અક્ષરસઃ સંપૂર્ણ સત્‍ય ઠર્યો છે. જેમાં ઉલ્લેખનીય રમઝાન પ્રારંભનો સમય,   અન્‍ય તહેવાર  પ્રસંગોની ઉજવણી, સમય ઉપરાંત તાપમાન, ગરમી અને ચંદ્ર દર્શન  ઇદ સહિતની ઉલ્લેખનીય બાબતો સંપૂર્ણ સત્‍ય ઠરી છે જેની પ્રતિકૃતિ અહી રજૂ છે. રમઝાન માસ ગત તા. ૩-૪-રર ના શરૂ થયો હતો જે ગઇકાલે પૂરો થયો છે.

(4:46 pm IST)