Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

મ.ન.પા.માં કોમ્પ્યુટરાઇઝેશનનાં પ્રણેતા પી.એ.ટુ કમિશ્નર રવિન્દ્રસિંહને ભાવભીનુ નિવૃત્તિ વિદાયમાન

૧૯૮૩માં જુ. કલાર્ક પદે નિયુકત થયા બાદ ફરજ નિષ્ઠાથી કામગીરી કરી આસી. કમિશનરપદ સુધીની ફરજો બજાવી

રાજકોટ, તા. ર : રાજકોટ મહાનગરપાલિકામાં આસિસ્ટન્ટ કમિશનર (ઇન્ચાર્જ) અને પી.એ. ટુ કમિશનર તરીકે ફરજ બજાવતા વરિષ્ઠ અધિકારી શ્રી રવિન્દ્રસિંહ એન. ચુડાસમા ૩૮ વર્ષની સુદીર્ઘ કારકિર્દીને અંતે આજે વય મર્યાદા સબબ નિવૃત્ત થતા તેમને મ્યુનિ. કમિશનર  અમિત અરોરા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં ભાવસભર વિદાયમાન અપાયું હતું. આ પ્રસંગે શાખાધિકારીઓ, અન્ય અધિકારીઓ તથા રવિભાઈના પરિવારજનો ઉપસ્થિત રહયા હતાં. મ્યુનિ. કમિશનર  અમિત અરોરાએ પુષ્પગુચ્છ અને શાલ વડે શ્રી રવીભાઈનું સન્માન કર્યું હતું. તેમજ કમિશનર અને પી.એ.(ટેક) ટુ કમિશનર રસિક રૈયાણી તથા આસી. મેનેજર શ્રી એન. કે. રામાનુજ દ્વારા સ્મૃતિચિહ્ન અર્પણ કરાયું હતું. તો કમિશનર બ્રાંચના સ્ટાફ દ્વારા પણ તેમને સ્મૃતિચિહ્ન અર્પણ કરાયા હતાં.

આ અવસરે મ્યુનિ. કમિશનરશ્રીએ પોતાની લાગણી વ્યકત કરતા કહેલું કે, રવિન્દ્રસિંહ ચુડાસમાએ ૩૮ વર્ષની નોકરીમાં તેમણે રાજકોટ મહાનગરપાલિકામાં અને અંગત જીવનમાં પણ ઘણા પરિવર્તનો અનુભવ્યા હશે. હવે તેમના જીવનની બીજી ઇનિંગ શરૂ થઇ રહી છે ત્યારે તેમના સુખમય અને સુદીર્ઘ ભવિષ્યની શુભેચ્છા પાઠવું છું, આ નોકરીના સમયગાળા દરમ્યાન તેમના પરિવારનો પણ ખુબ અગત્યનો ફાળો રહ્યો છે એ યાદ કરવું જ રહયું.

મ્યુનિ. કમિશનરએ વધુમાં જણાવેલ કે, રાજકોટ મહાનગરપાલિકામાં  કોમ્પ્યુટરાઈઝેશનની શરૂઆત થઇ રહી હતી ત્યારે રવિભાઈએ તેમાં ઓપન માઈન્ડેડ ડ્યુટી કરી મહત્વની ભૂમિકા ભજવી હતી. આ એક નિષ્ઠાવાન અને સંસ્થાને સમર્પિત કર્મચારીની નિશાની છે.

RMCમાં તેમનો સિંહફાળો રહ્યો છે. કોઇ નિવૃત થાય ત્યારે જે-તે સંસ્થાને તેમના અનુભવની ખોટ પડે છે.રવિભાઈ એક નિર્વિવાદિત વ્યકિત રહયા. પી.એ. તરીકે તેમનું પોલાઇટ વર્તન તેમની એક વિશેષ ઓળખ બની રહી અને કમિશનર બ્રાંચના આવા કુશળ અધિકારી થકી રાજકોટ મહાનગરપાલિકાની ઓળખ બનતી હોય છે. કમિશનર બ્રાન્ચમાં વિઝીટર સાથે પી.એ.ના વાણી વ્યવહાર તેમાં મહત્વપૂર્ણ બને છે. તેમણે પોતાની કારકિર્દી દરમ્યાન અનેક લોકો સાથે સંબંધ બાંધ્યા અને નિભાવ્યા એ તેમની મોટી મૂડી છે, તેમ પણ કમિશનર શ્રી અમિત અરોરાએ જણાવ્યું હતું.

આ પ્રસંગે ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણીએ તેમના અનુભવો શેર કરતા એમ કહ્યું હતું કે, હું સને ૧૯૯૭માં રાજકોટ મહાનગરપાલિકામાં નોકરી પર હાજર થયો ત્યારે પ્રથમવાર રવિભાઈની સાથે પ્રથમ મુલાકાત થઇ હતી, અને રવિભાઈ ત્યારે જેવા હતાં એવા જ આજે પણ છે. એક વ્યકિત તરીકે અને એક પ્રોફેશનલ તરીકે તેઓ એક ઉમદા વ્યકિત બની રહયા છે. તેમણે કમિશનર બ્રાન્ચની ખુબ જ અઘરી ફરજ કુશળતાપૂર્વક નિભાવી છે.

આ તકે ડેપ્યુટી કમિશનર શ્રી એ.આર.સિંહે તેમના વિચારો વ્યકત કરતા એમ કહ્યું હતું કે રવિભાઈ એક વેલ મેનર્ડ અને સેલ્ફ ડિસિપ્લિન્ડ ઓફિસર બની રહયા. તેમણે કમિશનર બ્રાન્ચની કપરી જોબ દરમ્યાન સૌ કોઈને ખુબ સારીરીતે હેન્ડલ કર્યા હતાં.

રાજકોટ મહાનગરપાલિકાના ભૂતપૂર્વ ડેપ્યુટી કમિશનર સને હાલ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના સી.ઈ.એ. શ્રી ચેતન ગણાત્રાએ પણ પોતાના અનુભવો વર્ણવતા એમ કહ્યું હતું કે, રવિભાઈ કમિટેડ, ડેડીકેટેડ, મિતભાષી અને ઓલ્વેઈઝ અવેલેબલ અધિકારી બની રહયા અને ક્યારેય તેમને ગુસ્સે થતા નથી જોયા.

આ કાર્યક્રમની શરૂઆતમાં એડીશનલ સિટી એન્જિનિયર શી એમ.આર. કામલિયાએ સ્વાગત પ્રચન કર્યું હતું અને રવિભાઈએ મનપાના કોમ્પ્યુટરાઈઝેશનમાં આપેલા ઉમદા યોગદાન અને કમિશનર બ્રાન્ચની પડકારજનક ફરજમાં તેમણે મેળવેલી સફળતા વિશે વાતો કરી હતી. આ નિવૃત્તિ સન્માન સમારંભનું સંચાલન આસી. કમિશનર શ્રી એચ.આર.પટેલે કર્યું હતું અને રવિભાઈ સાથેની કામગીરીના અનુભવો શેર કર્યા હતાં.

  • રવિન્દ્રસિંહ એન. ચુડાસમાની કારકિર્દી પર એક નજર

એક જુનિયર કલાર્ક ધારે તો ક્યાંથી ક્યાં પહોંચી શકે અને તે કેવીકેવી મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી શકે તેમજ પોતાના વરિષ્ઠ અધિકારીઓનો અતૂટ વિશ્વાસ પણ સંપાદિત કરી શકે તેનું શ્રેષ્ઠ દ્રષ્ટાંત એટલે આસિસ્ટન્ટ કમિશનર (ઇન્ચાર્જ) અને પી.એ. ટુ કમિશનર તરીકે ફરજ બજાવતા વરિષ્ઠ અધિકારી શ્રી રવિન્દ્રસિંહ એન. ચુડાસમા.

     માત્ર એટલુંજ નહીં પણ એક જુનિયર કલાર્ક હોવા છતાં મહાનગરપાલિકાને મોડર્ન યુગમાં લઈ જવા માટે અત્યંત આવશ્યક એવા કોમ્પ્યુટરાઈઝેશન પ્રોજેકટમાં સર્વશ્રેષ્ઠ કામગીરી કરી અન્ય કર્મચારીઓ અને અધિકારીઓ માટે પ્રેરણા મૂર્તિ બન્યા. અમિન માર્ગ પર બનાવવામાં આવેલ રાજકોટ મહાનગરપાલિકાના સર્વપ્રથમ કોમ્પ્યુટરાઇઝડ સિટી સિવિક સેન્ટર સ્થાપવામાં તેમણે જે યોગદાન આપ્યું હતું તેને તત્કાલીન મ્યુનિ. કમિશનર શ્રી મુકેશ કુમારે ખુબ સરાહના કરી પ્રશસ્તિ પત્ર પણ એનાયત કર્યું હતું.

     પાટીદાર આંદોલન વખતે સુરક્ષા શાખા સાથે રહી રાત્રે પણ ફીલ્ડ વર્કમાં રહી રાજકોટ મહાનગરપાલિકાની મિલકતોને નુકશાન ન થાય તે માટે સતત સતર્ક રહયા હતાં,

     આ ઉપરાંત ભારે વરસાદ અનુસંધાને મહાનગરપાલિકાના રાઉન્ડ ધ કલોક કન્ટ્રોલ રૂમનું સમગ્ર માળખું તૈયાર કરી તેની સફળ અમલવારી કરાવી શ્રેષ્ઠ કામગીરી કરી હતી.

     રાજકોટ મહાનગરપાલિકાની ઇન હાઉસ ભરતી માટેની સર્વપ્રથમ પરીક્ષાથી માંડીને અત્યાર સુધીમાં આશરે ૧૩૦ જેટલી પરીક્ષાઓમાં ઓવરઓલ સુપરવિઝનની મોટી જવાબદારી પણ સફળતાપૂર્વક અને કોઇપણ પ્રકારના આક્ષેપ કે વિવાદ વગર સંપૂર્ણ પ્રમાણિકતા અને પારદર્શકતા સાથે નિભાવી હતી. આ પરીક્ષાઓ માટેના પેપર સેટ કરવાથી માંડીને માર્કશીટ તૈયાર કરવા સુધીની કામગીરી સંપૂર્ણ નિષ્ઠા સાથે બજાવી હતી.

         શ્રી રવિન્દ્રસિંહ એન. ચુડાસમા તા. ૧૩-૦૧-૧૯૮૩ના રોજ આરોગ્ય અને ફૂડ શાખામાં જુનિયર કલાર્ક તરીકે નિમણુંક પામ્યા હતાં. આ પછી તેમણે માર્કેટ, ચૂંટણી, શોપ, એસ.ડબલ્યુ.એમ. સ્ટોર, સેન્ટ્રલ સ્ટોર, મહેકમ-જી.એ.ડી.,માં ફરજ બજાવી હતી. સને ૧૯૮૯મા તેમને કોમ્પ્યુટર વિભાગમાં નિમણુંક મળી હતી. સને ૨૦૦૨ માં જુનિયર કલાર્ક કેડરમાંથી જંપ લગાવી તેમણે શોપ ઇન્સ્પેકટર તરીકે નિમણુંક મેળવી હતી. સાથોસાથ સેન્ટ્રલ સ્ટોરના સંચાલક તરીકે પણ જવાબદારી સંભાળી. તેમની વહીવટી કુશળતાને ધ્યાને લઈને તેમને સને-૨૦૦૫ માં ઓફિસ સુપ્રીન્ટેન્ડન્ટ તરીકેની વધારાની જવાદારી પણ સુપરત થઇ હતી. ત્યારબાદ સને – ૨૦૦૭ માં તત્કાલીન મ્યુનિ. કમિશનર શ્રી આરતી કંવર મેડમના કાર્યકાળમાં તેઓ કમિશનર બ્રાન્ચમાં પી.એ. ટુ કમિશનર તરીકે નિયુકત થયા હતાં અને પછી શ્રેષ્ઠ કામગીરીના પરિણામે સને-૨૦૦૧૩ માં સહાયક કમિશનર તરીકેનો ચાર્જ પણ તેમણે સોંપવામાં આવ્યો હતો. ઈસ્ટ ઝોનના સહાયક કમિશનર તરીકે ટેકસ, એસ્ટેટ વગેરે શાખાની જવાબદારી સફળતાપૂર્વક સંભાળી હતી. આ પછી તેમણે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને સુરક્ષા વિભાગના સહાયક કમિશનર તરીકે વધુ જવાબદારી સોંપવામાં આવી હતી. સને-૨૦૧૫ માં પોતાની કુશળતા વધુ એક વાર પૂરવાર કરતા તેમણે આસિસ્ટન્ટ મેનેજરનું પદ પણ પ્રાપ્ત કર્યું હતું.

(4:15 pm IST)