Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

મ.ન.પા. સંચાલીત પ્રધ્યુમન પાર્ક 'ઝુ'માં જન્માષ્ટમીએ રેકોર્ડ બ્રેક ૩૬ હજાર મુલાકાતીઓ નોંધાયા

બે વર્ષ પહેલા એક દિવસમાં ર૬,૬પ૦ મુલાકાતી નોંધાયા હતા તે રેકોર્ડ તુટયો : પ્રાણીની સંગ્રહાલયમાં ચાર દિ'માં કુલ ૮૮,૯૮પ મુલાકાતીઓએ મુલાકત લેતા તંત્રને રૂ.ર૦.૬૪ લાખની આવક થવા પામી

રાજકોટ, તા. ર :  આ વખતે ઐતિહાસીક મેળો રદ કરવામાં આવ્યો હતો. પરંતુ હરવા ફરવાનાં સ્થળોએ મેળાની ગરજ સારી હતી અને મેળા જેટલી ભીડ અન્ય વિસ્તારોમાં થઇ હતી. રાજકોટના રાંદરડા તળાવ પાસે રમણીય વિસ્તારમાં આવેલ અને પાલિકા સંચાલિત પ્રાણીસંગ્રહાલયમાં આઠમના દિવસે અત્યાર સુધીમાં સૌથી વધુ રેકોર્ડબ્રેક ૩૬,૫૮૨ મુલાકાતીઓએ ટિકિટ લઇને લાંબી લાઈનમાં ઉભા રહીને ઝૂમાં પ્રવેશ મેળવ્યો હતો તો સાતમને દિવસે પણ ૨૧ હજાર સહિત કુલ ૮૯ હજારથી વધુ લોકોએ પ્રાણી સંગ્રહાલયમાં રહેલા ૪૦૦થી વધુ પ્રાણીઓ નિહાળ્યા હતા. તંત્રને તા. ર૯ ઓગસ્ટ થી ૧ સપ્ટેમ્બર સુધીમાં રૂ. ર૦.૬૪ લાખની આવક થવા પામી છે. ઉલ્લેખનીય છે કે જેમાં સાંજે છ વાગે એન્ટ્રી બંધ કરવામાં આવે છે છતાં પણ બે વર્ષ પહેલા એક દિવસમાં ૨૬૬૫૦ મુલાકાતી નોંધાયા હતા તે રેકોર્ડ તૂટયો છે.

આ ઉપરાંત રાજકોટના આજી ડેમ તથા ન્યારી ડેમ વિસ્તારમાં અને ત્યાં આવેલા વિશાળ ઉદ્યાનમાં બે દિવસમાં અંદાજે ત્રણ લાખથી વધારે લોકોએ મુલાકાત લીધી હતી જ્યાં એન્ટ્રી ફી નથી. કાલાવડ રોડ તથા ભાવનગર રોડ પર ભારે ટ્રાફિક જામ થયો હતો. શહેરના અન્ય ૧૫૦થી વધારે ઉદ્યાનોમાં પણ લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

(4:15 pm IST)