Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

પ્રવીણકાકાને અવિસ્મરણીય - અતુલ્ય અંજલી પાઠવવામાં આવશેઃ અપૂર્વભાઈ મણીઆર

૧ સપ્ટેમ્બરે પ્રવીણકાકાની ૮૬મી જન્મજયંતી ઉજવાઈ : સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ આરંભશે અનોખો સેવા યજ્ઞ

રાજકોટઃ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા ૧ સપ્ટેમ્બરે પ્રવીણકાકાની ૮૬મી જન્મજયંતી નિમિત્તે ટૂંકસમયમાં પ્રવીણકાકાના વ્યકિતત્વ અને કર્તૃત્વ આધારિત અતુલ્ય અંજલી પાઠવાનું આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર શિક્ષણ સેવા સમાજ ટ્રસ્ટના ચેરમેન તેમજ પ્રવીણકાકાના પુત્ર અપૂર્વભાઈ મણીઆરે આ અંગે વિગત આપતા જણાવ્યું હતું કે ૧ સપ્ટેમ્બર, ૧૯૩૫ના રોજ જન્મેલા અને ૧૩ નવેમ્બર, ૨૦૧૬ના રોજ મહાનિર્વાણ પામેલા સ્વંયસેવક પ્રવીણભાઈ મણીઆર - પ્રવીણકાકાના સમગ્ર જીવન પર આધારિત અંજલી એક કાર્યક્રમ દ્વારા ટૂંકસમયમાં આપવામાં આવશે.

સૌરાષ્ટ્ર શિક્ષણ સેવા સમાજના મેનેજિંગ ટ્રસ્ટી ડો. બળવંતભાઈ જાની, માનદ મંત્રી રમેશભાઈ ઠાકર, કોષાધ્યક્ષ અનિલભાઈ કિંગર, ટ્રસ્ટીઓ કેતનભાઈ ઠક્કર, ખંતીલભાઈ મહેતા, સમીરભાઈ પડિત, પલ્લવીબેન દોશી સહિત સમગ્ર ટ્રસ્ટીમંડળ દ્વારા પ્રવીણકાકાનું વ્યકિતત્વ અને કર્તૃત્વ સર્વે સમાજને હિતકર્તા થાય તેવું સોનેરી સપનું થોડા દિવસોમાં સાકાર થવા જઈ રહયાનું યાદીમાં જણાવાયું છે. 

પ્રવીણભાઈ રતિલાલ મણીઆર બાળપણથી રાષ્ટ્રીયતાના અને સમાજસેવાના રંગે રંગાયેલા હતા. યુવાનીમાં તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં પ્રવેશ કર્યો અને આર.એસ.એસ.ના સ્વયંસેવક બની ગયા. સંઘ સેવા ઉપરાંત તેમણે એમ.એ., એલ.એલ.બી.નો અભ્યાસ કરી વર્ષો સુધી વકીલાત કરી અને આગળ જતાં વ્યાવસાયિક ક્ષેત્રે નિવૃત્તિ લીધી પણ સંઘ-સામાજિક ક્ષેત્રે અનેક ગણી પ્રવૃત્તિ વધારી દીધી. શિશુમંદિર, વી.વી.પી. ઈજનેરી કોલેજ સહિતની અનેક શૈક્ષણિક, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક સંસ્થાઓમાં તેમણે જવાબદારીઓ સંભાળી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તેઓ ત્રણ દાયકાથી વધુ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય રહ્યા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે પોતાની ૩૦-૩૦ વર્ષની દીર્ઘ મજલમાં યુનિવર્સિટીના અનેક મહત્વપૂર્ણ નિર્ણયોમાં પ્રવીણકાકાનો અનેરો ફાળો રહ્યો.

પ્રવીણકાકાના પ્રેરણાદાયી વ્યકિતત્વ - કર્તૃત્વને સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ અવિસ્મરણીય - અતુલ્ય અંજલી આપશે અને એ અંજલી સર્વે સમાજ માટે હિતકર્તા બની રહેશે એવું  યાદીના અંતમાં જણાવાયું છે.

(4:13 pm IST)