Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

મવડીમાં વૃધ્ધ દંપતિનો ફાંસો ખાઇ આપઘાત

કોરોનાને કારણે ધંધામાં નુકસાની જતાં દેણું થઇ ગયું હતું: બેડી પાસેનો પ્લોટ વેંચી દેણું ચુકતે કર્યાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખઃ રેડીમેઇડ ગારમેન્ટના વેપારી હતાં: આર્થિક ભીંસ કારણભુત હોવાની શંકા :મવડી સ્મશાન નજીક આવેલા ક્રિસ્ટલ હેવન એ-વિંગ બિલ્ડીંગના ૧૨મા માળે બનાવઃ દરજી ગોપાલભાઇ પોપટભાઇ ચાવડા (ઉ.વ.૬૦) તથા નિર્મલાબેન ગોપાલભાઇ ચાવડા (ઉ.વ.૫૮)એ આત્મહત્યા કરીઃ તાલુકા પોલીસ ઘટના સ્થળે

તસ્વીરમાં જ્યાં ઘટના બની તે બિલ્ડીંગ અને દંપતિના નિષ્પ્રાણ દેહ જોઇ શકાય છે અને કાર્યવાહી કરતી પોલીસ જોઇશકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૨: મવડી ગામમાં સ્મશાન નજીક આવેલા બિલ્ડીંગમાં બારમા માળે રહેતાં વૃધ્ધ દરજી દંપતિએ સજોડે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં કલ્પાંત સર્જાયો છે. બનાવની જાણ થતાં તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પત્નિ સાથે આપઘાત કરનાર દરજી વૃધ્ધ રેડીમેઇડ ગારમેન્ટના વેપારી હતાં. કોરોનાને કારણે અને ધંધામાં મંદી આવવાને કારણે દેણું થઇ ગયાનો અને બેડીનો પ્લોટ વેંચી દેણુ ચુકવ્યાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ હોઇ આર્થિક ભીંસ આ બનાવ પાછળ કારણભુત હોવાની શકયતા જણાઇ છે.

જાણવા મળ્યા મુજબ મવડી ગામના  સ્મશાન નજીક આવેલા ક્રિસ્ટલ હેવન બિલ્ડીંગ એ-વિંગમાં ૧૨મા માળે વૃધ્ધ દંપતિએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાની જાણ થતાં ૧૦૮ના ઇએમટી જયદિપભાઇ જાદવ તથા પાઇલોટ અમિતભાઇ ગોસ્વામી પહોંચ્યા હતાં. ઇએમટીની તપાસમાં ફલેટમાં વૃધ્ધ અને વૃધ્ધાના લટકતા મૃતદેહ જોવા મળ્યા હતાં. તેમણે તપાસ કરી બંનેને મૃત જાહેર કરી તાલુકા પોલીસને જાણ કરતાં પીએસઆઇ મોરવાડીયા સહિતના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

આપઘાત કરનાર વૃધ્ધનું નામ ગોપાલભાઇ પોપટભાઇ ચાવડા (દરજી) (ઉ.વ.૬૦) અને તેમના પત્નિ નિર્મલાબેન ગોપાલભાઇ ચાવડા (ઉ.વ.૫૮) હોવાનું ખુલ્યું હતું. આ પતિ-પત્નિને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પુત્રી સાસરે છે અને પુત્ર અલગ રહે છે. ગોપાલભાઇને રેડીમેઇડ ગારમેન્ટની દૂકાન હતી. તેમણે ચિઠ્ઠીમાં લખ્યું છે કે કોરોના અને ધંધામાં નુકસાનને કારણે દેણું થઇ ગયું હતું. બેડી ગામનો પ્લોટ વેંચી દેણું ચુકવ્યું હતું. થોડા સમય પહેલા જ તેમણે મવડીમાં ક્રિસ્ટલ હેવનમાં  ફલેટ લીધો હતો.

પતિ-પત્નિએ ગઇકાલે આપઘાત કરી લીધાનું અને આજે તેમના પુત્ર ઘરે આવતાં ઘટના જાહેર થયાનું બહાર આવ્યું છે. બનાવને પગલે અરેરાટી વ્યાપી ગઇ છે. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(4:25 pm IST)