Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

નવા DSO સમક્ષ સોફટવેર કૌભાંડની તપાસનો પડકારઃ રાજકોટ શહેર-જીલ્લાની ૩૨ દુકાનોમાં આજથી જ તપાસઃ પ્રશાંત માંગૂડા

અગાઉના સાયબર કૌભાંડમાં દોષિત ૨૫ વેપારીઓને ફરીથી નોટીસ આપી કેસ ચલાવાશે : આ ૩૨ સ્થળે ટીમો માટે ઓર્ડરો હવે નીકળશેઃ પૂરવઠાના ઈન્સપેકટરોનું મોનીટરીંગ રહેશે

રાજકોટ, તા. ૨ :. રાજકોટ શહેર-જીલ્લા પૂરવઠા અધિકારી તરીકે ૨૦૧૭ની બેચના જીએએસ અધિકારી શ્રી પ્રશાંત માંગૂડા મુકાયા છે. તેઓ દ્વારકા હતા પરંતુ ત્યાંથી સરકારે બદલી કરી રાજકોટ મૂકયા છે અને તેમની સામે રાજકોટ-૧૮ સહિત જીલ્લાના કુલ ૩૨ જેટલા સસ્તા અનાજની દુકાનોના દુકાનદારો સામે નવા સોફટવેર કૌભાંડની તપાસનો પડકાર સામે આવ્યો છે.

ગઈકાલે ચાર્જ સંભાળ્યા બાદ શ્રી પ્રશાંત માંગૂડા આજે પત્રકારોને મળ્યા હતા અને પત્રકારો સાથેની વાતચીતમાં જણાવેલ કે સાબરકાંઠા પોલીસે ઝડપી લીધેલા નવા સોફટવેર ચેન્જના કૌભાંડ અને અનાજ બારોબાર વેચી નાખવાના કે ઓળવી જવાના કૌભાંડમાં રાજકોટ શહેર-જીલ્લાના ૩૨ દુકાનદારોના નામો શંકાસ્પદ બાબતે આપ્યા છે અને આ તમામ બાબતે આજથી જ તપાસનો ધમધમાટ શરૂ થશે.

તેમણે નિર્દેશ આપ્યો હતો કે આ ૩૨ દુકાનદારોેને ત્યાં તપાસ માટે વિવિધ નાયબ મામલતદારો, કોમ્પ્યુટર નિષ્ણાંત, એનઆઈસીના એક અધિકારી સાથેની ટીમો બનાવાઈ છે. જેના ઓર્ડરો નીકળી ગયા છે. કલેકટરને રીપોર્ટ કરી તપાસ શરૂ કરી દેવાશે. ડીએસઓએ જણાવેલ કે આ તપાસ ટીમોમાં પૂરવઠાના એક પણ ઈન્સપેકટર નહિ હોય, પરંતુ આ તમામ ઈન્સ્પેકટરોનું ખાસ સુપરવિઝન-મોનીટરીંગ રહેશે અને તે લોકો પાસેથી રીપોર્ટ લેવાશે.

અગાઉના અમદાવાદ સાયબર ક્રાઈમે ઝડપેલા ફીંગરપ્રિન્ટ કૌભાંડમાં ૨૫ દુકાનદારોની સંડોવણી, એક વર્ષથી કોઈ રીપોર્ટ નથી, તે અંગે શ્રી માંગૂડાએ જણાવેલ કે અગાઉના ડીએસઓ દ્વારા આ ૨૫ દુકાનદારોને નોટીસ આપી કેસો ચલાવવાનું શરૂ કરાયું, પરંતુ ત્યાં તો તેમની બદલી થઈ એટલે હવે આ તમામ ૨૫ અને અન્ય દુકાનદારો મળી કુલ ૪૬ વેપારીઓને ફરીથી નોટીસ આપી તેમને સાંભળ વામાં આવશે અને ત્યાર બાદ કેસો અંગે હુકમો જાહેર કરી પગલા લેવાશે.

(3:49 pm IST)