Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

રાજકોટ એસટીને બખ્ખા : સાતમ - આઠમના તહેવારોમાં ૧૧૦ એકસ્ટ્રા બસો દોડાવાઇ : ૭ દિ'માં ૩ થી ૩ાા કરોડની ધોધમાર આવક

હજુ આજનો દિ' એકસ્ટ્રા બસો દોડાવાશે : કાલથી બંધ : તમામ બસો હાઉસફૂલ ગઇ

રાજકોટ તા. ૨ : સાતમ - આઠમના તહેવારોએ રાજકોટ એસટીને બખ્ખા કરાવી દિધા હતા. લોકો બહાર જવા ઉમટી પડતા રાજકોટથી લાંબા અને ટુંકા અંતરની તમામ બસો હાઉસફુલ દોડી હતી.

અધિકારી સૂત્રોના કહેવા મુજબ સાતમ - આઠમના તહેવારોમાં મુસાફરોનો ધસારો - ચિક્કા ટ્રાફિકને કારણે રોજની આવક ૫૦ લાખને પણ વળોટી ગઇ હતી.

મુસાફરોનો એટલો બધો ધસારો હતો કે ૬ થી ૭ દિવસમાં રાજકોટ એસટી ડિવીઝને એકલા રાજકોટ ડેપો ઉપરથી જ ૧૧૦ જેટલી એકસ્ટ્રા બસો દોડાવાઇ હતી. આ ૭ દિ'માં રોજની આવક ૫૦ લાખે પહોંચતા ૭ દિ'માં ડિવીઝનને ૩ થી ૩ાા કરોડની બેસૂમાર આવક થઇ છે.

દરમિયાન ડિવીઝનલ મેનેજર શ્રી કલોતરાએ 'અકિલા'ને જણાવ્યું હતું કે, આજે પણ હજુ એકસ્ટ્રા બસો દોડાવાશે, કાલથી બંધ કરાશે. આ વખતે કોરોનાના કેસો સાવ નહિવત હોય લોકો ફરવા નીકળી પડયા અને તંત્રને સાતમ - આઠમ ફળી છે.

(3:48 pm IST)