Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

રાજકોટના ૮૬ ગામોમાં ૧૦૦ ટકા વેકસીનેશન : ચાલુ મહિનામાં ગામડા ઉપર ખાસ ફોકસ : કલેકટરે ગ્રામ્ય કમિટિ બનાવી

૧૨૦૦ આશાવર્કરને લાઇન લીસ્ટ માટે ખાસ કામ સોંપાયુ : તમામ અધિકારીઓ સાથે મિટીંગ : ઇશ્વરીયા પાર્કમાં સાયન્સ સીટીનું ટુંકમાં ઉદ્ઘાટન : ચૌધરીના મેદાનમાં ઇન્ડો - અમેરિકન સ્ટાઇલ હોસ્પિટલનું પ્લેટફોર્મ બનાવાયું

રાજકોટ તા. ૨ : રાજકોટ જિલ્લા કલેકટર શ્રી અરૂણ મહેશ બાબુએ 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગઇકાલે જિલ્લામાં વેકસીનેશન અંગે તમામ અધિકારીઓની મીટીંગ બોલાવી હતી અને તેમાં આ આખો મહિનો જિલ્લામાં વેકસીન ઉપર ખાસ ફોકસ કરવા સૂચના અપાઇ છે.

તેમણે જણાવેલ કે, આ માટે ગ્રામ્ય લેવલે ખાસ કમિટિ બનાવી છે, જેમાં દરેક ગામના તલાટી, સરપંચ, શિક્ષક - આશાવર્કરનો સમાવેશ થાય છે, આ લોકો પોતાના ગામોમાં ૧૦૦ ટકા વેકસીનેશન અંગે કાર્યવાહી કરશે અને સપ્ટેમ્બરમાં જિલ્લાના તમામ ગામોમાં ૧૦૦ ટકા વેકસીન પુરૂ કરી લેવાય તેવા પ્રયાસો રહેશે.

કલેકટરે જણાવેલ કે, આ ઉપરાંત જિલ્લામાં ૧૨૦૦ આશાવર્કર છે, તેઓને લાઇન લીસ્ટ માટે આદેશો કરાયા છે, આ દરેક આશાવર્કર પોતાના ગામમાં વેકસીનમાં કેટલા બાકી છે, કેટલાએ ફર્સ્ટ અને સેકન્ડ ડોઝ લીધો તે ઘરે - ઘરે સર્વે કરી બાકી રહેલ તમામને વેકસીનેશન કરાવશે.

કલેકટરે ઉમેર્યું હતું કે, રાજકોટ જિલ્લામાં ૮૬ ગામોમાં ૧૦૦ ટકા વેકસીનેશન પુરૃં કરી લેવાયું તે એક મહત્વની સફળતા છે.

ઇશ્વરીયા પાર્કના સાયન્સ સીટી અંગે તેમણે ઉમેર્યું હતું કે, ટુંકમાં તેનું લોકાર્પણ ઉદ્ઘાટન થશે. લેન્ડગ્રેબીંગમાં કલેકટરે જણાવેલ કે, શહેર - જિલ્લાના તમામ પ્રાંતને આદેશો કરાયા છે, પોતાના વિસ્તારમાં સરકારી જમીનો ઉપર સર્વે નંબર સહિત દબાણ અંગે સર્વે કરી, તેનું પત્રક બનાવી રીપોર્ટ કરવા અને ધડાધડ દબાણો દૂર કરવા આદેશો કરાયા છે.

(3:47 pm IST)