Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

અશાંત ધારોઃ કલેકટર કચેરીમાં અરજદાર ધ્રુસકે...ધ્રુસકે રડી પડયા

૯ મહિનાથી ફાઇલ અટવાઇ છેઃ અશાંત ધારો લાગુ પડયો તેના ર૧ દિ' પહેલા મકાન વેચાણનું રજીસ્ટ્રેશન થયું છતાં નિવેડો નથી : મુસ્લિમ પરિવારને મકાન વેચ્યુ તે ગુનો...ઉઠાવેલો વેધક સવાલઃ કચેરીમાં ભારે દેકારોઃ દિકરીને થેલેસેમીયા છેઃ પિતાનો પણ આર્તનાદ... : કલેકટર-એડી. કલેકટર પાસે વાત પહોંચતા વિગતો મંગાવીઃ જેન્યુન કેસોમાં ફાઇલો કલીયર કરી દેવાશે...

અશાંત ધારામાં ૯ મહિના સુધી મકાન વેચાણ અંગે ફાઇલ અટવાતા આજે પિતા-પુત્ર બંને કલેકટર કચેરીએ ધસી આવેલ અને પત્રકારો સમક્ષ વિગતો આપી હતી.

રાજકોટ તા. ર :.. રાજય સરકારે રાજકોટની ર૮ સોસાયટી અને તેના પ૦૦ ચો. મી. વિસ્તારમાં અશાંત ધારો લાગુ પાડયો... આમાં થતા જમીન-મકાન-ફલેટ- પ્લોટ ખરીદ-વેચાણ અંગે કલેકટરની મંજૂરી ફરજીયાત બનાવી કલેકટર તંત્રે અત્યાર સુધીમાં ૬૦૦ થી વધુ ફાઇલો હિન્દુ-હિન્દુ કે મુસ્લીમ-મુસ્લીમની કલીયર કરી મંજૂરી આપી... પરંતુ હિન્દુ-મુસ્લીમ વચ્ચે થયેલ ખરીદ-વેચાણની પપ થી ૬૦ અરજદારોની ફાઇલો અધ્ધરતાલ થઇ છે, કલેકટર તંત્ર આવી ફાઇલો પોલીસ અને મામલતદાર પાસે વેરીફિકેશનમાં મોકલે પરંતુ ત્યાંથી એકપણ ફાઇલ અંગે કોઇ પ્રતિભાવ - રીપોર્ટ નહિ આવતા આવા પપ થી ૬૦ અરજદારો ભારે વિમાસણમાં આવી ગયા છે, કેટલાયની લોન પાસ થઇ છે, સાટાખત થયા છે, પરંતુ ૬-૬ મહિનાથી ફાઇલો કલીયર થઇ નથી.

આજે તો ૬ મહિનાને બદલે ૯ મહિનાથી ફાઇલ કલીયર નહિ થયાનો કિસ્સો બહાર આવતા કલેકટર કચેરીમાં દેકારો બોલી ગયો હતો.

કલેકટર કચેરીમાં અલ્કાપુરી-ર માં રહેતા અજય બોરીચા પોતાના નિવૃત પિતા મહેન્દ્ર બાબુલાલ સાથે પોતે જે મકાન ૯ મહિના પહેલા મુસ્લીમને વેચ્યું, લોન પણ મંજૂર થઇ ગઇ પરંતુ કલેકટર તંત્રે ફાઇલ કલીયર નહિ કરતા, મંજૂરી નહિ આપતા દોડી આવ્યા હતા, નીચે ગ્રાઉન્ડ ફલોરમાં બંને પિતા-પુત્રને રજૂઆત કરવા અંગે પોલીસ સાથે માથાકુટ થઇ હતી, બાદમાં પિતા મહેન્દ્રભાઇને નીચે બેસાડી દેવાયા અને પુત્ર અજયને જવા દેવાયેલ.

આ અરજદાર અજય બોરીચાએ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન ધ્રુસકે...ધ્રુસકે રડી પડતા જણાવેલ કે પોતે મુસ્લીમ પરિવારને અશાંત ધારો લાગુ પડયો તેના ર૧ દિવસ પહેલા મકાન વેચી નાખ્યું છતાં ફાઇલ અટવાઇ છે, પોતે અલ્કાપુરી-ર માં રહે છે, બાજુમાં પ મુસ્લીમ પરિવારો રહે છે, પોલીસ પાસે અભિપ્રાય માટે આવતા પોલીસ એવુ જણાવે છે કે મંજૂરી નહિ અપાય, નહી તો માથાકુટ થાય...

આ અજય બોરીચાએ જણાવેલ કે ૯ મહિનાથી અરજી કરી છે, જે મુસ્લીમને વેંચ્યું તેમની લોન પણ મંજૂર થઇ ગઇ છે, પિતા નિવૃત છે, પોતે કાકા સાથે કંદોઇની દુકાનમાં બેસે છે, મારી દિકરીને થેલેસેમીયા છે, તેના ઓપરેશનનું ૧૪ લાખનું પેકેજ છે, પોલીસે કોઇ અભિપ્રાય હજુ સુધી નથી આપ્યો અમે કલેકટર તંત્ર કોઇ જવાબ આપતુ નથી. પોતે  રજૂઆત કરીને થાકી ગયા છે, આજે વધુ એક વખત રજૂઆત કરવા આવ્યા છે. દરમિયાન આ મુદ્ે કલેકટર કચેરીમાં દેકારો થતા કલેકટર અને એડી. કલેકટર બંનેએ આ કેસની વિગતો મંગાવી હતી અને જો કેસ જેન્યુન હશે તો ફાઇલ કલીયર કરી દેવાશે, અને આવા અન્ય કેસોમાં પણ હકારાત્મક નિર્ણર્યો લેવાશે તેમ કલેકટરે ખાત્રી આપી હતી.

(3:17 pm IST)