Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

તસ્કરોએ ઉજવ્યો તહેવાર

પત્રકાર સોસાયટીમાં ૩૭ લાખની ચોરી

એરપોર્ટ ફાટક નજીક રહેતાં કેમિકલના વ્હોરા વેપારી મોહસીનભાઇ પટેલ પરિવાર સાથે ઉદયપુર-રાજસ્થાન ફરવા ગયા'તાઃ ૨૮મીથી ઘર રેઢુ હોઇ તસ્કરો પગલા પાડી ગયા : સીસીટીવી કેમેરામાં ત્રણ શકમંદ દેખાયાઃ જે દિવસે ફરવા ગયા એ રાતે જ ચોરીઃ બગીચાના ભાગેથી આવી બંગલાના પહેલા માળે ચાર રૂમના તાળા તોડી રોકડા રૂ. ૨૩ લાખ તથા ૧૪ લાખના સોના ચાંદીના ઘરેણા ઉસેડી ગયાઃ ગાંધીગ્રામ પોલીસ, ક્રાઇમ બ્રાંચની ટીમો કામે લાગી : 'પીસ' નામના બંગલોમાં શાંતિથી મધરાતે હાથફેરો

તરખાટઃ તસ્કરોએ એરપોર્ટ ફાટક પાસે આવેલી પત્રકાર કોલોનીમાં રહેતાં વ્હોરા વેપારીના બંધ બંગલોને નિશાન બનાવી સાડત્રીસ લાખની મત્તાનો હાથફેરો કરી લેતાં ગાંધીગ્રામ પોલીસ અને ક્રાઇમ બ્રાંચની ટીમો કામે લાગી હતી. તસ્વીરમાં જ્યાં ચોરી થઇ તે બંગલો, પગેરૂ શોધવા ડોગ સ્કવોડનો પ્રયાસ અને રૂમમાં વેરવિખેર ચીજવસ્તુઓ તથા સીસીટીવી ફૂટેજ ચેક કરી રહેલો પોલીસ સ્ટાફ જોઇ શકાય છે (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨: શહેરમાં તસ્કરોએ જન્માષ્ટમીના તહેવારની પોતાની સ્ટાઇલથી ઉજવણી કરી હોય તેમ એરપોર્ટ ફાટક નજીક આવેલી પત્રકાર સોસાયટીમાં પાંચ દિવસ માટે બંધ રહેલા વ્હોરા વેપારીના બંગલાને નિશાન બનાવી ચોરટાઓ રોકડ દાગીના મળી ૩૭ લાખની મત્તા ઉસેડી ગયા છે. ત્રણ શકમંદ સીસીટીવી કેમેરામાં દેખાયા હોઇ તેના આધારે ગાંધીગ્રામ પોલીસ અને ક્રાઇમ બ્રાંચની ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

જાણવા મળ્યા મુજબ એરપોર્ટ ફાટક નજીક આવેલી પત્રકાર સોસાયટી શેરી નં. ૧/૨ના ખુણે 'PEACE'-પીસ નાના બંગલોમાં રહેતાં અયોધ્યા ચોક પાસે કેમિકલની દૂકાન ધરાવતાં વ્હોરા વેપારી  મોહસીનભાઇ નજરઅલી પટેલ (ઉ.વ.૬૫) તથા તેમના પરિવારના તમામ સભ્યો તા. ૨૮/૮ના બપોરે બંગલોને તાળા લગાવી ઉદયપુર-રાજસ્થાન ફરવા માટે ગયા હતાં.  ગઇકાલે મોડી રાત્રે તેઓ ફરીને પરત ઘરે આવ્યા ત્યારે ચોરી થયાની જાણ થઇ હતી.    બનાવ અંગે સવારે પોલીસને જાણ કરતાં ગાંધીગ્રામ પીઆઇ કે. એ. વાળા, પીએસઆઇ જે. જી. રાણા, હીરાભાઇ રબારી અને ડી. સ્ટાફના ખોડુભા જાડેજા, વનરાજભાઇ લાવડીયા, ગોપાલભાઇ પાટીલ સહિતની ટીમ તથા  ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ પી. એમ. ધાખડા, મયુરભાઇ પટેલ, નગીનભાઇ ડાંગર, વિક્રમભાઇ ગમારા, સ્નેહલભાઇ, ઇન્દ્રજીતસિંહ ગોહિલ, અભીજીતસિંહ સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. એસીપી જે. એસ. ગેડમ પણ પહોંચ્યા હતાં.

પોલીસે ડોગ સ્કવોડ અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાંતોની મદદ લઇ તપાસ આરંભી હતી. વ્હોરા વેપારી અને પરિવારજનો ૨૮મીએ બપોરે ફરવા જવા માટે નીકળ્યા હતાં. પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરતાં ૨૮મીની રાતના ફૂટેજમાં ત્રણ શકમંદ બંગલો ફરતે આટાફેરા કરતાં જોવા મળ્યા હતાં. પાછળના બગીચાના ભાગેથી તસ્કરો અંદર પ્રવેશી ઉપરના માળે આવેલા ચાર રૂમના તાળા નકુચા તોડી હાથફેરો કરી ગયાનું માલુમ પડ્યું હતું.

તસ્કરો રોકડા રૂ. ૨૩ લાખ અને ૧૪ લાખના સોના ચાંદીના ઘરેણા તથા સોનાના સિક્કા સહિત મળી રૂ. ૩૭ લાખની માલમત્તા ઉસેડી ગયાનું પોલીસને વેપારી પરિવારે જણાવ્યું હતું. પોલીસે સીસીટીવી ચેક કરતાં ત્રણ તસ્કરો ૨૮મીએ મોડી રાત્રે સાડા ત્રણેક વાગ્યા આસપાસ આવી નિરાંતે હાથફેરો કરી ગયાનું જણાયું હતું.

(3:14 pm IST)