Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા અને ચેક રકમનું વળતર ચુકવવાનો કોર્ટનો આદેશ

રાજકોટ તા. રઃ રાજકોટના અધિક ચીફ જયુડી. મેજી. શ્રી લાલવાણી ફરીયાદી જીવણભાઇ ચનાભાઇ રાઠોડને આરોપી ભનુભાઇ રમેશભાઇ રાઠોડએ આરોપી ભનુભાઇ રમેશભાઇ રાઠોડએ આપેલ રૂ. પ૦,૦૦૦/- નો ચેક પુરતા ભંડોળના અભાવે રીટર્ન થતા ૧-વર્ષની કેદની સજા ફરમાવેલ છે તેમજ રૂ. ૪૦,૦૦૦/- વળતર પેટે ચુકવવાનો હુકમ કરેલ છે.

આ કેસની હકિકત એવા પ્રકારની છે કે, ભનુભાઇ રમેશભાઇ રાઠોડને વર્ષ-ર૦૧ર મા રૂ. પ૦,૦૦૦/- ની જરૂરીયાત હોવાથી તેઓએ ફરીયાદી જીવણભાઇ ચનાભાઇ રાઠોડ પાસેથી આ રકમ ઉછીની લીધેલ. રકમ લેતી વખતે આરોપી ભનુભાઇએ નોટરી રૂબરૂ પ્રમોસરી નોટ લખી આપેલ હતી. વર્ષ-ર૦૧૮માં ફરીયાદી જીવણભાઇએ આ રકમ પાછી માગતા આરોપીએ રૂ. પ૦,૦૦૦/- નો ચેક આપેલ હતો. આ ચેક પુરતા ભંડોળના અભાવે રીટર્ન થતા ફરીયાદીએ આરોપીને નોટીસ આપેલ હતી તેમ છતાં આરોપીએ પૈસા ન ચુકવતા ફરીયાદી જીવણભાઇએ ફોજદારી કોર્ટમાં ફરીયાદ નોંધાવેલ હતી.

આરોપીએ આ કેસમાં બચાવ લીધેલ હતો કે, ફરીયાદીને જે ચેક અપાયેલ હતો તે ચેકનો ઉલ્લેખ પ્રોમીસરી નોટમાં જ કરેલ છે. આ કારણે ફરીયાદીને અપાયેલ ચેક વર્ષ-ર૦૧૮માં નહીં પરંતુ વર્ષ-ર૦૧ર માં અપાયેલ હતો. આ ઉપરાંત આરોપી તરફે બચાવ લેવાયેલ કે, ચેકમાં લખેલ વિગતો અલગ અલગ પ્રકારે લખાયેલ છે તેથી આ ચેક માન્ય ગણાય નહીં. આ તમામ બચાવોના જવાબમાં ફરીયાદી તરફ જવાબ અપાયેલ હતો કે નેગોશ્યેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ અને ૧૩૯ મુજબ જયારે ચેક અપાયેલ હોય ત્યારે ચેકની રકમ ફરીયાદીની લેણી નીકળતી હતી તેવી કાયદાકીય ધારણાની જોગવાઇ છે.

આ કારણે લેણી રકમ નાસાબિત કરવાની જવાબદારી આરોપી ઉપર છે. આ કેસમાં રૂ. પ૦,૦૦૦/- આરોપીએ ઉછીના લીધેલ હોવાની હકિકત અને આ રકમ પાછી ચુકવાયેલ નહીં હોવાની હકિકત નિર્વિવાદ છે. આ કારણે નેગોશ્યેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબ આરોપી ગુનેગાર સાબિત થાય છે. આ તમામ દલીલો માન્ય રાખી અદાલતે આરોપીને તકસીરવાન ઠરાવી ૧ વર્ષની કેદની સજા ફરમાવેલ છે. આરોપીએ ચાલુ કેસે રૂ. ૧૦,૦૦૦/- કોર્ટમાં જમા કરાવેલ હતા તે ફરીયાદીને ચુકવવાનો હુકમ કરી બાકીની રકમ રૂ. ૪૦,૦૦૦/- વળતર પેટે ચુકવવાનો આરોપી વિરૂધ્ધ હુકમ કરેલ છે. આ વળતરની રકમ ન ચુકવ્યેથી વધુ-૬ માસની કેદની સજાનો હુકમ પણ કોર્ટે ફરમાવેલ છે. આ કામમાં ફરીયાદી વતી એડવોકેટ અજય જે. રાઠોડ રોકાયેલ હતા. (૭.૪ર)

 

કોઠારીયાની સરકારી જમીન ઉપરના લેન્ડ ગ્રેબીંગના ગુનામાં આરોપીના જામીન મંજુર

રાજકોટ તા. રઃ રાજકોટના કોઠારીયા ગામના સર્વે નં. ૩પર પૈકીની સરકારી જમીન પર ગેરકાયદેસરનું દબાણ કરી તેના ઉપર બાંધકામ કરી જુદા જુદા વ્યકિતઓને વેચાણ કરવાના ગુન્હામાં થયેલ લેન્ડ ગ્રેબીંગની ફોજદારી ફરીયાદમાં પકડાયેલ આરોપી બીપીન દેવજીભાઇ પરમાર ને જામીન ઉપર છોડવાનો હુકમ રાજકોટ સેસન્સ કોર્ટ ફરમાવેલ હતો.

ફરીયાદની વિગતે માહિતી જોતા રાજકોટ જીલ્લાના કોઠારીયા ગામના સર્વે નં. ૩પર પૈકીની સરકારી જમીન જેને કોઠારીયા સર્વે નં. ૧૯પ પૈકીનો દર્શાવી આશરે ચોરસ મીટર ૬૦૦૦ પૈકીમાં એ આઇ.એમ.એસ. પાર્ક (સુચીત) સોસાયટી બનાવી તેમાં કુલ ૧૮ શેડ તથા ર ઓરડી તથા રવંડા સહીનું દબાણ કરવામાં આવેલ જે ગેરકાયદેસરની પ્રક્રિયા કરી ઉપરોકત તમામ બાંધકમનું તા. ૧૮-૧ર-ર૦ર૦ ના રોજ ડીમોલેશન કરી તોડી પાડવામાં આવેલ.

આ કામમાં સરકારી જમીનનું ગેરકાયદેસર રીતે સબ પ્લોટીંગ કરી વેચાણ કરવાનું કૃત્ય કરતા આરોપીઓ જીગ્નેશભાઇ ઉર્ફે જીગાભાઇ ધીરૂભાઇ કુનડા વિગેરે મળી કુલ-૯ (નવ) આરોપીઓ વિરૂધ્ધ ભારતીય ફોજદારી અધીનિયમ-૧૮૬૦ની કલમ ૪૬પ ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૧૪ તથા ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-ર૦ર૦ ની કલમ-૪(૧), ૪(ર), પ(ગ) મુજબની (એફ.આઇ.આર.) ફરીયાદ કરતા તમામ આરોપીઓની ધરપકડ કરી રીમાન્ડની માંગણી કરી આ બાબતે યોગ્ય પુરાવાઓ એકત્ર કરી તમામ આરોપીઓને જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલ હતો.

પોલીસ દ્વારા તપાસના અંતે સેસન્સ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરવામાં આવેલ છે અન્વયે આરોપી નં. (ર) બીપીનભાઇ દેવજીભાઇ પરમારની રેગ્યુલર જામીન અરજી રાજકોટ સેસન્સ કોર્ટના એડીશ્નલ જજ અને સ્પે. જજ શ્રી કે. ડી. દવે મેડમની કોર્ટમાં દાખલ કરતા અરજદાર/આરોપી તરફે યોગ્ય ન્યાયીક પુરાવા તથા ગુજરાત હાઇકોર્ટના જજમેન્ટ રજુ કરી યોગ્ય ન્યાયીક દલીલ રજુ કરતા તેમજ સરકારશ્રીની દલીલ સાંભળી કોર્ટ દ્વારા આરોપીને રૂ. ૧પ,૦૦૦/-ના જામીન તથા તેટલી જ રકમના જાત જામીન રજુ કર્યેથી યોગ્ય શરતોને આધીન ક્રિ. પો. કોડની કલમ-૪૩૯ અન્વયે જામીન મુકત કરવાનો હુકમ કરવામાં આવેલ હતો.

આ કામમાં આરોપી શ્રી બિપિનભાઇ દેવજીભાઇ પરમાર તરફે રાજકોટના ધ રાજપુતાના લો હાઉસના ધારાશાસ્ત્રી શ્રી ભરતસિંહ જે. ગોહીલ રોકાયેલ હતા.

(2:50 pm IST)