Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

ઈસ્કોન મંદિરે નંદલાલાને ગંગા-ગોમતી નદીના પાણી, દૂધ, દહીંથી અભિષેક

શ્રી શ્રી રાધા નીલમાધવ ખાતે શ્રી કૃષ્ણ જન્મોત્સવની સાથોસાથ ઈસ્કોનના સંસ્થાપક આચાર્ય અભય ચરણારવિંદ ભકિતવેદાંત સ્વામીજીની ૧૨૫મી જન્મજયંતિની પણ સરકારી ગાઈડ લાઈનના પાલન સાથે ઉજવણી

રાજકોટઃ અહિંની ઇસ્કોન સંસ્થાનું ભવ્ય મંદિર શ્રી શ્રી રાધા નીલમાધવ ધામ, રાજકોટ ખાતે જન્માષ્ટમીની ઉજવણી ખૂબ જ ધામધૂમપૂર્વક અને સરકારશ્રીની ગાઈડલાઈન અનુસાર  જેમકે  માસ્ક,  સેનેટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સ નું ચુસ્તપણે  પાલન કરીને ઉજવવામા આવી હતી. આ અંગે મંદિરના પ્રમુખ વૈષ્ણવસેવા  પ્રભુજીએ જણાવ્યું હતું કે સાતમ અને જન્માષ્ટમીના દિવસ સેંકડો ભાવિકોએ પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન કૃષ્ણ દર્શનનો લ્હાવો લીધો હતો. સાથે સાથે સરકાર શ્રીની ગાઈડલાઈન મુજબ મંદિરના હોલમાં માત્ર ૨૦૦ દર્શનાર્થીઓને એક સમયે દર્શન કરી શકે તે મુજબ લાઈનની વ્યવસ્થા કરી હતી. લાઈનો ખૂબ જ લાંબી હતી પરંતુ લાઈનમાં પણ સોશિયલ ડીસ્ટન્સનું  પાલન થાય તે પ્રમાણે ભકતો અને સ્વયંસેવકો દ્વારા તકેદારી લેવામાં આવતી હતી.

 મંદિરમાં જન્માષ્ટમીના પર્વ નિમિત્તે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ગુજરાત રાજ્યના પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળા મેયર પ્રદીપ ડવ અને રાજકોટના એસીપી મનોહરસિંહ જાડેજા એ મંદિરની મુલાકાત લીધી હતી.

જન્માષ્ટમીના દિવસે ભગવાનના  મનમોહક દર્શનનો તેમજ સુંદર કિર્તનનો અને વૈષ્ણવસેવા પ્રભુજીના પ્રવચનનો દર્શનાર્થીઓએ લાભ લીધો હતો. રાત્રે ૧૦થી ૧૨ ગંગા અને ગોમતી જેવી પવિત્ર નદીઓ ના પાણી, દૂધ, દહીં, મધ, તેમજ ફળોના રસ દ્વારા ભગવાનનો અભિષેક કરવામાં આવ્યો હતો,  અને રાતના ૧૨ના ટકોરે ભગવાન કૃષ્ણના અવતરણ થયા બાદ બધા ભકતો તેમજ દર્શનાર્થી ઓ અભિષેક નો પ્રસાદ લઈ છુટા પડ્યા હતા.

 તા.૩૧ ઓગષ્ટના નંદ મહોત્સવના દિવસે ઈસ્કોનના સંસ્થાપક આચાર્ય અભય ચરણારવિંદ ભકિતવેદાંત સ્વામી પ્રભુપાદ ૧૨૫ મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. ઇસ્કોન મંદિર રાજકોટ દ્વારા  ઁપ્રભુપાદ સ્વામીનો મહાઅભિષેક ગંગા અને ગોમતી નદીના પવિત્ર જળથી અભિષેક કરાયાનું શ્રી વૈષ્ણવસેવા દાસ  (પ્રમુખ - ઇસ્કોન મંદિર, રાજકોટ)ની યાદીમાં જણાવાયું છે

(2:47 pm IST)