Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

સોની બજારના વેપારીનું ૨૬ લાખનું સોનુ લઇ ભાગી જનારા બે બંગાળી શખ્સ સામે અંતે ગુનો નોંધાયો

એ-ડિવીઝન પોલીસે શેખ હસીબુલ અને સમીમ હુશેન સામે વેપારી રાજેશભાઇ પરમારની ફરિયાદ પરથી કાર્યવાહીઃ અગાઉ અરજી કર્યા બાદ વેપારીએ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી

રાજકોટ તા. ૨: સોની બજારના વેપારીઓ પાસેથી દાગીના બનાવવા સોનુ મેળવ્યા બાદ સોનુ લઇ બંગાળી કારીગરો ભાગી ગયાના બનાવો અગાઉ અનેક વખત બની ચુકયા છે. વધુ એક બનાવમાં ગત જુન મહિનામાં સોની બજાર ભંભાણી શેરી સુવર્ણદિપ કોમ્પલેક્ષમાં પહેલા માળે રૂપાલી ગોલ્ડ આર્ટ નામે દૂકાન ધરાવતાં અને સોનાના દાગીના ઘડવાનું કામ કરતાં વેપારી રાજેશભાઇ ભગવાનજીભાઇ પરમાર (રહે. બહુચર કૃપા, તિર્થ રેસિડેન્સી બ્લોક નં. ૫૧, જુનો મોરબી રોડ) સાથે બે બંગાળી કારીગરો ઠગાઇ કરી ગયાનો મામલો સામે આવ્યો હતો. આ બનાવમાં પોલીસે અંતે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

એ-ડિવીઝન પોલીસે રાજેશભાઇની ફરિયાદ પરથી શેખ હસીબુલ રહેમાન (રહે. મોગાર હુગલી અલી ખોજા બંગાળ) તથા સમીમ હુશેન બબલુ શેખ (મોનાર્ક કોમ્પલેક્ષ ભુપેન્દ્ર રોડ રાજેશ્રી સિનેમા સામે) તથા તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૪૦૬, ૪૨૦, ૧૨૦ (બી) મુજબ ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં જણાવાયું છે કે બંને આરોપીઓ રફરિયાદી રાજેશભાઇ પાસેથી ૧૬/૬/૨૧ના રોજ ૫૪૫.૮૮૦ ગ્રામ સોનાનો ઢાળીયો જેની અંદાજીત કિંમત ૨૬ લાખ થાય છે તે રોલ પ્રેસમાં આપવા માટે લઇ ગયા હતાં. આ ઢાળીયો બંને શખ્સ લઇને પુર્વઆયોજીત કાવત્રાના ભાગ રૂપે ભાગી ગયા છે. આ અંગે જે તે વખતે એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં લેખિત જાણ કરવામાં આવી હતી. એ પછી કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી. કોર્ટના આદેશ બાદ પીએસઆઇ એસ. એચ. નિમાવતે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(1:05 pm IST)