Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

જુના માર્કેટ યાર્ડમાં સોનીયા ટ્રેડર્સમાંથી 'અમુલ પ્યોર ઘી'ના નામે મળેલો ઘીનો જથ્થો ભેળસેળીયો હતોઃ વેપારી વિરૂધ્ધ ફોજદારી

બે મહિના પહેલા મ્યુ. કોર્પોરેશનના ફૂડ સેફટી અધિકારી અને આરોગ્ય અધિકારીઓએ દરોડો પાડ્યો હતોઃ પેઢીના માલિક ગોરધન મુરલીધરભાઇ સામનાણી સામે લોકો સાથે વિશ્વાસઘાત-છેતરપીંડી કરવાનો ગુનો દાખલઃ ૧.૧૩ લાખનું ૨૮૪ કિલો ઘી જપ્ત થયું હતું : અમુલ પ્યોર ઘીના ટીન વેપારીએ મહેસાણાના કડી તાબેના વામજ ગામના નોૈશાદ પાસેથી મંગાવ્યા હતાઃ બી-ડિવીઝન પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

જે તે વખતે આરોગ્ય શાખાએ કરેલી કાર્યવાહીની ફાઇલ તસ્વીર

રાજકોટ તા. ૨: બે મહિના પહેલા જુના માર્કેટ યાર્ડમાં તેલનો ધંધો કરતાં એક વેપારીની પેઢીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ સેફટી ઓફિસર અને આરોગ્ય અધિકારીઓની ટીમે માહિતીને આધારે દરોડો પાડતાં પેઢીમાંથી અમુલ પ્યોર ઘીનો ૨૮૪ કિલોનો જથ્થો ૧૯ ટીનમાં ભરેલો મળી આવ્યો હતો. આ ઘી શંકાસ્પદ જણાતાં જે તે વખતે નમુના લઇ વડોદરા ચકાસણીમાં મોકલાયેલ. જેના રિપોર્ટમાં આ ઘી ભેળસેળીયુ હોવાનો ખુલાસો થતાં વેપારી સામે બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ઠગાઇનો ગુનો દાખલ કરાવાયો છે. વેપારીએ આ ઘી જે તે વખતે મહેસાણાના કડી તાબેના વામજ ગામના શખ્સ પાસેથી મંગાવ્યાનું કબુલ્યું હતું.

આ અંગે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ સેફટી ઓફિસર મોટા મવા રૂચી રેસિડેન્સીમાં રહેતાં ચંદ્રકાંતભાઇ દેસાઇભાઇ વાઘેલા (ઉ.વ.૫૩)ની ફરિયાદ પરથી જુના માર્કેટ યાર્ડમાં આવેલી શોપ નં. જી-૬માં સોનીયા ટ્રેડર્સ નામે પેઢી ધરાવતાં ગોરધનભાઇ મુરલીધરભાઇ સુમનાણી સામે આઇપીસી ૪૦૬, ૪૨૦, ૨૭૨, ૨૭૩ મુજબ ઘીમાં ભેળસેળ કરી જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા કરી લોકો સાથે વિશ્વાસઘાત છેતરપીંડી કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ફૂડ સેફટી અધિકારીશ્રી વાઘેલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે તા. ૫/૭/૨૧ના રોજ હું તથા બીજા અધિકારીઓ એ. એન. પંચાલ, પી. પી. રાઠોડ, કોૈશિકભાઇ સરવૈ્યા સહિતના જુના માર્કેટ યાર્ડમાં આવેલી ગોરધનભાઇ સુમનાણીની સોનીયા ટ્રેડર્સ નામની પેઢી ખાતે તપાસ કરવા ગયા હતાં. ગોરધનભાઇએ જે તે વખતે પુછતાછમાં કહેલુ કે પોતે પેઢીની અંદર સનફલાવર ઓઇલ, કરનલ પામ, કપાસીયા તેલ વગેરે ખાદ્યતેલનું રી-પેકીંગ કરી સંગ્રહ કરી વેંચાણ કરે છે. રી-પેકર તરીકે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ હેઠળ પોતાની પાસે લાયસન્સ પણ છે તેવું તેણે કહ્યું હતું. તેમજ લાયસન્સની કોપી બતાવી હતી.

અમે પેઢી અંદર તપાસ કરતાં રી-પેકીંગ કરેલા તેલનો જથ્થો જોવા મળ્યો હતો. એ વખતે ખુણામાંથી એક કારટૂન બોકસમાં સંગ્રહ કરેલો જથ્થો જોવા મળતાં તે અંગે પુછતાં ગોરધનભાઇએ તે બોકસમાં અમુલ પ્યોર ઘીના ૧૫ કિલોના ૧૯ શીલપેક ટીન હોવાનું કહ્યું હતું. તેમાં બેચ નંબર હોવા સાથે ઉત્પાદક સાબરકાંઠા ડિસ્ટ્રીકટ કો-ઓપ. મિલ્ક પ્રોડયુસર યુનિયન લી. હિમતનગરનું લખાણ હતું. આ ઘીના જથ્થા બાબતે ગોરધનભાઇ સુમનાણીને પુછતાં તેણે આ ઘી મહેસાણાના કડી તાબેના વામજ ગામના માતૃકૃપા પ્રોડકટવાળા નોૈશાદભાઇ પાસેથી લીધાનું કહ્યું હતું. આ ઘીની ખરીદી અંગેનુ કોઇ બીલ કે પુરાવા તેની પાસે હતાં નહિ.

આથી અમુલ પ્યોર ઘીના માર્કાવાળા આ શીલપેક ટીન શંકાસ્પદ લાગતાં અમે ગોરધનભાઇને જાણ કરી એફએસએસએ (ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ) હેઠળ ઘીના નમુના પૃથ્થકરણ માટે લીધા હતાં.  પંચની હાજરીમાં આ કાર્યવાહી થઇ હતી. એક ટીનમાંથી ૮૦૦ ગ્રામ ઘીનો નમુનો અમે પૃથ્થકરણ માટે લીધો હતો. આ ઘીને વડોદરા ફૂડ એનાલીસ્ટશ્રીને મોકલી અપાયો હતો. બાકી રહેલા ઘીના ટીનના રૂ. ૪૦૦ પ્રતિ કીલો ઘાવ ગણી કુલ રૂ. ૧,૧૩,૬૦૦નું ૨૮૪ કિલો ઘી સીજ કર્યુ હતું. આ અંગે સિનીયર ફૂડ સેફટી ઓફિસર કે. આર. પટેલ દ્વારા ગુજરાત કો.ઓપ. મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિ.ના બ્રાંચ મેનેજર ધવલભાઇ પરીખને જાણ કરવામાં આવી હતી.

દરમિયાન તેઓએ અમુલ પ્યોર ઘીના નમુનાની જીણવટપુર્વક ચકાસણી કરી હતી. તેમણે કહ્યું હતું કે આ જથ્થો તેમના દ્વારા અપાયો નથી અને આ ઘી નકલી તથા શંકાસ્પદ છે. એ દરમિયાન ૧૨/૮/૨૧ના રોજ ફૂડ એનાલિસ્ટશ્રી વડોદરાએ રિપોર્ટ મોકલ્યો હતો. જેમાં આ ઘી ભેળસેળ યુકત હોવાનું માુલમ પડતાં અમે પોલીસ કમિશનરશ્રીને અરજી આપી હતી. જેના આધારે પેઢી માલિક ગોરધનભાઇ સામનાણી સામે ગુનો દાખલ કરાવાયો છે. વેપારીની ધરપકડ બાદ વિશેષ તપાસ થશે. કેટલા સમયથી આવા ઘીનો જથ્થો મંગાવાતો હતો, કોને કોને અપાતો હતો, ઘીમાં કઇ કઇ ચીજવસ્તુઓની ભેળસેળ થાય છે, અમુલના લોગોવાળા ટીન કયાંથી લેવામાં આવે છે? એ સહિતના મુદ્દે તપાસ કરવામાં આવશે.

પીઆઇ બી. એમ. ઓૈસુરાની રાહબરીમાં પીએસઆઇ બી. બી. કોડીયાતર અને ટીમે વધુ તપાસ હાથ ધરી છે.

(1:05 pm IST)