Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

ધ્રોલના ભરતનું રાજકોટમાં મારામારી બાદ મોતઃ બિમારીથી મોત થયાનું પ્રાથમિક તારણ

પત્નિની છેડતી કરનાર જાકીર નામના શખ્સને ટપારતા હુમલો કર્યો'તો : દેવીપૂજક પરિવાર રમકડા વેંચવા આવ્યો હતોઃ એફએસએલના રિપોર્ટની જોવાતી રાહઃ મૃતકને ફેફસાની જુની બિમારી હતી : ભગવતીપરા જયપ્રકાશ નગરના જાકીર કઇડાને પોલીસે દબોચી લીધો

રાજકોટ તા. ૨: શહેરના શાસ્ત્રી મેદાનમાં ૩૧મીની રાતે પતિ સહિતના પરિવાર સાથે ઉંઘી રહેલી મહિલાની જાકીર નામના શખ્સે છેડતી કરી તેણે ઓઢેલી ચાદર ખેંચી બિભત્સ માંગણી કરતાં તેણીએ દેકારો મચાવતાં પતિ જાગી જતાં છેડતી કરનારે તેને પાઇપથી અને છરીથી હુમલો કરી સામાન્ય ઇજા કરી હતી. તેમજ મારી નાંખવાની ધમકી આપી હતી. સારવાર માટે દાખલ થયેલા આ મહિલાના પતિનું મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મોતનું કારણ જાણવા પોલીસ એફએસએલના અભિપ્રાયની રાહ જોઇ રહી છે. પ્રાથમિક તારણ મુજબ તેને ફેફસાની બિમારી હોઇ તેના કારણે મોત નિપજ્યું હોઇ શકે છે.

ધ્રોલનો ભરત ધારશીભાઇ વાઘેલા (ઉ.વ.૪૦) તેના પત્નિ અને બાળકો સાથે જન્માષ્ટમીના તહેવાર પર રાજકોટ રમકડા વેંચવા આવ્યો હતો. તે દિવસે ફૂટપાથ પર રમકડા વેંચી રાત્રે પરિવારજનો સાથે શાસ્ત્રી મેદાનમાં સુઇ જતો હતો. ૩૧મીની રાતે બધા સુતા હતાં ત્યારે ભરતની પત્નિનું ઓઢવાનું કપડુ ખેંચી એક શખ્સે અડપલા કરી બિભત્સ માંગણી કરી હતી. તેણી ગભરાઇને દેકારો કરવા માંડતાં પતિ ભરત જાગી જતાં એ શખ્સ છરી, પાઇપથી પતિ-પત્નિ બંનેને ઇજા કરી ભાગી ગયો હતો. તે નામીચન નીઝામનો ભાણેજ જાકીર હબીબભાઇ કઇડા (ઉ.વ.૨૦-રહે. જયપ્રકાશનગર-૧૬, ભગવતીપરા) હોવાનું ખુલતાં પોલીસે મહિલાની ફરિયાદ પરથી આઇપીસી ૩૫૪ (એ), ૩૨૪, ૩૨૩, ૫૦૬ (૨), ૧૩૫ મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

બીજી તરફ સારવાર માટે દાખલ મહિલાના પતિ ભરત વાઘેલાનું ગઇકાલે મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. તેનું મોત મારથી થયું કે બીજી કોઇ રીતે? તે જાણવા ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવાયું છે. તેનો રિપોર્ટ આવ્યા બાદ પોલીસ આગળ કાર્યવાહી કરશે. પ્રાથમિક તબક્કે એવું બહાર આવ્યું છે કે ભરતને ફેફસાની જુની બિમારી હતી. તેના મોતથી ત્રણ દિકરી અને એક દિકરાએ પિતાની છત્રછાંયા ગુમાવતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

પીઆઇ સી. જે. જોષીની રાહબરીમાં પીએસઆઇ જે. ડી. વસાવા સહિતનો સ્ટાફ વધુ તપાસ કરે છે. એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ પોલીસ આગળ કાર્યવાહી કરશે. હાલ જાકીર કઇડાને છેડતી, મારામારી, ધમકીના ગુનામાં પકડી લેવાયો છે.

(12:14 pm IST)