Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

મુર્તિપૂજક જૈનો કાલથી અને સ્થા. સમાજ શનિવારથી નિજભકિતમાં લીન થશે

મન, વચન, કાયાની શુધ્ધી કરાવતા પર્વાધીરાજને જૈન સમાજ ભકિતથી વધાવશેઃ તપ-ત્યાગ-ધર્મ આરાધનાની હેલી : દિગંબર સમાજના દશલક્ષણા પર્વાધીરાજ પર્યુષણ તા.૧૦ને શુક્રવારથી પ્રારંભ થશેઃ પૂ. ગુરૂ ભગવંતોની વ્યાખ્યાન-વાણી તથા તપશ્ચર્યાની હારમાળા સર્જાશે

રાજકોટ, તા., ૨ : કાલથી જૈનોના પર્વાધીરાજ પર્યુષણનો પ્રારંભ થશે. આઠ-આઠ દિવસ જૈન સમાજ ભકિતમાં લીન થશે. જિનાલયોને શણગાર કરાશે. પ્રભુજીની મનમોહક આંગી રચાશે. સાથે જૈનો તપ આરાધનામાં લીન થશે.

ગત વર્ષે કોરોનાના કારણે જિનાલયો બંધ હોવાથી પર્યુષણ પર્વ ભાવિકોએ ઘરે રહીને જ ભકિતભાવપૂર્વક ઉજવેલ. આ વર્ષે પણ સરકારના કોરોનાના નિયમો અનુસાર ધર્મ આરાધના યોજાશે. કાલથી શરૂ થતા મહાપર્વ પર્યુષણમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતો ચાતુર્માસમાં અનેરી નિશ્રા પ્રદાન કરી રહ્યા છે. કાલથી દેરાવાસી જૈનો અને શનિવારથી સ્થાનકવાસી સમાજ ધર્મ આરાધના આરંભશે.

રાજકોટમાં પૂ.આ. યશોવિજયજી મ.સા. જાગનાથ સંઘમાં, તપસ્વી વનીતાબાઈ મ.સ. આ.ઠા. સરદારનગર, સદાનંદી પૂ. સુમતિબાઈ મ.સ. આ.ઠા. મહાવીરનગર સંઘમાં, પૂ. દેવેન્દ્રમુનિ મ.સા. ગોંડલ રોડ (વે.), પૂ. રાજેશમુનિ મ.સા. પાર્શ્વનાથ જૈન સંઘ, પૂ. ધીરજમુની મ.સા. ઈન્દ્રપ્રસ્થનગર જૈન સંઘ, પૂ. ભવ્યમુનિ મ.સ. ઋષભાનન જૈન સંઘ, પૂ. હીરાબાઈ મ.સ. સદ્ગુરૂ (વોકહાર્ટ હોસ્પીટલ સામે), પૂ. ભાનુબાઈ મ.સ. વિરાણી પૌષધ શાળા, પૂ. નૈનાબાઈ મ.સ. અજરામર ઉપાશ્રય, રાષ્ટ્રીય સંત પૂ. કમલમુનિ મ.સા. મનહર પ્લોટ જૈન સંઘમાં બીરાજમાન છે.

જ્યારે ગાદીના ગામ ગોંડલ ખાતે ગુજરાત રત્ન પૂ. સુશાંતમુનિ મ.સા. તથા સદ્ગુરૂ દેવ પૂ. પારસમુનિ મ.સા. ચાતુર્માસમાં નિશ્રા પ્રદાન કરી રહ્યા છે. જ્યારે મોરબીમાં સંઘાણી સંપ્રદાયના પૂ. સાધનાબાઈ મ.સ. આઠા-૧, લીમડી અજરામર સંપ્રદાયનાપૂ. પુણ્યશીલાજી મ.સ. આ. ઠા. ર તથા પૂ. ઉજવલ્લાબાઇ મ.સ. આ.ઠા. નું બીરાજી રહયા છે. જામનગર ચાંદી બજાર ખાતે અર્પીતાજી મ.સ. આ. ઠા. ૩ લાભ આપી રહયા છે.

આ વખતે ભાવીકો પૂ.ગુરૂ ભગવંંતોના વ્યાખ્યાન વાણીનો લાભ લઇ શકશે. મન, વતન, કાયાની શુધ્ધીના આ મહાપર્વ પર્યુષણમાં તપ, ધર્મ, ત્યાગની હેલી સર્જાશે. દેરાસરોમાં શ્રાવકો પ્રભુજીનું પૂજનાસ્નાત્ર પૂજા સહીતના ધર્મ આયોજનનો લાભ લેશે. દિગંબર જૈન સમાજના દશલક્ષણા પર્વાધીરાજ પર્યુષણ તા.૧૦ને શુક્રવારથી શરૂ થશે.

માંડવી ચોક દેરાસર

શહેરના ૧૯પ વર્ષ પ્રાચીન તીર્થ શ્રી સુપાર્શ્વનાથ જિનાલયમાં પર્યુષણ મહાપર્વ દરમિયાન ઉપર તથા નીચે બિરાજતા બધા પરમાત્માઓને સાચા ડાયમંડ તથા સોનાના ખોભરાની ભવ્ય નયનરમ્ય અંગરચના કરવામાં આવશે તેમ સંઘ પ્રમુખ જીતુભાઇ ચા વાળાની યાદીમાં જણાવાયું છે.

નાલંદા તીર્થધામ

ગો.સંપ્ર.ના સોરાષ્ટ્રના સિંહણ બા.બ્ર.પૂ. શ્રી ઇન્દુબાઇ મહાસતીજી તીર્થધામમાં તા.૪-૯-ર૧ થે શનીવારથી તા.૧૧-૯-ર૧ ને શનીવાર સુધી પર્યુષણ પર્વ પ્રસંગે સવારે ૮.૩૦ થી ૯.૧પ સુધી મહાન પ્રભાવક ભકતામર પાઠ ૯.૧પ થી ૧૦.૩૦ સુધી રોજ જુદા જુદા વિષયો પર પૂ. મહાસતીજી વ્યાખ્યાન ફરમાવશે. હું કોણ? ઘરને સ્વર્ગ બનાવો. પુછો અને પામો, મુળમાં ભુલ, જીવનનું ઝવેરાત ક્ષમા, સગપણનું સાચુ ગળપણ, સાધર્મીક ભકિત, અંત આલોચના આદી અનેક વિષયો પર પોતાની લાક્ષાણીક શૈલીમાં  આધ્યાત્મીક ભાવથી ભરપુર વ્યાખ્યાન ફરમાવશે. વ્યાખ્યાન પછી બપોરે ૩ થી ૪ આનુપુર્વી પાંસઠીયો, નવકારમંત્ર, ઉવસ્સગ્ગહંર સ્તોત્ર વગેરેના જાપ કરાવવામાં આવશે. સાંજે ૭ થી ૮ સુધી ભાઇઓ તથા બહેનો માટે પાપની આલોચનારૂપે પ્રતિક્રમણ કરાવવામાં આવશે. વ્યાખ્યાન જાપ-પાઠ-પ્રતિક્રમણ દરેક ધર્માનુષ્ઠાનોમાં જુદા જુદા દાતાઓ તરફથી પ્રભાવના તેમ જ બહુમાન સન્માન પૂ. મોટા મહાસતીજીના પરમભકતો તરફથી કરવામાં આવશે. આઠ દિવસ કૌન બનેગા ભાગ્યશાળી,લકી ડ્રોના લાખેણા ઇનામોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. પર્યુષણ પર્વમાં પૂ. તીર્થસ્વરૂપો ઇન્દુબાઇ મહાસતીજીની સાધનાકુટીરમાં માંગલીક જાપ ચાલુ જ રહેશે. સાચા મુલ્ય એવા સાધ્વીરત્નાન તીર્થધામમાં દિવ્ય અનુભુતીનો અહેસાસ કરવા તીર્થધામમાં માનવ મહેરામણ ઉમટી પડશે.  માંગલીક જાપ બોલીને પોતાના પાપ ધોવાનો અનેરો અવસર એટલે પર્યુષણ પર્વ જો જો હો... રહી જતા નહી.

જય જિનેન્દ્ર આરાધના ગૃહ

જય જીનેન્દ્ર આરાધના ગૃહમાં શાંતમુર્તી બા.બ્ર.પૂ. શાંતાબાઇ મ.સ. આદિ ઠા.૪ ની શુભ નિશ્રામાં પર્યુષણ પર્વ દરમિયાન બાળકો માટે ગુરૂદર્શન અને બહેનો માટે પ્રતિક્રમણનું આયોજન કરેલ છે તો સહુને લાભ લેવા વિનંતી.

ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા.ના સાંનિધ્યે કાલથી ગ્લોબલ પર્યુષણ મહાપર્વનો મંગલ પ્રારંભ

તા.૩ થી ૧૧ સુધી આત્મહિતકારી અનેક કાર્યક્રમોનું ભવ્ય આયોજન અમેરિકાની JAINA સંસ્થા સહીત સમગ્ર દેશ અને પરદેશના લાખો ભાવિકો લાઈવના માધ્યમે ધર્મ સાધનામાં જોડાશે

રાજકોટ, તા.,૨: પરમધામ સાધના સંકુલમા બિરાજમાન તપસમ્રાટ પૂજ્ય ગુરુદેવ શ્રી રતિલાલજી મહારાજ સાહેબના કૃપાપાત્ર સુશિષ્ય રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ આદિ ૪૯ સંત-સતીજીઓના પાવન સાંનિધ્યે આવતીકાલથી ગ્લોબલ પર્યુષણ મહાપર્વનો મંગલમય પ્રારંભ કરવામાં આવશે. જેના અંતર્ગત નવ દિવસ સુધી સમગ્ર ભારત અને અમેરિકાની શિરસ્થ સંસ્થા - JAINAમાં તેમજ પરદેશના અનેક ક્ષેત્રોના ભાવિકો લાઈવના માધ્યમે ધર્મ સાધના -આરાધનામાં જોડાશે.

ઉલ્લેખનિય છે કે, જૈન દર્શનમાં પર્વોના પર્વ સ્વરૂપે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનું અનેરૃં મહત્વ દર્શાવવામાં આવ્યું છે. પર્વના આ દિવસો દરમ્યાન જૈન દર્શનનું અનુસરણ કરતાં દરેકે દરેક ભાવિકો તપ-ત્યાગ અને આરાધનામાં જોડાઈને, દોષ-પાપની વિશુદ્ધિ કરતાં કરતાં સર્વ જીવો સાથે ક્ષમાપના કરી આત્મવિશુદ્ધિ કરતાં હોય છે.

ગત વર્ષે કૉરોના મહામારીના વિષમ સમયમાં ધર્મક્ષેત્રમાં જઈને સાધના-આરાધના કરવાના યોગ અશક્ય બનતાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવની દીર્ધ દ્રષ્ટિ, કુનેહ અને ભગીરથ પુરુષાર્થના કારણે લાઈવના માધ્યમે પર્વાધિરાજ પર્વની સાધના-આરાધનાનો લાભ માત્ર દેશના જ નહીં પરંતુ પરદેશના મળીને ૨૫ લાખથી પણ વધારે ભાવિકો પામીને ધન્ય બન્યાં હતાં. ત્યારે આ વર્ષે પણ લાખો ભાવિકોને ધર્મબોધ પમાડવાના મંગલ ભાવો સાથે દેશ-પરદેશમાં ગ્લોબલ પર્યુષણ ઉજવાશે.

તા.૩ થી ૧૧ એમ ૯ દિવસ સુધી આયોજિત થએલાં ગ્લોબલ પર્યુષણ અંતર્ગત દરરોજ સવારના ૭ થી ૮ કલાક દરમિયાન આત્મા પાર લાગતા ૮ કર્મરૂપી અવગુણોને મુકત કરવા ઇનર કિલનિંગ કોર્સની વિશિષ્ટ ધ્યાન સાધના, ૮.૧૫ થી ૮.૩પ - ૯ દિવસમાં ૯૯,૯૯,૯૯૯ શ્રી નમસ્કાર મહામંત્ર જપ સાધના, ૮ૅં૩૫ થી ૯ૅં૦૦ પૂજ્ય મહાસતીજીના શ્રીમુખેથી પ્રવચનધારા, ૯ થી ૧૦.૧૫ દરમિયાન રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના શ્રીમુખેથી બોધ વચન તેમજ પચ્ચકખાણ વિધિ કરવવામાં આવશે, ૧૦.૩૦ થી ૧૧ કલાક દરમિયાન પ્રેરણાત્મક નાટ્ય દ્રશ્યાંકનનું (ઇન્સપિરેશનલ પર્ફોર્મન્સીસ) આયોજન કરવામાં આવ્યું છે.

ઉપરાંતમાં રાત્રિના સમયે ૮ કલાકે અમેરિકાની શિરસ્થ સંસ્થા - થ્ખ્ત્ફખ્માં પરમ ગુરુદેવના પ્રવચન સાથે પરદેશના મલેશિયા, વોશિંગ્ટન, યુગાન્ડા, સુદાન, કેલિફોર્નિયા,ન્યુયોર્ક, યુકે આદિ ક્ષેત્રોના ભાવિકો માટે પૂજ્ય શ્રી મહાસતીજીના શ્રીમુખેથી બોધ પ્રવચન આપવામાં આવશે.

દરરોજ સાંજના પ્રતિક્રમણની આરાધના, દરરોજની ભકિત સ્તવના, સંધ્યા ભકિત, ભગવાન મહાવીર જન્મોત્સવ તેમજ સંવત્સરી આલોચનાના વિશિષ્ટ આયોજન સાથે દરરોજ ૩ વર્ષથી ૧૫ વર્ષના બાળકો માટે બાલ પર્યુષણ આરાધના અંતર્ગત ગુજરાતી, હિન્દી તેમજ ઇંગ્લીશમાં પ્રવચન આદિ કાર્યક્રમો યોજાશે.

વિશેષમાં ૯ દિવસ સુધી શ્રી નમસ્કાર મહામંત્રની સામુહિક જપ સાધના દ્વારા ૯૯,૯૯,૯૯૯ શ્રી નમસ્કાર મહામંત્ર જપ આરાધના અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું છે.

ગ્લોબલ પર્યુષણ મહાપર્વના સંઘપતિ રૂપે શાસનદીપક ગુરુદેવ પૂજ્ય શ્રી નરેન્દ્રમુનિ મહારાજ સાહેબ એવમ મા સ્વામી-પૂજ્ય શ્રી જય-વિજયાજી મહાસતીજીની પરમ સ્મૃતિમાં ધર્મવત્સલા બીનાબેન અજયભાઈ શેઠ - કવેસ્ટ ફાઉન્ડેશન - સાયન લાભ લઈને ધન્ય બનશે.

અત્યંત ભકિતભાવથી પર્વાધિરાજ પર્વની મંગલ પધરામણીના આયોજન સાથે સહુ ધર્મપ્રેમી ભાવિકોને દરેકે દરેક કાર્યક્રમમાં જોડાવા ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.(૪.૧૧)

પર્વનો રાજા એટલે પર્વાધિરાજ પર્યુષણ પર્વ

ધર્મ સ્થાનકોમાં પ્રાર્થના,પ્રવચન,સામાયિક, પ્રતિક્રમણ, આલોચના, તપ - જપ સહિતના અનુષ્ઠાનોના આયોજનો થશે

રાજકોટ, તા.,૨: ત્રિલોકીનાથ તીથઁકર પરમાત્માએ જૈન આગમોમાં ભાદરવા સુદ પાંચમ સંવત્સરીના દિવસને વિશેષ પ્રાધાન્ય આપેલું છે,પરંતુ મહા પુરુષોએ આગળના સાત દિવસ સંવત્સરીની ભૂમિકારૂપ ધર્મમય માહોલ બનાવવા માટે તેમજ ધર્મ પ્રેમીઓ વધારેમાં વધારે સમય ધાર્મિક, અનુષ્ઠાનો, પ્રાર્થના, સામાયિક, પૌષધ, પ્રતિક્રમણ, તપ - જપ કરી ધર્મ ધ્યાનમાં સતત રત રહે તે હેતુથી આઠ દિવસ પર્યુષણ પર્વની પરંપરા ચાલુ કરેલ છે.સ્થાનકવાસી જૈનો શનિવારથી પર્વાધિરાજ પર્યુષણ પર્વનો શુભારંભ થશે.

પ્રભુ મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણક મહોત્સવ ચૈત્ર સુદ તેરસના છે પરંતુ પર્વાધિરાજ પર્યુષણ પર્વમાં ભાવિકોની ઉપસ્થિતિ ધર્મ સ્થાનકોમાં વિશેષ પ્રમાણમાં રહેતી હોવાથી પવૅના પાંચમા દિવસે મહાવીર જીવન કવન વાંચવાની પરંપરા ચાલે છે. પરાપૂર્વથી ચાલી આવતી પરંપરા અનુસાર બુધવાર તા.૮ ના પ્રભુ મહાવીર સ્વામીના જીવનના પ્રેરક પ્રસંગોનું વાંચન થશે...

સ્થાનકવાસી સમાજનો તા.૧૧ના રોજ સવંત્સરી મહા પર્વનો દિવસ છે. આરાધકો આરાધક બનવા જીવમાત્રની અંતઃકરણપૂર્વક ભાવપૂર્વક ક્ષમાપના કરશે. મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે જૈનો પર્યુષણ પર્વને પર્વનો રાજા ગણે છે.જેવી રીતે કોઈ વિદ્યાર્થી આખુ વર્ષ મહેનત કરે અને પરીક્ષાના સમયે આઠ દિવસ પેપર બરાબર આપે તો તેનું વર્ષ સફળ થઈ જાય છે, તેવી જ રીતે દરેક જીવાત્મા માટે આ આઠ દિવસ આત્માની પરીક્ષાના દિવસો સમાન છે.

વર્ષ દરમ્યાન જાણતા - અજાણતા જે કર્મો બંધાઈ ગયા હોય તેને યાદ કરી પોતાના આત્માની સાક્ષીએ કર્મોની આલોચના, ગહો કરી, પ્રાયશ્ચિત લઈ તપ - ત્યાગ કરીને કર્મો ખપાવવાના શ્રેષ્ઠ દિવસો રહેલા છે.

આગળના સાત દિવસ એટલે આત્મ સાધના કરવાના દિવસો અને સવંત્સરીનો દિવસ એટલે સિધ્ધીનો દિવસ.

અનંત તીર્થકર પરમાત્મા ફરમાવે છે કે ચોર્યાશી લાખ જીવાયોનિના જીવને મિચ્છામિ દુક્કડમ્ કરી હળવા ફૂલ બની જવું.

જ્ઞાની ભગવંતો કહે છે આઠ દિવસ પોતાના આત્માનું ચેકીંગ કરી આલોચના, પ્રતિક્રમણ કરી જગતના સર્વે જીવાત્માને ખરા અંતઃ કરણપૂર્વક ખમાવી આત્માને શાંત અને સ્વસ્થ કરીને વર્ધમાન પરીણામનું લક્ષ રાખવા આ પર્યુષણ પર્વના મહાન અને પવિત્ર દિવસો રહેલાં છે.

સંકલન : મનોજ ડેલીવાળા,રાજકોટ., મો.૯૮૨૪૧ ૧૪૪૩૯

(3:54 pm IST)