Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

પાંખી હાજરી સાથે શાળામાં ધો. ૬ થી ૮ના વર્ગોનો પ્રારંભ

કોરોના મહામારીને કારણે દોઢ વર્ષ બાદ ધો. ૬ થી ૮ની શાળાઓ ખુલીઃ જન્માષ્ટમી પર્વની રજા અને પ્રથમ દિવસે હાજરી ઓછી... ધીરે ધીરે વધવાની શકયતાઃ ૨૦ હજાર શાળાઓમાં ૩૨ લાખથી વધુ છાત્રોનું ઓફલાઈન શિક્ષણ શરૂ

રાજકોટઃ ગુજરાત રાજ્યમાં કોરોનાની મહામારીને કારણે છેલ્લા દોઢ વર્ષથી ઓનલાઈન શિક્ષણ મેળવતા ધો. ૬ થી ૮ના ઓફલાઈન વર્ગો આજથી શરૂ થયા છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ, તા. ૨ :. છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારીને કારણે શિક્ષણ ઓનલાઈન ચાલુ છે. ગુજરાત સરકારે ગુજરાત રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટી જતા હવે તબક્કાવાર શિક્ષણ કાર્ય અનલોક કરી શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કર્યુ છે. દોઢ વર્ષ બાદ આજથી ગુજરાતભરની સરકારી, ખાનગી શાળાઓમાં ધો. ૬ થી ૮નું શિક્ષણ કાર્ય શરૂ થયુ છે. જો કે પ્રથમ દિવસે પાંખી હાજરી વિદ્યાર્થીઓની જોવા મળી હતી.

ગુજરાત સરકારે આજથી ધો. ૬ થી ૮ની પ્રાથમિક શાળાઓમાં કલાસ રૂમ શિક્ષણ શરૂ કર્યુ છે. ૧૫ જુલાઈથી ધો. ૧૨ બાદ ધો. ૯ થી ૧૧નું શાળામાં શિક્ષણ કાર્ય શરૂ કર્યુ હતું. ઓનલાઈન શિક્ષણથી કંટાળેલા હજારો વિદ્યાર્થીઓ ઓફલાઈન શિક્ષણની મંજુરી મળતા જ ઉત્સાહભેર શાળાએ જવાનો નિર્ણય કર્યો છે. શાળાઓમાં હાજરી ફરજીયાત નહિ પરંતુ મરજીયાત છે. વાલીઓની સંમતિ બાદ શાળાઓએ વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો છે.

લાંબા સમય બાદ ધો. ૬ થી ૮માં શિક્ષણ કાર્ય શરૂ થતા ગુજરાત રાજ્યની ૨૦,૦૦૦થી વધુ શાળાઓના ૩૨ લાખથી વધુ વિદ્યાર્થીઓનું શાળામાં શિક્ષણ કાર્ય શરૂ થયુ છે. લાંબા સમય બાદ વિદ્યાર્થીઓ શાળાએ આવતા કલાસ રૂમની સફાઈ, સેનેટાઈઝ, સોશ્યલ ડીસ્ટન્સથી બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. શાળાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે માસ્ક ફરજીયાત રાખવામાં આવ્યા છે. શાળાઓમાં સરકારની ગાઈડલાઈન મુજબ કોરોનાના નિયમોનું પાલન કરવાનુ રહેશે.

જન્માષ્ટમી મહાપર્વમાં રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ચાર દિવસ ઉત્સાહ-ઉમંગથી ઉજવણી કરવામાં આવી હતી. ધાર્મિક સ્થળો અને ફરવાના સ્થળોએ લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. જન્માષ્ટમી બાદ શાળા શરૂ થતા વાલીઓએ એકાદ અઠવાડીયુ હજુ ઓનલાઈન શિક્ષણ મેળવવાનું નક્કી કર્યુ છે. આવતા અઠવાડીયે શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધવાનો નિર્દેશ શાળા સંચાલકોએ આપ્યો છે.

ધો. ૬ થી ૮ની શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ કરવા રાજ્ય સરકારને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે રજૂઆત કરી હતી.

(11:12 am IST)