Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

મિલ્‍કત વેરો ભરવામાં ન્‍યુ રાજકોટવાસીઓ મોખરે : ૭૫.૪૭ કરોડ ઠાલવ્‍યા

મનપાની વળતર યોજનામાં નવો રેકોર્ડ : વેસ્‍ટ ઝોનમાં ૧,૨૦,૯૩૧ કરદાતાઓએ વેરો ભર્યો : ૩૧ મે સુધીમાં ૨,૬૬,૯૨૭ કરદાતાઓ રૂા. ૧૫૮.૭૦ કરોડની રકમ જમા કરાવી

રાજકોટ, તા., ૨: મહાનગરપાલિકા દ્વારા હાલમાં અમલમાં રહેલી, વર્ષ ૨૦૨૨-૨૩ના વર્ષમાં તા.૩૧ મે સુધી એડવાન્‍સ મિલ્‍કત વેરો ભરનાર મિલ્‍કતધારકને ૧૦ ટકા વળતર તથા મહિલા મિલ્‍કતધારકોને વધારાના એટલે કે ૧૫ ટકા અને તા.૩૦ જુન સુધી એડવાન્‍સ મિલ્‍કત વેરો ભરનાર મિલ્‍કત ધારકને ૫ ટકા અને મહિલા મિલ્‍કત ધારકને ૧૦ ટકા વળતરની યોજનામાં ૩૧ મે સુધીમાં ૨,૬૬,૯૨૭ કરદાતાઓએ ૧૦ થી ૧૫ ટકા વળતર યોજનાનો લાભ લઇ મહાનગરપાલિકામાં વેરા પેટે રૂા. ૧૫૮.૭૦ કરોડ જમા કરાવ્‍યા છે. જેમાં સૌથી વધુ વેસ્‍ટઝોનનાં ૧,૨૦,૯૩૧ કરદાતાઓએ  રૂા. ૭૫.૪૭ કરોડ જેટલો ભર્યો છે તેમજ વોર્ડ નં.૭માં ૩૦,૦૩૬ કરદાતાઓએ રૂા.૧૯.૧૮ કરોડનો વરો  ભરી ૧૮ વોર્ડમાં સૌથી વધુ આ વોર્ડ માંથી આવક થવા પામી છે. આમ ૩૧ મે સુધીમાં કુલ મનપામાં ૨,૬૬,૯૨૭ કરદાતાઓએ રૂા. ૧૫૮.૭૦ કરોડની આવક થવા પામી છે. જે તંત્રનાં ઇતિહાસમાં સૌથી વધુ આવકનો રેકોર્ડ સર્જાયો છે.

વેરા શાખામાં નોંધાયેલ  વિગતો મુજબ ત્રણેય ઝોનમાં કયાં વોર્ડમાં કેટલી આવક થવા પામી છે તેની વિસ્‍તૃત વિગતો આ મુજબ છે.

સેન્‍ટ્રલ ઝોન

વોર્ડ નં. ર માં ૧૩,૩૩૩ કરદાતાઓએ ૬.૭૫ કરોડ, વોર્ડ નં. ૩ માં ૧૪,૩૭૪એ ૫,૮૪ કરોડ, વોર્ડનં. ૭ માં ૩૦,૦૩૬ કરદાતાઓએ ૧૯.૧૮ કરોડ, વોર્ડ નં. ૧૩ માં ૧૩,૦૮૨ કરદાતાઓએ ૭.૬૫ કરોડ, વોર્ડ નં. ૧૪ માં ૧૨,૭૪૫ લોકોએ ૫.૬૫ કરોડ, તથા વોર્ડ નં. ૧૭માં ૧૦,૩૫૭ મિલ્‍કતધારકોએ ૪.૨૪ કરોડનો વેરો ભર્યો છે. આ ઝોનમાં કુલ ૯૩,૯૨૭ કરદાતાઓ દ્વારા રૂા.૪૯.૬૫ કરોડની આવક થવા પામી છે.

વેસ્‍ટ ઝોન

વોર્ડ નં. ૧ના ૧૭,૮૦૧ મિલ્‍કત ધારકોએ ૮.૫૩ કરોડ, વોર્ડ નં. ૮ ના ૧૭,૪૨૪  કરદાતાઓએ ૧૫ કરોડ, વોર્ડ નં. ૯ માં ૨૨,૬૭૭ લોકોએ ૧૧.૪૬ કરોડ, વોર્ડ નં. ૧૦ના ૧૮,૯૧૫ મકાન ધારકોએ ૧૩.૭૪ કરોડ, વોર્ડ નં. ૧૧ ના ૨૬,૫૫૦ કરદાતાઓએ  ૧૬.૬૫ કરોડ તથા વોર્ડ નં. ૧રના ૧૭,૫૬૪ કરદાતાઓએ રૂા. ૧૦ કરોડ સહીત કુલ ૧,૨૦,૯૩૧ કરદાતાઓએ ૭૫.૪૭ કરોડનો વેરો ભર્યો છે.

ઇસ્‍ટ ઝોન

સામા કાંઠાના વોર્ડ નં. ૪માં ૧૦,૭૪૪ કરદાતાઓએ ૭.૫૦ કરોડ, વોર્ડ ન. પ માં ૭,૯૬૩ મિલ્‍કત ધારકોએ ૩.૯૮  કરોડ, વોર્ડ નં. ૬ માં ૬,૮૬૨લોકોએ ૪.૪૧ કરોડ, વોર્ડ નં. ૧પ માં ૪,૪૯૨ કરદાતાઓએ ૪.૫૫ કરોડ, વોર્ડ નં. ૧૬માં ૬,૭૯૧ મિલ્‍કત ધારકોએ ૩.૨૭ કરોડ તથા વોર્ડ નં. ૧૮માં ૧૫,૨૧૭ કરદાતાઓએ ૯.૮૩ કરોડ સહીત કુલ ૫૨,૦૬૯ મિલ્‍કત ધારકોએ રૂા. ૩૩.૫૭ કરોડનો વેરો ભર્યો છે.

ગત વર્ષ કરતા ૯૬.૩૭ કરોડ વધુ

ગત વર્ષે ૧ એપ્રિલ ૨૦૨૧થી ૩૧ મે ૨૦૨૧ સુધીમાં ૧,૩૪,૧૩૬ કરદાતાઓએ રૂા.૬૨.૩૩ કરોડનો એડવાન્‍સ વેરો ભરી વળતર યોજનાનો લાભ લીધો હતો. આમ આ વર્ષે રૂા. ૧૫૮ કરોડની મિલ્‍કત વેરાની આવક થતા રૂા. ૯૬.૩૭ કરોડની વધુ આવક થવા પામી  છે. જ્‍યારે મનપાને મિલ્‍કત વેરાની વર્ષ ૨૦૨૧-૨૨ એટલે કે ૧ એપ્રિલ ૨૦૨૧થી ૩૧ માર્ચ ૨૦૨૨ સુધીમાં ૩,૧૧,૧૯૫ કરદાતા દ્વારા કુલ રૂા. ૨૬૨.૯૨ કરોડની આવક થવા પામી હતી.(૨૧.૨૭)

 

મનપાની તિજોરીમાં ૯૨.૮૨ કરોડ આંગળીના ટેરવે ઠાલવ્‍યા

,૬૯,૪૨૦ શહેરીજનોઓ ઓનલાઇન વેરો ભરી વિશેષ ૧ ટકા વળતરનો લાભ મેળવ્‍યો

રાજકોટ : મહાનગર પાલિકા દ્વારા અગાઉના વરસોની માફક જ વર્ષ ૨૦૨૨-૨૩ના વર્ષમાં પણ એડવાન્‍સ મિલ્‍કત વેરાની રકમ ભરપાઇ કરનાર કરદાતાઓને વળતર આપવાની યોજનાનો તા. ૭ એપ્રિલથી પ્રારંભ કરવામાં આવ્‍યો છે ત્‍યારે ૩૧ મે સુધીમાં ૨.૬૬ કરદાતાઓએ રૂા. ૧૫૮.૭૦ કરોડ તંત્રની તિજોરીમાં ઠાલવ્‍યા છે. જ્‍યારે શહેરીજનોએ ડીજીટલ યુગમાં સૌથી વધુ ૧,૬૯,૪૨૦ શહેરીજનોએ રૂા. ૯૨.૮૨ કરોડ ઓનલાઇન વેરો ભર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વળતર યોજનામાં ઓનલાઇન મિલકત વેરો ભરનાર મિલ્‍કતધારકોને વિશેષ ૧ ટકા વળતર આપવામાં આવે છે.

(3:53 pm IST)