Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

B.Ed કોલેજ સ્‍થળ તપાસ સમિતિના ચેરમેનપદેથી રાજીનામુ ફગાવતા નિદત બારોટ : ખળભળાટ

મારી નિમણુંક શિક્ષણ વિદ્યાશાખાના ડીન તરીકે થઈ હતી, નહિં કે કોંગ્રેસના પ્રવકતા : અધ્‍યક્ષપદે અન્‍યને નિમણુંક આપો * ડીન તરીકે હું કોઈ પણ કોલેજમાં ઈન્‍સ્‍પેકશન કરવાનો અધિકાર ધરાવુ છું : કુલપતિ ભીમાણીને પત્ર પાઠવી રાજીનામુ મોકલ્‍યુ

રાજકોટ, તા. ૨ : બી ગ્રેડની સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં હાલ કાર્યકારીઓથી વહીવટ ચાલે છે. શિક્ષણધામમાં શિક્ષણને બદલે રાજકીય અને બદલાની ભાવનાથી દાવ લેવાતા હોય છે. હાલ કાર્યકારી કુલપતિ ગીરીશ ભીમાણીના મોટાભાગના નિર્ણયોમાં વિવાદ વકરી રહ્યો છે. તાજેતરમાં આમ આદમી પાર્ટીએ બી.એઙની કોલેજોમાં સ્‍થળ તપાસની માંગ કરતું આવેદનપત્ર પાઠવ્‍યુ હતું. આમ આદમી પાર્ટીના વલણથી જાણે ખૂબ ઓળઘોળ હોય તેમ તુરંત કમીટી રચી અને તપાસ આપી હતી. પરિપત્રમાં પણ આપનો ઉલ્લેખ કરવામાં આવ્‍યો હતો.

ભાજપના આગેવાન અને હાલ કુલપતિ પદનો કાર્યભાર સંભાળતા ગીરીશ ભીમાણીના વલણથી ભાજપમાં જ ભારે રોષ ફેલાયો હતો.

આ બી.એઙ કોલેજની તપાસ સમિતિમાં શિક્ષણ વિદ્યાશાખાના ડીન તરીકે ડો.નિદત બારોટની ચેરમેનપદે વરણી કરવામાં આવી હતી, પરંતુ યુનિવર્સિટીના વર્તુળોએ ડીનને બદલે પ્રવકતા તરીકે નિમણુંક થતી હોવાના બુમ બરાડા પાડતા વ્‍યથિત થઈ પ્રો.નિદત બારોટે શિક્ષણમાં રાજકારણ નહિં ના સૂત્રને અનુસરીને તુરંત ચેરમેન પદેથી રાજીનામુ ફગાવી દીધુ છે.

ડો. નિદત બારોટે કુલપતિ ડો. ગીરીશ ભીમાણીને પત્ર પાઠવીને રાજીનામુ આપ્‍યુ છે. યુનિવર્સિટીના વહીવટમાં રાજકીય હોદ્દા અને રાજકીય બાબત વચ્‍ચે ન આવે તેવા શુભ હેતુથી રાજીનામુ આપ્‍યાનું જણાવ્‍યુ છે.

ડો.નિદત્ત બારોટે કુલપતિ ગિરિશ ભીમાણીને મોકલેલ રાજીનામા પત્રમાં જણાવેલ કે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જુદી જુદી બી.એડ. કોલેજો એન.સી.ટી.ઈ.નું ઈન્‍સ્‍પેકશન થયું હોય તે સ્‍થળ સિવાય અન્‍ય સ્‍થળે ચાલતી હોવાનું હાલમાં એન.સી.ટી.ઈ.એ બહાર પાડેલા નોટીફીકેશનથી પ્રતિપાદિત થતા આપના દ્વારા આવી કોલેજોનું રૂબરૂ ઈન્‍સ્‍પેકશન થાય તેવા હેતુથી એક સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં શિક્ષણ વિદ્યાશાખાના ડીન તરીકે મારી અધ્‍યક્ષ તરીકે નિયુકિત કરવામાં આવી હતી. રાજકોટના વિવિધ માધ્‍યમોમાં પ્રસિધ્‍ધ થયેલ અહેવાલ અનુસાર આ નિયુકિતમાં શિક્ષણ વિદ્યાશાખાના ડીનને બદલે કોંગ્રેસના પ્રવકતા તરીકે નિયુકિત થઈ હોય તેવા અહેવાલ પ્રસિધ્‍ધ થયા છે જે સંદર્ભે મને એવું લાગે છે કે આ સમિતિના અધ્‍યક્ષ તરીકે મારે જવાબદારી નિભાવવી જોઈએ નહિ. આપ અધ્‍યક્ષ તરીકેની જવાબદારી કોઈ અન્‍ય વ્‍યકિતને સોંપશો તે વધુ યોગ્‍ય રહેશે. શિક્ષણ વિદ્યાશાખાના ડીન તરીકે સૌરાષ્‍ટ્રની કોઈપણ કોલેજમાં ઈન્‍સ્‍પેકશન કરવા માટે હું અધિકાર ધરાવું છું ત્‍યારે આ સમિતિમાં કોઈ અન્‍ય અધ્‍યક્ષ હશે તેમને જયારે અને જેવા પ્રકારની શિક્ષણ વિદ્યાશાખાના ડીન તરીકે મારી જરૂરીયાત હશે તેમાં મારો સંપૂર્ણ સહયોગ રહેશે. યુનિવર્સિટીના વહિવટમાં રાજકીય હોદા અને રાજકીય બાબત વચ્‍ચે ન આવે તેવા શુભ હેતુથી હું સમિતિમાંથી મને દુર રાખવા આપને વિનંતી કરું છું. તેમ રાજીનામા પત્રના અંતમાં નિદત્ત બારોટે જણાવ્‍યું છે.

(3:49 pm IST)