Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

ગોંડલના વેપારી વિરૂધ્‍ધ થયેલ ચેક પાછો ફરવાની ફરિયાદ રદ કરતી કોર્ટ

રાજકોટ તા. રઃ ગોંડલના રહીશ સુશીલ રાજેશભાઇ સાટોડીયા, ઠે. ગોલ્‍ડન પાર્ક, માધવ સ્‍કુલ પાસે, ગુંદાળા રોડ, ગોંડલના એ શૈલેષકુમાર ત્રિભોવનદાસ ઉનડકટ, નવા માર્કેટીંગ યાર્ડ, ગોંડલના સામે ગોંડલ કોર્ટમાં દાખલ કરેલ ડીઓનરની ફરીયાદ ગોંડલ કોર્ટે રદ કરેલ છે.
ફરીયાદની વિગતો મુજબ ફરીયાદી ગોંડલમાં રહે છે અને વેપાર-ધંધો કરે છે. તેઓએ શીરીષકુમાર ચૌધરી પાસેથી મોટરકાર આઇ-૧૦ ખરીદ કરેલ. જે મોટર કાર દલાલ યુનુસ મોરવાડીયા મારફત રૂા. ર,૧૧,૦૦૦/- માં આરોપીને વેચાણ આપવામાં આવેલ અને તેનો કબજો સોંપી આપેલ. કાર વેચાણના અવેજ પેટે રૂા. ૧૧,૦૦૦/- રોકડા ફરીયાદીને આરોપીએ ચૂકવેલ અને બાકીના રૂા. ર,૦૦,૦૦૦/-ની રકમ ચૂકવવા રૂા. એક લાખનો એક એવા બે ચેક આરોપીએ ફરીયાદીની તરફેણમાં લખી આપેલ.
ઉપરોકત ચેકની વસુલાત મેળવવા ફરીયાદીએ તેના બેંક એકા.માં રજુ રાખતા રકમના અભાવે ચેક ડીસઓનર થયેલ જેથી ફરીયાદીએ આરોપીને કાયદાના પ્રબંધો મુજબ નોટીસ આપેલ, અને નોટીસ પીરીયડમાં ડીસઓનર થયેલ ચેકની રકમ નહિ ચુકવતા ગોંડલ કોર્ટમાં ફરિયાદ કરવામાં આવેલ.કોર્ટએ સમગ્ર ટ્રાયલ દરમ્‍યાન રેકર્ડ ઉપર આવેલ લેખિત-મૌખિક પુરાવાઓ ધ્‍યાને લઇ ઠરાવેલ છે કે, ફરીયાદી કાર વેચાના લેણા પેટે બે ચેક મળેલ છે તેવું જણાવે છે. પરંતુ પોતે તે કારના માલિક હતા તે સાબીત કરી શકેલ નથી. તેમજ પોતે તે કાર કારમેળામાંથી મેળવેલ હોય તો તે કયા કાર મેળામાંથી ખરીદ કરેલ છે તેની કોઇ વિગત તેની કોઇ ફરિયાદ કે નોટીસ, જુબાનીમાં દર્શાવેલ નથી તેમજ આરોપીને કાર વેચાણ કરેલ હોય તેવો કોઇ દસ્‍તાવેજ રજુ કરેલ નથી. આ સંજોગોમાં ફરીયાદી અને આરોપી વચ્‍ચે કોઇ નાણાંકીય વ્‍યવહાર થયેલ હશે તે સાબીત ન થતું નથી. એટલે કે ચેક ડીસઓનરને ફરીયાદના કેસમાં ધારણકર્તાની બાબતમાં ચેક બાબતે માનવા યોગ્‍ય આવશ્‍યક તત્‍વ-‘કાયદેસર રીતે અમલ કરાવી શકાય તેવું લેણું કે જવાબદારી અંશતઃ કે પૂરી કરવા માટે ચેક આપેલ હોવાનું સાબીત થતું નથી. જેથી ફરીયાદ પક્ષ નિઃશંક રીતે ફરીયાદની વિગતો સાબીત કરવામાં નિષ્‍ફળ નિવડેલ હોય, આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવવામાં આવેલ છે.
 આ કામમાં આરોપી શૈલેષકુમાર ત્રિભોવનદાસ ઉનડકટ વતી વિકાસ કે. શેઠ એડવોકેટ તથા ગુજરાત હાઇકોર્ટના બ્રિજે શેઠ એડવોકેટ દરજજે રોકાયેલ હતા.

 

(3:31 pm IST)