Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

જીના યહાં મરના યહાં, ઇસ કે સિવા જાના કહાં...

ગ્રેટ ગોલ્‍ડન સરકસના જોકરો રાજકોટમાં ખૂબ લોકપ્રિય બન્‍યા : સરકસના જોકર કિશોરજી ૬૦ વર્ષના છે, ૪૭ વર્ષથી સરકસમાં કામ કરે છેઃ ઝુલા પરથી પડયા...ખભ્‍ભો ભાંગ્‍યો હતોઃ ‘મેરા નામ જોકર' જેવી સ્‍ટોરીઃ માતા-પિતાના નિધન સમયે શોમાં ખેલ ચાલુ રાખ્‍યો હતોઃ બીજા જોકર સુરજકુમાર ૪ ફુટની ઉંચાઇ ધરાવે છેઃ બંને મળીને દર્શકોને ખડખડાટ હસાવે છે...

હા...હા...હા...હા... : સર્કસમાં જોકર નાના મોટા સૌનું સૌથી પ્રિય પાત્ર હોય છે ત્‍યારે ‘અકિલા' કાર્યાલય ખાતે ગ્રેટ ગોલ્‍ડન સર્કસના બંને જોકરો કિશોરજી અને સુરજજીએ ‘અકિલા'ના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે મુલાકાત કરી રમૂજ પ્રસરાવી દીધી હતી. ઉપરોકત તસ્‍વીરોમાં ‘અકિલા'ના મોભીશ્રી કિરીટભાઇ સાથે બંને જોકર કિશોરજી અને સૂરજજી દર્શાય છે, ઉપરની તસવીરમાં કિરીટભાઇ ગણાત્રા સાથે સર્કસના મેનેજર બસીરભાઇ, શરદભાઇ પીઠડીયા, બંને જોકરો કિશોરજી - સૂરજ ચારૂ પબ્‍લીસીટી વાળા મૌલીક હરીશભાઇ પારેખ અને અન્‍ય તસ્‍વીરોમાં જોકરો કિશોરજી અને સૂરજજી લાક્ષણિક મુદ્રામાં હાસ્‍ય રસ પિરસતા દેખાય છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ, તા., ૨: જીના યહાં, મરના યહાં ઇસકે સિવા જાના કહાં...

સરકસની દુનિયા  નીરાળી છે સરકસમાં વિચિત્ર સ્‍તરના કલાકારો કામ કરતા હોય છે. દર્શકોમાં સૌથી વધારે લોકપ્રિય સરકસના જોકર હોય છે. દર્શકોને ખડખડાટ હસાવીને મોજ કરાવતા હોય છે. રાજકોટમાં હાલ શાષાી મેદાનમાં વિશ્વસ્‍તરીય સરકસ  ગ્રેટ ગોલ્‍ડનના શો ચાલે છે. આ સરકસના જોકરો રાજકોટ વાસીઓમાં અપાર લોકપ્રિય બન્‍યા છે. જોકરો સાથે સેલ્‍ફી ખેંચવા પડાપડી થાય છે. દર્શકોને પેટમાં દુખાડી દે તેવી કોમેડી ખેલ કરે છે. આ કલાકારોની વિશેષતા એ છે કે તેઓ નિર્દોષ કોમેડી કરે છે. એ સપરિવાર માણવા જેવી છે.

ગ્રેટ ગોલ્‍ડન સરકસના બે જોકર કિશોર પ્રસાદ તથા સુરજ કુમાર અકિલાની મુલાકાતે આવ્‍યા હતા. આ બંને ખુબ લોકપ્રિય કલાકારો છે. બંને આગવી વિશેષતા ધરાવે છે. શો શરૂ થયાથી અંત સુધી આ જોડી વિવિધ ઝલક દર્શાવીને દર્શકોને મોજ કરાવી દે છે. આ બંને કલાકારો સાથે રોમાંચક વાતચીત થઇ હતી.

એક જોકર કિશોર પ્રસાદજી મૂળ દરભંગા-બિહારના છે. તેઓ ફુલ ર્સ્‍ફુતીથી ખેલ કરે છે. તેઓની ઉંમર ૬૦ વર્ષની છે. છેલ્લા ૪૭ વર્ષોથી સરકસની દુનિયામાં છવાયેલા છે. ૧૯૯૦ની સાલમાં પણ તેઓ રાજકોટ સરકસમાં આવ્‍યા હતા. તેઓ કહે છે કે રાજકોટવાસીઓ કલાની કદર કરનારા છે. ખુબ લાગણીશીલ છે અને અમારા પર ભરપુર પ્રેમ વરસાવે છે.

કિશોરજી દરભંગા પંથકના ગ્રામ્‍ય વિસ્‍તારના છે તેઓ કહે છે કે પરીવારની આર્થીક સ્‍થિતિ ખરાબ હતી. નાનપણમાં શિક્ષણ લેવું શકય ન હતું. પરીવારને મદદરૂપ થવા કિશોરવસ્‍થાથી જ સરકસમાં જોડાઇ ગયા હતા. જોકર પાત્રમાં સેટ થયા અને દેશભરમાં દર્શકોનો ભરપુર પ્રેમ-પ્રોત્‍સાહન મળ્‍યા. ૪૭ વર્ષથી સરકસની દુનિયામાં ધબકી રહયો છું.

કિશોરજીની વિશેષતા એ છે કે, દરરોજ કઇક નવુ દર્શકો સમક્ષ રજુ કરે છે. તેઓને એક વખત ચાલુ શોએ ગંભીર અકસ્‍માત પણ થયો હતો. શો દરમિયાન ખુબ ઉંચાઇએ ઝુલા પર ઝુલીને કોમેડી કરતા હતા ત્‍યારે ત્‍યાંથી નીચે દર્શકો તરફ ફંટાયા...ખુબ સ્‍પીડથી ખુરશી પર પડયા ખભ્‍ભો ભાંગી ગયો.

સારવાર બાદ ફરીથી સરકસની દુનિયામાં લાગી ગયા. ‘મેરા નામ જોકર' ફિલ્‍મ જેવી ઘટના પણ કિશોરજીના જીવનમાં બની ગઇ છે. મુંબઇમાં સરકસનો શો ચાલુ હતો ત્‍યારે સમાચાર મળ્‍યા કે પિતાશ્રીનું અવસાન થયું છે.

કિશોરજી કહે છે કે દર્દને દિલમાં જ ધરબી દઇને શોમાં કોમેડી ચાલુ રાખી. દર્શકો આનંદ કરવા આવ્‍યા છે. તેમના આનંદમાં વિક્ષેપ થવો ન જોઇએ.

શો પુરો થયા બાદ ડ્રેસીંગ રૂમમાં હું  ખુબ રડયો હતો. આ ઘટનાના એક વર્ષ બાદ એક સ્‍થાને શો-ચાલુ હતો. ત્‍યારે માતુશ્રીના નિધનના સમાચાર મળ્‍યા હતા. ત્‍યારે પણ એ જ સ્‍થિતિ સર્જાઇ હતી. મારા કમનસીબ છે કે, હું માતા-પિતાના અંતિમ સમયે તેની પાસે રહી ન શકયો.

ગ્રેટ ગોલ્‍ડન સરકસમાં બીજા જોકર સુરજ યાદવ છે જેની ઉંમર ર૬ વર્ષની છે અને ૧૭ વર્ષથી સરકસમાં કામ કરે છે. બાળપણથી જ સરકસની દુનિયામાં એન્‍ટ્રી થઇ ગઇ હતી.

સુરજ યાદવ વામન સ્‍વરૂપ છે. તેની ઉંચાઇ ૪ ફુટ બે ઇંચ છે. ખુબ સ્‍ફુર્તીથી વિવિધ પ્રકારની કોમેડી કરીને દર્શકોને મોજ કરાવે છે. સાઇકલીંગમાં તે ઉંધી સાયકલ ચલાવીને દર્શકોને ખડખડાટ હસાવે છે. ફલાઇંગમાં તો આ જોકર કમાલ કરે છે.

તમારો મુડ ન હોય ત્‍યારે શું થાય? સુરજ યાદવ કહે છે કે, મેક-અપ કરીએ અને સરકસના શોમાં જઇએ ત્‍યારે આપોઆપ મુડ  ઠીક થઇ જાય છે. ઉપરાંત દર્શકોને હસતા જોઇએ ત્‍યારે અમારા ગમ દુર થઇ જાય છે. લોકોને મોજ કરાવવી અમારૂ કામ છે. જેને અમે નિષ્‍ઠાપુર્વક પુરૂ કરીએ છીએ.

ઓછી ઉંચાઇ અંગે કયારેય ભગવાનને ફરીયાદ કરો છો? આ પ્રશ્નના જવાબમાં જોકરે જણાવ્‍યું હતું કે આ મુદ્દે તો હું ભગવાનનો આભાર માનુ છું. મને બધાંથી અલગ બનાવ્‍યો એ મારી વિશેષ ઓળખ બની છે. જેના કારણે મને રોજગારી અને લોકપ્રિયતા મળી છે.

સરકસના જોકરોની દુનિયા અલગ હોય છે. સરકસના શોમાં તેને માણવા અચૂક જજો...

 

દરરોજ ત્રણ શો

શાષાી મેદાનમાં આવેલું ગ્રેટ ગોલ્‍ડન સરકસ સપરિવાર અચુક માણવા જેવું છે.

બપોરે ૩.૩૦ તથા સાંજે ૬.૩૦ અને રાત્રે ૯.૩૦ વાગ્‍યે ત્રણ શો થાય છે.

ટિકિટના દર રૂા. ૧પ૦ / રૂા. રપ૦ / રૂા.૪૦૦  છે. પરિવાર સાથે અચૂક માણજો.

બુકિંગ માટે મો.૭૯૮૪૯ ૩૮૧૪૩/ ૯૬૨૪૯  ૩૫૩૧૯

 

મોદીજીને મળવું છે, પણ...

જોકર કિશોરજી કહે છે કે, અમારા ગામનો મોદીજીએ ભરપૂર વિકાસ કર્યો છેઃ જોકર સુરજ કહે છે કે, મને તો મોદીજીને જોવાનું મન છે...

શાષાી મેદાનમાં  આવેલા ગ્રેટ ગોલ્‍ડન સરકસના જોકર કિશોરજી અને સુરજ યાદવ મોદીજીના ફેન છે. કિશોરજી કહે છે કે, મારું ગામ બિહારના દરભંગાનું સીંગવારા બસવારી ગામ છે. આ ગામમાં કોઇ સુવિધા ન હતી. મોદી સરકારની વિવિધ યોજનાઓના કારણે ગામની સિકલ બદલાઇ ગઇ છે. ઘરે-ઘરે બાથરૂમ થઇ ગયા છે રોડ-લાઇટ આવી ગયા. કૃષિમાં પણ વિજળી મળવા લાગી છે.સુરજ યાદવ કહે છે કે, મોદી સારા કામ કરે છે, પણ મારે તેમને રૂબરૂ જોવા છે, મળવું છે. મારે એ પણ કહેવું છે કે, કયારેય સરકસ બંધ ન કરતા - સરકસને પ્રોત્‍સાહન મળે તેવું કંઇક કરજો.

જોકરની યુ-ટ્‍યુબ ચેનલ!

સવાચાર ફુટના દુલ્‍હાએ ચાર ફૂટની દુલ્‍હન શોધી લીધી છે !

ગ્રેટ ગોલ્‍ડન સરકસના જોકર જમાવટ કરી રહ્યા છે. એક જોકર સુરજકુમાર યાદવ પોતાની યુ-ટયુબ ચેનલ ચલાવે છે જેનુ નામ સુરજબાબા છે. સુરજ યાદવ સવા ચાર ફુટની ઉંચાઇ ધરાવે છે તેમણે ચાર ફુટની છોકરી શોધી લીધી છે, જેની સાથે લગ્ન કરશે દુલ્‍હનનું નામ આપવાની ના પાડીને સુરજે જણાવ્‍યું હતું કે, લગ્ન પૂર્વે નામ આપવાની અમારામાં પ્રથા નથી.

ઘોડા-ડોગ-પક્ષીઓની મંજૂરી આપો

સરકસમાં પ્રાણી-પક્ષીઓને જીવની જેમ સાચવતા હતાઃ જંગલી પ્રાણીઓને મંજૂરી ન આપો તો કંઇ નહિ-ઘરેલુ જીવોને મંજૂરી આપો

રાજકોટ તા. ર :.. રાજકોટમાં આવેલા ગ્રેટ ગોલ્‍ડન સરકસના મેનેજર બશીર માવતરે જણાવ્‍યું હતું કે, સરકસમાં પ્રાણીઓ - પક્ષીઓના ખેલ બંધ છે. અમે સરકારના નિયમોનું પાલન કરીએ છીએ. જો કે અમારી  લાગણી છે કે, ઘરેલુ જીવોને સરકસમાં મંજૂરી આપવી જોઇએ. ઘોડા-ડોગ તથા પક્ષીઓને મંજૂરી આપવામાં આવે તો સરકસ વધારે રોચક બની શકે.

જોકર સુરજ યાદવે કહ્યું હતું કે, અમે પ્રાણીઓ પક્ષીઓને જીવની જેમ સાચવતા હતાં. પ્રાણીઓ માણસો સાથે રહેતા હતાં. ઘરેલુ પ્રાણીઓને મંજૂરી જરૂર છે. જોકર કિશોરજીએ સિંહ-ચિત્તા-વાંદરા-પક્ષીઓ વગેરે સાથે કામ કર્યુ છે.

(3:25 pm IST)