Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

બામણબોરના ગારીડામાં હત્‍યાઃ ધમકી મળતાં શૈલેષ ભાગ્‍યો, પાંચ શખ્‍સોએ શોધીને ક્રુરતાથી પતાવી દીધો

નવા એરપોર્ટ પાસે કોળી યુવાને મુકેલી ચાની કેબીન હટાવી લેવા મામલે સતત ધમકી મળતી હતી : સાંજે છ વાગ્‍યે ફાકી ખાવા જવાનું કહીને નીકળ્‍યો ને થોડીવારમાં જ ઘરે પાછો આવતાં પાછળ નરેન્‍દ્ર ધોરીયા, તેનો ભાઇ મહેશ, રમેશ ધોરીયા તેનો પુત્ર વિક્રમ ઉર્ફ ગુલો અને અજાણ્‍યાએ આવી આજે તો પતાવી જ દેવો છે...તેવી ધમકી આપીઃ શૈલેષ ઘરેથી ભાગ્‍યા બાદ સાડા આઠેક વાગ્‍યે વેલાભાઇની વાડી પાસેથી હાથ-પગ ભાંગેલો મળ્‍યોઃ રાજકોટ હોસ્‍પિટલમાં ખસેડાયો પણ મૃતદેહ જ પહોંચ્‍યો

વધુ એક હત્‍યાઃ સાંજે પાંચ શખ્‍સોએ ઘરે આવી ધમકાવતાં ગભરાઇને શૈલેષ કોળી ઘરેથી ભાગી ગયો હતો. એ પછી સાંજે સાડા આઠેક વાગ્‍યે તે ગારીડામાં વેલાભાઇની વાડી પાસેથી હાથ-પગ ભાંગી નખાયેલી હાલતમાં મળ્‍યો હતો (પ્રથમ તસ્‍વીર), ત્‍યારબાદ તેને રાજકોટ ખસેડાયો હતો. પરંતુ અહિ મૃત જાહેર કરાયો હતો. શૈલેષનું ઘર, શોકમય સ્‍વજનો, તેનો નિષ્‍પ્રાણ દેહ, ફાઇલ ફોટો અને પિતાની છત્રછાંયા ગુમાવનારા માસુબ ભાઇ-બહેન માતાના ખોળામાં બેઠેલા જોઇ શકાય છે. તસ્‍વીર બામણબોરથી બાબુલાલ ડાભીએ મોકલી હતી.
રાજકોટ તા. ૨: હત્‍યાની વધુ એક ઘટના શહેર પોલીસ કમિશનરેટ એરિયામાં બની છે. એરપોર્ટ પોલીસ મથક હેઠળના બામણબોરના ગારીડા ગામે રહેતાં કોળી યુવાનને નવા બની રહેલા એરપોર્ટ પાસેની તેની ચાની કેબીન હટાવી લેવાનું કહી પાંચ શખ્‍સોએ ઘરે આવી ધમકી આપતાં આ યુવાન ગભરાઇને ભાગી જતાં પાંચેયએ કાવત્રુ ઘડી તેનો પીછો કરી ગામમાંથી જ તેને શોધી કાઢી બોથડ પદાર્થ, તિક્ષ્ણ હથીયારના ઘા ઝીંકી હાથ-પગ ભાંગી નાંખી ક્રુર હત્‍યા કરતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. પોલીસે ગુનો નોંધી પાંચેય આરોપીઓને પકડી લેવા તજવીજ હાથ ધરી છે. હત્‍યાના આ બનાવથી ગારીડા ગામ અને કોળી સમાજના લોકોમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.
એરપોર્ટ પોલીસે આ બનાવમાં હત્‍યાનો ભોગ બનેલા શૈલેષ મનાભાઇ કુંભાણી (કોળી)ના પત્‍નિ ભાવીકાબેન કુંભાણી (ઉ.૨૭)ની ફરિયાદ પરથી નરેન્‍દ્ર રઘાભાઇ ધોરીયા (કોળી), મહેશ રઘાભાઇ ધોરીયા, રમેશ દેવશીભાઇ ધોરીયા, વિક્રમ ઉર્ફ ગુલો રમેશભાઇ ધોરીયા અને એક અજાણ્‍યા શખ્‍સ વિરૂધ્‍ધ આઇપીસી ૩૦૨, ૫૦૬ (૨), ૧૨૦-૧૨૦ (બી), ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૩૫ (૧) મુજબ કાવત્રુ ઘડી ગેરકાયદે મંડળી રચી ધમકી આપી બોથડ અને તિક્ષ્ણ હથીયારોના ઘા ફટકારી શૈલેષની હત્‍યા કર્યાનો ગુનો નોંધ્‍યો છે.
ભાવિકાબેને ઘટનાની વિગતો આપતાં જણાવ્‍યું હતું કે હું મારા પતિ અને બાળકો સાથે રહુ છું. મારે સંતાનમાં એક પુત્રી ધ્રુવી (ઉ.૫) અને પુત્ર પ્રિન્‍સ (ઉ.૩) છે. મારા પતિ સાથે હું પણ ખેતીકામ કરુ છું. બુધવારે તા. ૧ના સાંજે છએક વાગ્‍યે મારા પતિ શૈલેષ ગામના પાદરમાં માવા-ફાકી ખાવા જઇ રહ્યાનું કહીને ઘરેથી નીકળ્‍યા હતાં અને થોડીવાર બાદ તે ઘરે આવી ગયા હતાં.
આ વખતે મારા પતિની પાછળ પાછળ નરેન્‍દ્ર ધોરીયા, તેનો ભાઇ મહેશ ધોરીયા, રમેશ દેવશી ધોરીયા, તેનો દિકરો વિક્રમ ઉર્ફ ગોલો રમેશ અને એક અજાણ્‍યો શખ્‍સ પણ અમારા ઘરે આવ્‍યા હતાં. આ બધાએ મારા પતિ સાથે બોલાચાલી કરી હતી અને રમેશ ધોરીયાએ મારા પતિ શૈલેષને ‘નવા એરપોર્ટમાં તારી કેબીન છે એ હટાવી લેજે' તેમ કહી ધમકી આપી હતી. મારા પતિને ખૂનની ધમકી મળતાં તે ઘરમાં આવી ગયા હતાં.
આ વખતે નરેન્‍દ્રએ પણ ‘તું બહાર નીકળ, તને પતાવી જ દેવો છે' એવી બૂમો પાડતાં મારા પત્‍િ ખુબ ડરી ગયા હતાં અને ઘરેથી ભાગીને વાડી વિસ્‍તારમાં જતાં રહ્યા હતાં. આથી નરેન્‍દ્ર, મહેશ, રમેશ સહિતના પણ તેની પાછળ ગયા હતાં. મને બીક લાગતાં હું પણ મારા સંતાનને લઇને વાડીએ બીજા ઘરે જતી રહી હતી. એ પછી સાંજે સાડા આઠેક વાગ્‍યે મારા સાસુ, સરા, દિયર ઘરે હતાં. મેં આ લોકોને શૈલેષને ધમકી અપાયાની વાત કરી હતી. ત્‍યાં મારા દિયર અરવિંદભાઇ પર અમારા ગામના ભૂપતભાઇ જીંજરીયાનો ફોન આવ્‍યો હતો કે તમારા ભાઇ શૈલેષને વેલાભાઇની વાડીની બાજુમાં ઝઘડો ચાલે છે. આથી હું, મારા સાસુ, જીવીબેન, સસરા મનાભાઇ, દિયર સહિતના લોકો વેલાભાઇની વાડી તરફ જતાં ત્‍યાં મારા પતિ શૈલેષ લોહીલુહાણ પડયા હતાં. મેં ૧૦૮ બોલાવી પતિને રાજકોટ હોસ્‍પિટલમાં ખસેડયા હતાં. પરંતુ ડોક્‍ટરે તેમને મૃત જાહેર કર્યા હતાં.
મારા પતિને નવું એરપોર્ટ બને છે ત્‍યાં ચાની કેબીન છે. આ કેબીન ઉઠાવી લેવા માટે રમેશ ધોરીયા વારંવાર મારા પતિને ધમકી આપતો હતો. મારા પતિ કેબીન હટાવતાં ન હોઇ તે કારણે રમેશ સહિતનાગુસ્‍સે થયા હતાં અને કાવત્રુ ઘડી મંડળી રચી અમારી ઘરે આવી મારા પતિને ધમકી આપી હતી. ગભરાઇને મારા પતિ ભાગી જતાં આ શખ્‍સોએ તેને ગામના વેલાભાઇની વાડી પાસે આંતરી લઇ ધોકા-પાઇપ કે પછી બીજા કોઇપણ બોથડ પદાર્થથી હુમલો કરી બંને હાથ પગ ભાંગી નાંખી તેમજ તિક્ષ્ણ હથીયારના ઘા ઝીંકી હત્‍યા કરી હતી. ભાવિકાબેનની આ વિગતોને આધારે એરપોર્ટ પોલીસ સ્‍ટેશનના પીઆઇ વી. આર. રાઠોડ અને હેડકોન્‍સ. રાઇટર અંશુમનભા ગઢવીએ ગુનો નોંધ્‍યો હતો.
પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એસ.આર. ટંડેલની રાહબરીમાં એરપોર્ટ પોલીસની ટીમે આરોપીઓને પકડી લેવા તજવીજ કરી છે.

હત્‍યાનો ભોગ બનનાર શૈલેષ ત્રણ ભાઇ, બે બહેનમાં બીજો હતો
માસુમ પુત્ર-પુત્રીએ પિતાની છત્રછાંયા ગુમાવી
હત્‍યાનો ભોગ બનનાર શૈલેષ કુંભાણી ત્રણ ભાઇ અને બે બહેનમાં બીજો હતો. તેના અન્‍ય ભાઇઓના નામ રસિકભાઇ, અરવિંદભાઇ અને બહેનોના નામ ભાવુબેન તથા નીરૂબેન છે. માતાનું નામ જીવીબેન અને પિતાનું નામ મનાભાઇ છે. શૈલેષ ખેતી કરવા સાથે ચાની કેબીન રાખીને પણ ધંધો કરતો હતો. તેની હત્‍યાથી માસુમ પુત્ર અને પુત્રીએ પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

હત્‍યા પાછળ મુળ કારણ ‘કેબીન' કે પછી ‘દારૂ'નો ડખ્‍ખો?
 હત્‍યાની આ ઘટના પાછળ મુળ કારણ ચાની કેબીન હટાવવાનું જ છે કે પછી દારૂનો ડખ્‍ખો કારણભુત છે? તે અંગે ચર્ચા જાગી છે. જો કે પોલીસ ફરિયાદમાં શૈલેષે એરપોર્ટ પાસે મુકેલી ચાની કેબીન હટાવી લેવા મામલે ચાલતો ડખ્‍ખો કારણભુત હોવાનું નોંધાયું છે. પણ જાણકારોમાં થતી ચર્ચા મુજબ દારૂ બાબતે પણ માથાકુટ ચાલતી હતી. આ અંગે તપાસ થઇ રહી છે.

સરપંચ રમેશભાઇ રાતભર રાજકોટ હોસ્‍પિટલે રહ્યા
 હત્‍યાની ઘટનાની જાણ થતાં ગારીડાના સરપંચ રમેશભાઇ હાડવી રાજકોટ દોડી આવ્‍યા હતાં અને રાતભર અહિ રોકાયા હતાં અને પોલીસને મદદરૂપ થયા હતાં.

 

(11:24 am IST)