Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

લક્ષ્મીનગર રોડ પરથી નંબર વગરની ચોરાઉ કાર લઇને નીકળતાં પકડાયા બાદ ભેદ ખુલ્યો: બાંધકામના ધંધામાં ખોટ જતાં સંદિપ અને આશીફ અવળે રસ્તે ચડ્યાઃ પાંચ મારૃતિ કાર અને બે એકટીવાની ચોરી કરી

ત્રણ કાર ધોરાજીના ઇસ્માઇલને વેંચી નાંખીઃ પોલીસે બે કાર અને બે ટુવ્હીલર કબ્જે કર્યાઃ પીઆઇ કે. એન. ભુકણ, પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી, હેડકોન્સ. મસરીભાઇ ભેટારીયા અને ટીમની કામગીરીઃ જુના મોડેલની કારમાં કોઇપણ ચાવી લગાવી ચાલુ કરી ચોરી લેતા'તાં

રાજકોટ તા. ૧:  શહેરના લક્ષ્મીનગર મેઇન રોડ પરથી બે શખ્સને નંબર વગરની મારૃતિ-૮૦૦ ફ્રન્ટી કાર સાથે બે શખ્સને માલવીયાનગર પોલીસે પકડી લઇ વિશીષ્ટ પુછતાછ કરતાં આ કાર ચોરાઉ હોવાનું અને આવી બીજી ચાર કાર તથા બે એકટીવા ચોરી કર્યાનું કબુલતાં પોલીસે તેના ઘરેથી બે કાર અને બે ટુવ્હીલર કબ્જે કર્યા છે. અન્ય ત્રણ ચોરાઉ કાર આ બંનેએ ભેગા મળી ધોરાજીના શખ્સને વેંચી માર્યાનું ખુલતાં એ શખ્સની શોધખોળ થઇ રહી છે. કડીયા શખ્સને બાંધકામના ધંધામાં ખોટ જતાં તેણે સાથે વાયરીંગ કામ કરતાં મુસ્લિમ શખ્સ સાથે મળી વાહનો ચોરવાનું ચાલુ કર્યુ હતું.

પ્રાપ્ત માહિતી મુજબ પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી અને તેમની ટીમ લક્ષ્મીનગર મેઇન રોડ અશોક ગાર્ડન પાસે વાહન ચેકીંગમાં હતી ત્યારે બે શખ્સ નંબર વગરની ફ્રન્ટી કારમાં નીકળતાં અટકાવી ગાડીના કાગળો માંગતા ગલ્લા તલ્લા કર્યા હતાં. આકરી પુછતાછ થતાં આ કાર ચોરાઉ હોવાનું કબુલતાં બંનેને અટકાયતમાં લેવાયા હતાં. પોતાના નામ સંદિપ શૈલેષભાઇ રાઠોડ (ઉ.૨૩-રહે. નારાયણનગર-૧૦, ચામુંડા મહેર, ગાયત્રીનગર રોડ) તથા આશીફ અયુબભાઇ જલવાણી (ઉ.૨૮-રહે. વિનોદનગર આવાસ યોજના કવાર્ટર બ્લોક નં. ૨ કવાર્ટર નં. ૨૦૫૮, આંગણવાડીની બાજુમાં કોઠારીયા રોડ, મુળ હાથીખાના-૧૭) જણાવ્યા હતાં. વિશેષ પુછતાછ થતાં આ બંનેએ વધુ ચાર મારૃતિ કાર અને બે એકટીવાની પણ ચોરી કર્યાનું કબુલ્યું હતું. તે પૈકીની એક કાર અને બે એકટીવા ઘરે રાખ્યા હોવાનું અને ત્રણ ચોરાઉ કાર ધોરાજીના ઇસ્માઇલ ઉર્ફ ઇસા દાઉદભાઇ કારવાને વેંચી દીધાનું કબુલ્યું હતું.

પોલીસે બે કાર, બે એકટીવા કબ્જે કર્યા છે. આ વાહનોમા બે કારની કિંમત અનુક્રમે ૫૦ હજાર, ૩૦ હજાર અને એકટીવાની કિંમત ૬૦-૬૦ હજાર ગણવામાં આવી છે. આ વાહનો બંનેએ માલવીયાનગર પોલીસની હદમાંથી, હેમુ ગઢવી હોલ પાસેથી અને સહકાર નગર મેઇન રોડના શોૈચાલય પાસેથી તથા ફનવર્લ્ડ પાસેથી ચોરી કર્યાનું કબુલ્યું છે. આ બંને શખ્સો રસ્તા પર નીકળતાં હતાં અને જુના મોડેલની મારૃતિ ફ્રન્ટી પડી હોય તો તેમાં કોઇપણ ચાવી લગાવી ચાલુ કરીને ચોરીને નીકળી જતાં હતાં. તેમજ ટુવ્હીલર કે જેમાં હેન્ડલ લોક ન હોય તે ચોરી લેતાં હતાં.

ઝડપાયેલામાં આશીફ જલવાણી અગાઉ પ્ર.નગર, બી-ડિવીઝન, વડોદરા, પડધરી અને ભકિતનગર પોલીસમાં લૂંટ, ચોરી, અકસ્માત, આર્મ્સ એકટ સહિતના ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે. ચોરાઉ ગાડીઓ ખરીદનાર ઇસ્માઇલ ઉર્ફ ઇસાની ધરપકડ બાકી છે. પોલીસની પુછતાછમાં સંદિપે કહ્યું હતું કે પોતે કડીયા કામ-બાંધકામનો ધંધો કરતો હોઇ તેમાં ખોટ જતાં પોતાની સાથે જ ઇલેકટ્રીક વાયરીંગનું કામ કરતાં આશીફનો સાથે લઇ વાહન ચોરીના રવાડે ચડ્યા હતાં.

પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુકત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી સુધીરકુમાર દેસાઇ, એસીપી જે. એસ. ગેડમની સુચના મુજબ પીઆઇ કે. એન. ભુકણ, પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી, હેડકોન્સ. મસરીભાઇ ભેટારીયા, દિગ્પાલસિંહ જાડેજા, અરજણભાઇ વિકમા, કોન્સ. કુલદિપસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા, ભાવેશભાઇ ગઢવી, મહેશભાઇ ચાવડા, અંકિતભાઇ નિમાવત, હિરેનભાઇ સોલંકી, હિતેષભાઇ અગ્રાવત સહિતે આ કામગીરી કરી હતી. (૧૪.૧૨)

 

(10:38 pm IST)